• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

64 ટકા વરસાદ છતાં રાજ્યમાં સૌથી ઓછો જળસંગ્રહ કચ્છમાં

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 3 : નૈઋત્યના ચોમાસાએ  નિર્ધારિત સમય કરતા વહેલો કચ્છમાં પ્રવેશ કર્યા બાદ જૂનમાં સરેરાશ કરતા ત્રણ ગણો વધુ વરસાદ વરસ્યો હતો. જો કે, જુલાઈમાં સાર્વત્રિક વરસાદના દિવસો તુલનાત્મક રીતે ઘટતાં આ વર્ષના જુલાઈમાં છેલ્લાં ચાર વર્ષની સાથી ઓછો વરસાદ પડયો હતો. આ તમામ પરિબળોના કારણે કચ્છના મધ્યમ સિંચાઈના ડેમોમાં જળસંગ્રહની સ્થિતિ થોડી ચિંતાજનક બનતી જોવા મળી રહી છે.  રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર રાજ્યના ડેમોમાં સાથી ઓછો જળસંગ્રહ કચ્છના ડેમોમાં થયો છે. સરેરાશનો 64 ટકા વરસાદ વરસી ચુકયો હોવા છતાં મધ્યમ સિંચાઈના 20 પૈકીના 10 ડેમ એવા છે કે, જેમાં પ0 ટકાથી ઓછો જળનો જથ્થો સંગ્રહિત છે. - 20 ડેમમાં હાલ પપ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ  : જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમમાં 32પ.26 મિલીયન ક્યૂબિક મિટરની કુલ જળસંગ્રહ ક્ષમતા સામે હાલ 179.21 મિલીગન ક્યૂબિક મિટર જળનો જથ્થો ઉપલબ્ધ છે. તેમાંથી 11.8પ મિલીયન ક્યૂબિક મિટર જિવંત જથ્થો છે. જે કુલ જળસંગ્રહ ક્ષમતાના પપ ટકા થવા જાય છે. રાજ્યના ચાર ઝોનમાં કચ્છમાં સૌથી ઓછો જળનો જથ્થો સંગ્રહિત થયેલો છે. - છ ડેમ છે પૂર્ણ ભરાયેલા : બે રાઉન્ડમાં વરસેલી સારી મેઘવૃષ્ટીના કારણે 20 પૈકીના છ ડેમ પૂર્ણ ભરાયેલા  છે. પૂર્ણ ભરાયેલા ડેમોમાં ડોણ, નિરોણા, કંકાવટી, કાલિયા, કારાઘોઘા, બેરાચિયાનો સમાવેશ થાય છે. મથલ, મીઠી, ગજણસર, એવા ડેમ છે કે, જેમાં 80 ટકાથી વધુ જળરાશી ઠલવાયેલી છે. - ચાર ડેમની સ્થિતિ થોડી ચિંતા જગાવનારી  : મધ્યમ સિંચાઈના ચાર ડેમ એવા છે કે, જેમાં 30 ટકાથી ઓછું પાણી બચ્યું છે. આ ડેમમાં જળસંગ્રહની સ્થિતિ થોડી ચિંતા જગાવનારી છે. આ ચાર ડેમમાં રૂદ્રમાતા, સાન્ધ્રો, નાર અને કાસવતીનો સમાવેશ થાય છે, તો ગોંધાતડ, ભૂખી, જંગડિયા, ફતેહગઢ, ગજોડ અને સુવઈ એવા ડેમ છે કે, જેમાં પ0 ટકાથી ઓછો જળનો જથ્થો હાલ સંગ્રહિત છે. જાણકારોના મતે હજુ એકાદ પખવાડિયું વરસાદનો વિરામ રહે, તો વાંધો નથી પણ એ બાદ જો વરસાદી ગતિવિધિ વેગ ન પકડે, તો સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે તેમ છે. 

Panchang

dd