લંડન, તા. 3 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની
પાંચમી અને નિર્ણાયક ટેસ્ટ મેચ નાટકિય ચડાવ-ઉતાર વચ્ચે અતિ રોમાંચક સ્થિતિમાં પહોંચી
છે. ખરાબ પ્રકાશ અને પછી વરસાદને લીધે રમત અટકાવી દેવામાં આવી ત્યારે ભારતને જીત માટે
4 વિકેટની જરૂર હતી અને ઇંગ્લેન્ડને જીત માટે
3પ રન ખૂટતા હતા. આ પછી ચોથા દિવસની રમત
સમાપ્ત જાહેર કરાઇ હતી. આ સ્થિતિમાં આવતીકાલે મેચના આખરી દિવસે મેચનું પલડું કોઇ પણ
તરફ ઝૂકી શકે છે. જો ભારતની જીત થઈ, તો શ્રેણી 2-2થી ડ્રો થશે
અને હાર થશે તો ઈંગ્લેન્ડનો 3-1થી શ્રેણી
વિજય થશે. ઇંગ્લેન્ડે 374 રનના વિજય
લક્ષ્યનો સાહસિક ઢબે પીછો કર્યો હતો. હેરી બ્રુકે કારકિર્દીની 10મી સદી ફટકારી હતી. જયારે જો રૂટ 39મી સદી ફટકારી સંગકારાથી આગળ થયો હતો. આ
બન્ને વચ્ચે 211 દડામાં 19પ રનની ભાગીદારી થઇ હતી. ભારત તરફથી પ્રસિધ્ધ
કૃષ્ણાએ ત્રણ અને મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. આજની રમતના અંતે જેમી સ્મિથ બે
અને જેમી ઓવર્ટન શૂન્ય સાથે અણનમ રહ્યા હતા. 106 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડના બે સ્ટાર બેટર હેરી
બ્રુક અને અનુભવી જો રૂટે શાનદાર બેઝબોલ બેટિંગ કરી હતી. વિપરિત પરિસ્થિતિમાં બન્નેએ
દબાણની સ્થિતિમાં ભારતીય બોલરો સામે હલ્લાબોલ કરી રન ગતિ વધારી હતી અને ઈંગ્લેન્ડ માટે
જીતનો રસ્તો બનાવ્યો હતો. હેરી બ્રુકે કારકિર્દીની 10મી સદી ફકત 91 દડામાં પૂરી કરી હતી. તેને સિરાજ તરફથી જીવતદાન મળ્યું હતું.
જે ભારતને ઘણું મોઘું પડયું હતું. બ્રુક અને રૂટની સ્ટ્રોકફૂલ બેટિંગ દર્શનીય રહી હતી.
જો કે ચાના સમયની ઠીક પહેલા આકાશદીપે આ જોડી તોડી ભારતની વાપસી કરાવી હતી. બ્રુક 98 દડામાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાથી 111 રને સિરાજના હાથે કેચ આઉટ થયો
હતો. રૂટ અને બ્રુક વચ્ચે ચોથી વિકેટમાં 211 દડામાં 19પ રનની ભાગીદારી
થઇ હતી. ઇંગ્લેન્ડના 66 ઓવરમાં 4 વિકેટે 317 રન થયા હતા ત્યારે વરસાદને લીધે ટી-ટાઇમ જાહેર કરી દેવામાં આવ્યો
હતો. ચાના સમય બાદ ભારતે જેકેબ બેથલ (પ) અને સ્ટાર જો રૂટ (10પ)ની વિકેટ ઝડપી વાપસી કરી હતી. આ બન્ને
વિકેટ કૃષ્ણાએ લીધી હતી. જો કે આ પછી વરસાદને લીધે રમત અટકી ગઇ હતી. અગાઉ આજે રમતના
ચોથા દિવસે ઇંગ્લેન્ડે 374 રનના વિજય
લક્ષ્યનો પીછો કરતાં 1 વિકેટે પ0 રનથી તેનો દાવ આગળ વધાર્યો હતો. બેન ડકેટ
અને કેપ્ટન ઓલિ પોપ મકકમતાથી ભારતીય બોલર્સનો સામનો કરી આગળ ધપી રહ્યા હતા. ત્યારે
પ્રસિધ્ધ કૃષ્ણાએ ભારતને મહત્ત્વનો બેક થ્રુ અપાવ્યો હતો. તેણે બેન ડકેટની વિકેટ લીધી
હતી. ડકેટ 83 દડામાં 6 ચોક્કાથી પ4 રન કરી સ્લીપમાં રાહુલને કેચ આપી આઉટ થયો
હતો. આ પછી સિરાઝ ત્રાટકયો હતો. તેણે ઇંગ્લેન્ડના કેપ્ટનને અદભૂત ઇનસ્વીંગથી એલબીડબ્લ્યૂ
આઉટ કરી ભારતને મહત્વની સફળતા અપાવી હતી. પોપે ડીઆરએસ લીધો હતો, પણ તે ટીવી રિપ્લેમાં કલીયરકટ આઉટ રહ્યો હતો.
તેણે 34 દડામાં પ ચોકકાથી 27 રન બનાવ્યા હતા. આથી ઇંગ્લેન્ડના
3 વિકેટે 106 રન થયા હતા.