• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

નેત્રા સબ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીનું વીજશોકથી મૃત્યુ

ભુજ, તા. 3 : નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં વીજલાઈનમાં કામ કરતા પીજીવીસીએલના કર્મચારી કાનજી વાલજી ગઢવી (ઉ.વ. 58)ને વીજશોક લાગતાં ગંભીર ઈજાના પગલે તેમનું મોત થયું હતું, માંડવી તાલુકાના ફરાદીમાં સોનલ સતીશ નાયકા (ઉ.વ. 15)એ કોઈ અગમ્ય કારણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો, બીજી તરફ મુંદરા તાલુકાના વડાલામાં ભઠ્ઠીમાં કામ કરતી વેળાએ દાઝી ગયેલા મૂળ બિહારના પિન્ટુકુમાર છોટેલાલ રીખિયાર (ઉ.વ.36) નામના યુવાનનું મોત થયું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, નેત્રાના 66 કે.વી. સબ સ્ટેશનમાં ભીમનાથ એ.જી.ની લાઈનમાં કામ કરતા કાનજીભાઈને વીજશોક લાગ્યો હતો. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે નખતત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ દેશલપર (ગું)માં સબસ્ટેશનમાં કામ કરતી વેળાએ જાકબ હાજીહુસેન ખત્રીને શોક લાગતા તે ઈજાગ્રસ્ત થયા હતા. બીજી બાજુ ફરાદીમાં રહેતી હતભાગી સોનલે ગત તા. 28ના કોઈ અકળ કારણે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી, જે પછી તેને સારવાર માટે લઈ જવાઈ હતી, જ્યાં શુક્રવારે તેણે દમ તોડયો હતો. કોડાય પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માત મોતનો વધુ એક બનાવ વડાલામાં બન્યો હતો, જ્યાં નીલકંઠ કંપનીની ભઠ્ઠી પર કોલસો નાખવાનું કામ કરતા પિન્ટુકુમાર પર કોઈ કારણે છૂટાછવાયો ગરમ પદાર્થ પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. 

Panchang

dd