લોકસભામાં વિપક્ષીનેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ સામે આક્ષેપો
કર્યા પછી હવે `વોટ ચોરી' બદલ ખુલ્લેઆમ ધમકી આપી છે કે `અમે તમને - ચૂંટણીપંચને છોડશું નહીં -
(અમારી સરકાર આવે અને સત્તા મળે ત્યારે.) ચૂંટણીપંચના જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી
થશે. તમે નિવૃત્ત થયા હો તો પણ - ગમે ત્યાં ખૂણામાં ભરાયા હશો તો પણ શોધી કાઢીશું' એમ કહીને રાહુલ ગાંધીએ ઉમેર્યું છે કે મહારાષ્ટ્ર
વિધાનસભાની ચૂંટણી વખતે એક કરોડ નામ મતદાતાઓની યાદીમાં ઉમેરવામાં આવ્યાં હતાં. આ કેસની
અમે છ મહિના સુધી તપાસ કરી છે અને અમારા હાથમાં હવે `એટમ બોમ્બ' આવ્યો છે, તેનો ઉપયોગ
ચૂંટણીપંચ સામે થશે! રાહુલ ગાંધી ઉપર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો `પ્રભાવ'
બરાબર પડયો લાગે છે! એમનો આક્ષેપ છે કે ચૂંટણીપંચે ભાજપના લાભમાં મતદાતા
યાદીમાં વધારા કર્યા છે અને ભાજપને લાભ કરાવ્યો છે! રાહુલ ગાંધી આવો આક્ષેપ વારંવાર
કરી રહ્યા છે. ટ્રમ્પ યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરે છે તે રીતે! પણ, રાહુલ ગાંધીએ જાહેરમાં આવો બેફામ આક્ષેપ કર્યા પછી ચૂંટણીપંચે એમને પત્ર લખીને
આમંત્રણ આપ્યું કે આવો અને અમારા સમક્ષ બેસીને ચર્ચા કરો - પુરાવા બતાવો, પણ રાહુલ ગાંધી પંચ સમક્ષ હાજર થયા નથી. રાહુલ ગાંધીની છેલ્લી ધમકી પછી મુખ્ય
ચૂંટણી કમિશનરે કહ્યું છે કે બેફામ આક્ષેપો અને ધમકીથી અમે ડરતા નથી. કમિશનરે પંચના
તમામ અધિકારીઓને પારદર્શિતાથી કામ પૂર્ણ કરવા જણાવ્યું છે. મતદારોની યાદીની ઘનિષ્ટ
તપાસ બિહારમાં પૂરી થઈ છે, ત્યારે તેની સામે વિરોધ પક્ષોએ `જેહાદ'
જગાવી છે. સંસદમાં કાર્યવાહી ઠપ છે અને સંસદનાં આંગણે ઊભા રહીને મતદારયાદીની
ચકાસણી સામે વિરોધ પ્રદર્શિત કરાય છે. એ દરમ્યાન આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાનું
નામ મતદારયાદીમાંથી કમી થઇ ગયું હોવાનું જણાવી હોબાળો મચાવ્યો... ચૂંટણીપંચે તરત જ
ધ્યાન દોર્યું કે ધ્યાનથી જુઓ... નામ છે જ. પ્રશ્ન એ છે કે વિરોધ પક્ષો ભાજપનો સામનો
કરવા માટે નકારાત્મક નીતિ શા માટે અપનાવે છે ? ચૂંટણીપંચની બંધારણીય
સત્તા અને કામગીરીથી સૌ કોઇ વાકેફ છે. વળી, ન્યાયતંત્રનું વલણે
બહુ સ્પષ્ટ છે જ... એવામાં બિહારમાં ચૂંટણીપંચ એકતરફી કે પક્ષપાતપૂર્ણ કામગીરી કરે
એ વાતમાં દમ નથી. હકીકતમાં રાજ્યમાં પ્રસ્થાપિત થઇ ચૂકેલા પ્રાદેશિક પક્ષોએ પોતાની
વોટ બેન્ક અને પોકેટ જમાવ્યાં છે. પંચની કામગીરી પછી એમાં ભાંગફોડ થાય તો સત્તાનું
સપનું સરી જાય એવી ભીતિ છે. હવે રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ધમકી જ આપી છે, ત્યારે ચૂંટણી કમિશનરે માત્ર નિવેદન બહાર પાડવાને બદલે કાનૂની કારવાઈ કરવી
જોઈએ. આ `ધમકી' પણ પંચની કાર્યવાહીમાં `દખલ'
છે અને અધિકારીઓ ઉપર દબાણ કરીને ધાર્યું કરાવવાનો માર્ગ છે. સુપ્રીમ
કોર્ટે પણ આ વિષયમાં દરમિયાનગીરી કરવી જોઈએ. ધમકી લોકતંત્રને બચાવવા માટે છે કે દબાણ
કરવા માટે છે?