• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

ફતેહગઢમાં બે મકાનમાંથી 4.30 લાખની તફડંચી

ગાંધીધામ, તા. 3 : રાપર તાલુકાના ફતેહગઢમાં આવેલાં પિતા-પુત્રના બંધ ઘરનાં તાળાં તોડી નિશાચરોએ બંને મકાનમાંથી રૂા. 4,30,000ના દાગીના, રોકડ રકમની ચોરી કરીને નાસી ગયા હતા. ફતેહગઢ ગામમાં રહેતા ફરિયાદી ડાયા સામા રબારી નામના આધેડ સીમ વિસ્તારમાં ગાયો-ભેંસો ચરાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. આ આધેડ અને તેમનો પરિવાર માલ ઢોર ચરાવતા હોવાથી તેઓ માંજુવાસ ગામમાં વાંઢિયું બાંધીને ત્યાં રહેતા હતા. ગત તા. 1/8ના બપોરના બે વાગ્યે ફરિયાદી માંજુવાસથી ફતેહગઢ પોતાના ઘરે ગયા હતા. જ્યાં નાહ્યી-ધોઈને સાંજે પરત વાંઢિયે ગયા હતા. બીજા દિવસે તા. 2/8ના બપોરે તેમનો પુત્ર રાજા  પોતાના ઘરે ફતેહગઢ આવ્યો હતો, ત્યારે બંધ ઘરનાં તાળાં તૂટેલાં મળ્યાં હતાં, જેથી તેણે પોતાના પિતાને ફોન કરી બનાવની જાણ કરી હતી. તેવામાં પરિવારજનો અહીં આવી ઘરની અંદર જતાં ઘરમાં સરસામાન વેરવિખેર પડયો હતો. નિશાચરોએ આ મકાનની દીવાલ કુદી અંદર ઘૂસી તાળાં તોડયાં હતાં અને અંદર કબાટના તાળાં તોડી તેમાંથી સોનાનું ચેનનું પગલું 15 ગ્રામ, 1પ ગ્રામનું સોનાનું સિયર, ત્રણ ગ્રામની સોનાની ડોડી, 100 ગ્રામની ચાંદીની ચેઈન, 200 ગ્રામના ચાંદીના સાંકળાં જોડી નંગ-1 એમ રૂા. 2,49,000ની મત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં રાજા  રબારીએ પોતાનાં ઘરે જઈ તપાસ કરતાં તેનાં મકાનનાં તાળાં પણ તૂટેલાં જણાયાં હતાં, તેનાં મકાનમાં પણ સરસામાન વેરવિખેર પડયો હતો. આ મકાનમાં ડબ્બામાં રાખેલ 3 ગ્રામના સોનાના ત્રણ પારા, 2 ગ્રામનો ગળામાં પહેરવાનો સોનાનો ઓમકાર, 00 ગ્રામના ચાંદીના સાંકળાં, 00 ગ્રામની હાથમાં પહેરવાની ચાંદીની ચૂડ, 100 ગ્રામનો હાથમાં પહેરવાનો ચાંદીનો પટ્ટો તથા રોકડ રૂા. 80,000 એમ રૂા. 1,81,000ની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. નિશાચરોએ આસપાસ આવેલાં આ બે મકાનનાં તાળાં તોડી તેમાંથી કુલ રૂા. 4,30,000ની મત્તાની ચોરી કરી હતી. ચોરીના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. વાગડ પંથકમાં અગાઉ થયેલી ઘરફોડ ચોરી શોધવામાં પોલીસ નિષ્ફળ રહી છે. સમ ખાવા પૂરતી એકેય ઘરફોડ ચોરી શોધાઈ નથી તેવામાં વધુ એક ચોરીના બનાવથી ભારે ચિંતા સાથે ચકચાર પ્રસરી છે.  

Panchang

dd