નેત્રા (તા. નખત્રાણા), તા. 3 : આજનો યુગ
ઇન્ટરનેટ અને ટેક્નોલોજીનો છે. મોબાઇલ હવે માત્ર સંપર્ક માટે નહીં, પણ દિશા માટે `ગાઇડ'
બની ગયો છે. શહેર હોય કે ગામડાં, ગૂગલ મેપ,
લાઈવ લોકેશન, સાઇનબોર્ડ, માઇલસ્ટોન અને નાની-મોટી નકશાવાળી એપ્લિકેશનો હવે દરેક માર્ગ સરળ બનાવે છે. એક સમય એવો હતો જ્યારે ટેક્નોલોજી દૂર-દૂર સુધી
ન હતી. રસ્તાઓ કાચા હતા, વાહનો ઓછાં હતાં અને દિશા જાણવા માટે
લોકો કુદરતનાં સંકેતો અને અનુભવ પર નિર્ભર હતા. એ સમયમાં `ઘસ' અને `ગાડાવાટ' લોકો માટે જીવંત માર્ગદર્શક હતા. વડીલો કહે
છે કે, `ઘસ' એ લોકો માટે આંતરજ્ઞાન સમાન હતી. ગામના વણેલા રસ્તાઓ, વારંવાર પગપાળા ચાલવાથી ઊભી થયેલી ઘસ એ કુદરતી માર્ગદર્શનનું એક એવું તંત્ર
હતું જે લોકોને મંજીલ સુધી પહોંચાડતું. કોઈ અજાણ્યા વ્યક્તિને માર્ગ સમજાવવો હોય તો
ગામલોકો કહેતા, `હી ઘસ ગેનીને
હલ્યો વેજે, ઇ તોકે તોજી મંજીલ તે પોજાઈંધો.'
આવી મૌખિક દિશા સમજાવટ આજની પેઢી માટે કલ્પના બહારની વાત હોઈ શકે,
પણ એ સમયના લોકો માટે એક જીવંત નકશો હતી. હાલે જ્યારે વરસાદે પાકા રસ્તાઓ
તોડી નાખ્યા છે, ત્યારે ક્યાંક ખેતરોમાં ઘસ પાછી જોવા મળે છે,
પણ હવે એ શોર્ટકટ તરીકે ઉપયોગમાં લેવાય છે, મૂળ
અર્થ અને દિશાત્મક મહત્તા ગુમાવતી જાય છે. ગામની ઘસ અને ગાડાવાટ હવે ઈતિહાસ બની ચૂક્યા
છે, તેવું જૂના જમાનાના
લોકોએ જણાવ્યું હતું. ગામડાંની સંસ્કૃતિ અને દિશા સંજ્ઞાની કુદરતી સમજ. ટેક્નોલોજીથી
માર્ગ સરળ બન્યા છે, જીવન ઝડપી થયું છે, પણ એ સરળતામાંથી કુદરતનો સ્પર્શ, માર્ગ શોધવાનો `અનુભવ'
અને દિશા ઓળખવાના આંતરિક બુદ્ધિપ્રકાશ વિસ્મૃત થવા લાગ્યા છે. આધુનિક
યુગના આ પરિવર્તન વચ્ચે લોકોએ યાદ રાખવું જોઈએ કે `ઘસ' એ કેવળ માર્ગ ન હતી, તે આપણા મૂળ સંસ્કૃતિનું જીવંત પ્રતીક
હતી. ભલે આજના નકશાઓ ડિજિટલ છે, પણ ભૂતકાળના આ કુદરતી નકશાઓ ઘસ
અને ગાડાવાટ આપણા માટે વારસારૂપી માર્ગદર્શક છે, જે ભૂલવું જોઈએ
નહીં તેવું વડીલોએ કહ્યુ હતું.