નવી દિલ્હી, તા. 3 : દેશભરમાં
દર્દીઓને મોટી રાહત આપવા માટે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ 35 જરૂરી દવાના ભાવ ઘટાડી દીધા
છે. આ દવાઓ ઘણી મોટી ફાર્મા કંપનીઓ દ્વારા વેચાય છે અને તેમાં એન્ટી ઇન્ફલેમેટરી, હાર્ટ, એન્ટિબાયોટિક,
ડાયાબિટીસ અને સાઇકિએન્ટ્રિક જેવી મહત્ત્વની દવાઓ સામેલ છે. રસાયણ અને
ખાતર મંત્રાલયે એનપીપીએના ભાવ નિયમનના આધારે પરિપત્ર જાહેર કર્યો છે. નવા ભાવ લાગુ
થયા પછી લાંબી બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓને સીધો ફાયદો થશે. પરિપત્ર મુજબ,
કેટલીક મુખ્ય ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સની કિંમતો ઘટાડાઈ છે, જેમાં એસિક્લોફેનેક-પેરાસિટામોલ-ટ્રિપ્સિન કાઇમોટ્રિપ્સિન, એમોક્સિસિલિન અને પોટેશિયમ ક્લેવુલાનેટ, એટોરવાસ્ટેટિન
કોમ્બિનેશન્સ અને નવા ઓરલ એન્ટી-ડાયાબિટિક કોમ્બિનેશન્સ જેમ કે એમ્પગ્લિફલોઝિન,
સિટગ્લિપ્ટિન અને મેટફોર્મિનનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે,
ડો. રેડ્ડીઝ લેબ્સ દ્વારા માર્કેટ કરવામાં આવતી એક એસિક્લોફેનેક-પેરાસિટામોલ-ટ્રિપ્સિન
કાઇમોટ્રિપ્સિન ટેબલેટ હવે 13 રૂપિયામાં મળશે, જ્યારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની એ જ ટેબલેટ 15.01 રૂપિયામાં ઉપલબ્ધ થશે. હૃદયરોગના
દર્દીઓ માટે મહત્ત્વની એટોરવાસ્ટેટિન 40 એમજી અને ક્લોપિડોગ્રેલ 75 એમજીની ટેબલેટનો ભાવ હવે 25.61 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. બાળકો માટે સીફિક્સાઇમ-પેરાસિટામોલ
ઓરલ સસ્પેન્શન પણ આ યાદીમાં છે. તે જ રીતે, વિટામિન એક્સની જરૂરિયાત પૂરી કરવા માટે કોલેકેલ્સિફેરોલ ડ્રોપ્સ અને દુ:ખાવો
અને સોજા માટે ડાઇક્લોફેનેક ઇન્જેક્શન (31.77 રૂપિયા પ્રતિ મિલી)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.