• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

મોટી વિરાણીના લોકોને ભયભીત કરનારા 20 આખલા પાંજરે પૂરાયા

વિરાણી મોટી, તા. 3 :  પચાસથી વધુ ઝનૂની આખલાની દરરોજની લડાઇથી લોકો ત્રાસ્યા હતા. આ સમસ્યાથી છૂટકારો અપાવવા ગ્રામ પંચાયત દ્વારા આખલાઓને પકડવાની કામગીરી શરૂ કરાઇ હતી. સરપંચ સામાબાઇ બળિયાની સૂચનાથી પ્રતિનિધિ ગોવિંદભાઇ બળિયા, સા. ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઇ બળિયા, ગોપાલજી જાડેજા, મોહનલાલ રબારી, મુસ્તાકભાઇ ચાકી દ્વારા આજે  આખલા પકડવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ કામગીરીમાં કુલ્લ 20 આખલાને પાંજરે પૂરી નખત્રાણાના ગૌસેવા કેન્દ્રમાં મૂકવામાં આવ્યા હતા. ગૌશાળાના ટ્રસ્ટી લાલજીભાઇ રામાણીના સહયોગથી કાર્યવાહીને સફળ બનાવવામાં આવી હતી. ગોવિંદભાઇ બળિયાના જણાવ્યા મુજબ બાકી રહેતા આખલાને પકડવાની ઝુંબેશ ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિરાણીમાં આખલાના ત્રાસનો અહેવાલ કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયાનાં પગલે જાગૃતિથી આખલા પકડવાની કામગીરી હાથ ધરાઇ હતી. 

Panchang

dd