દયાપર (તા. લખપત), તા. 3 : ધર્મગ્રંથ
મહાભારતમાં એક શ્લોક આવે છે. નિવિષ્ટં ગોકુલં યત્ર શ્વાસં મુઞ્ચતિ નિર્ભયમ્ । વિરાજ્યતિ
તં દેશં પાપં ચાસ્પાપકર્ષતિ ।। (અર્થાત્ ગાયોનો સમુદાય જ્યાં બેસીને નિર્ભયતાપૂર્વક
શ્વાસ લે છે, તે સ્થાનનાં બધાં પાપોને
ખેંચી લે છે.), પરંતુ હવે વસ્તી વધી, વાહન
વ્યવહાર વધ્યા અને ગૌધન મોટા ભાગે `ડામર રોડ' પર બેસવા
ઈચ્છે છે. કારણ કે, જીવજંતુઓ વધ્યા છે. ડામર રોડ ગમે ત્યાં હોય
અત્યારે મોટા ભાગના ગામડાઓમાં પશુધન ડામર રોડ પર જ જોવા મળશે અને હોર્ન વગાડયા પછી
પણ કોઈ અસર થતી નથી. આખલાઓ વૃદ્ધોને હડફેટે લે તેવા બનાવો સામાન્ય બની ગયા છે,
ત્યારે સમય આવી ગયો છે, આ બિનવારસુ ગૌધનની દશા
બગડે નહીં તે માટે દરેક 10 ગામ વચ્ચે
એક ગૌશાળા અને તેનું સંચાલન 10 ગામના અગ્રણી
સરકારની સહાયતાથી કરે તો ગૌધન બચી શકે અને લોકોને રાહદારીઓને તકલીફ ન પડે. હાલમાં લખપત
તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આવા 80 ગામ, વાછરડા,
આંખલા એક વાડામાં પુરાયા છે અને તેને કિશાનસંઘ, ગ્રામજનોના સહયોગથી પાંજરાપોળ મોકલાવાશે તેવું નક્કી કરાયું છે. અગાઉના સમયમાં
જ્યારે ટ્રેક્ટર ન હતા, ત્યારે બળદનો ઉપયોગ થતો. એટલું જ નહીં,
બળદ ખેડૂતના ઘર પરિવારનો સભ્ય ગણાતો. ઘણી વખત બળદ મરી જાય તો ખેડૂત રીતસર
રડતો અને દુ:ખી થતો. રાત-દિવસ ખેડૂતની સાથે ખેતરમાં કામ કરતા બળદનું મૂલ્ય મૂઠીઊંચેરું
હતું. ગામને વાછરડી જન્મે, તો અને વાછરડો જન્મે તો પણ ખેડૂત રાજી
થતો. કારણ કે, વાછરડી ગાય બનશે અને વાછરડો બળદ બનશે. ખેતીમાં
કામ આવશે. આમ ક્યારે ગૌધન રસ્તા પર રઝળતું જોવા મળતું નહીં ! ટ્રેક્ટર ખેતીમાં આવ્યા
પછી હવે બળદ નહીં પણ આખલાઓની સંખ્યા વધી રહી છે. જો ખેતીમાં ઉપયોગી ન થાય તો અન્ય ઉપયોગ
પણ કરી શકાય. મનોજભાઈ સોલંકીએ કુકમા ખાતે તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે. ગૌધનના
દૂધ, છાણ, ગૌમૂત્રમાંથી વિવિધ મહત્ત્વની
પ્રોડક્ટ બની રહી છે અને બળદને પરિવહનમાં ઉપયોગિતાની પણ હાકલ કરી છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, લોકોની માનસિકતા પણ બદલાઈ છે. ગાયને વાછરડું જન્મે તેને
છૂટું છોડી દે અને ગાયનું દૂધ પીવે, આવા પરિવારોની પણ સંખ્યા
વધી રહી છે. જે દૂધ ન આપે તેવી ગાયને ગામમાં `એંઠ'ના ભરોસે છોડી દેવાય છે. આ માનવતાની વિરુદ્ધ છે. ગાય અને કુતરા માટે રોટલી
પ્રથમ કાઢવાની પરંપરા છે. ગાયને નિ:સહાય છોડી દેવી તે દુર્ગતિનું કારણ બને છે. હાલમાં
મહારાષ્ટ્ર રાજ્યના એક ગામડામાં બળદની જગ્યાએ 76 વર્ષનો વૃદ્ધ ખેડૂત બળદ બનીને
ખેતરમાં ખેડ કરતો હોય તેવી સ્ટોરી ઈલેક્ટ્રોનિક મીડિયાઓએ બહુ ચલાવી હતી અને સરકાર દ્વારા
તેને સહાય પણ જાહેર કરાઈ હતી. મહારાષ્ટ્રમાં બળદ ખરીદી શકે તેવી તેની આર્થિક સ્થિતિ
નથી, તેવું માહિતીમાં દર્શાવાયું હતું અને કચ્છમાં
બળદ ઘણા છે, પણ લેવાવાળું નથી. ખેતી બળદથી કરાતી નથી જેથી બળદ
સાવ બિનઉપયોગી બનાવી દેવાયું. હવે વાવેતરની મોસમ છે, ત્યારે ખેડૂતોને
ભેલાણની તકલીફ થતાં પશુધનની વ્યવસ્થા કરવાની ફરજ પડી, પણ આઠ મહિના
કોઈ વ્યવસ્થા કરાઈ નહીં. ટૂંકમાં સરકાર દ્વારા બિનવારસુ ગૌધન માટે કાયમી સુવિધા ઊભી
કરાય. પાંજરાપોળને ખાસ કિસ્સામાં સહાય અપાય તો ગૌધન બચી શકે તેમ છે.