કચ્છમાં ત્રણ કે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવે છે તો પણ
લોકો ફફડી ઊઠે છે, કેમ કે 2001ના ગોઝારા ધરતીકંપની ભયાનકતા
માનસપટ પર તાજી થઇ ઊઠે છે. ધરા ધણધણે અને બધું તણખલાંની જેમ વેરાઇ જાય એનો વિનાશ અકલ્પનીય
હોય છે. ધરતીકંપના આંચકા કચ્છથી ઉત્તર ભારત સુધી નોંધાતા રહે છે. એ દરમ્યાન રશિયાના
કામચટકા દ્વિપકલ્પ ક્ષેત્રમાં આવેલા 8.8ની તીવ્રતાના ધરતીકંપે દુનિયાને ડરામણો અનુભવ કરાવ્યો. ઈતિહાસનો આ છઠ્ઠા ક્રમનો મોટો ભૂકંપ હતો. તેને પગલે જાપાન
સહિત એક ડઝન દેશોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સમુદ્રમાં ત્રણથી પાંચ
મીટર ઊંચાં ઊછળતાં મોજાં કાંઠા તરફ ધસમસતાં હતાં,
ત્યારે વર્ષ 2004ની વિભીષિકાનું પુનરાવર્તન
થવાનો ડર પેઠો હતો. લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અલબત્ત, અમુક કલાકો પછી પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં
સુનામી ચેતવણી પાછી ખેંચી લેવાતાં હાશકારો થયો. પ્રકૃતિનાં રૌદ્રરૂપનો અંદાજ બાંધી
ન શકાય. આગોતરી તૈયારી અને તકેદારીથી જાનહાનિ ટાળી શકાય છે. જાપાનમાં તો રાજધાની ટોકિયોના 20 લાખ લોકોને સલામત સ્થળે ચાલ્યા જવા કહી દેવામાં આવ્યું હતું.
ફુકુસીમા પરમાણુ મથક કામચલાઉ બંધ કરી દેવાયું. સુનામીની લહેરો અમેરિકાના અલાસ્કા અને
હવાઇ ટાપુ સુધી પહોંચી હતી. સુનામીનો ખતરનાક અનુભવ બે દાયકા પહેલાં ભારત, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા
સહિતના દેશો કરી ચૂક્યા છે. હિન્દ મહાસાગરમાં એ સમયે શક્તિશાળી ભૂકંપને પગલે દરિયો
ઉલેચાતો હોય એવાં રાક્ષસી મોજાંઓએ ભારે તબાહી મચાવી હતી. 14 દેશમાં સવા બે લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ સિવાય લાખો લોકોને ભારે નુકસાન
વેઠવું પડયું હતું. પૂર કે ધરતીકંપ જેવી કુદરતી હોનારત ભોગવનારા માનવને, પરિવારને કેટલાંય વર્ષો પાછળ ધકેલી દેતી હોય
છે, એનો માનસિક આઘાત મોટો હોય. ભૂસ્તર વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર
દરેક ધરતીકંપ સુનામી લાવે એવું નથી હોતું. ભૂકંપનું કેન્દ્ર દરિયાની અંદર કે કાંઠાની
નજીક હોવું જોઇએ. વારંવાર આવતા ભૂકંપ ગંભીર ચેતવણી સમાન છે. પૃથ્વી ભલે ઉપરથી શાંત
જણાતી હોય, પણ અંદર ઊથલપાથલ ચાલતી રહે છે. પેટાળમાં પ્લેટો વચ્ચેની
ટક્કર ધરતીકંપ સર્જે છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ દુનિયામાં દર વર્ષે લાખો કંપન નોંધાતાં
હોય છે. એમાંના મોટાભાગે એટલાં હળવાં હોય છે કે એની વિધિવત નોંધ થતી હોતી નથી. ભારતમાં
ભૂકંપની વધતી ઘટનાઓ ચિંતાની વાત છે. ધરતીકંપનાં જોખમની દૃષ્ટિએ દેશને પાંચ ઝોનમાં વહેંચી
દેવામાં આવ્યો છે. જી - પાંચ સૌથી તીવ્ર સંભાવનાવાળો વિસ્તાર કહેવાય, જેમાં સમગ્ર પૂર્વોત્તર ભારત ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ,
જમ્મુ - કાશ્મીર અને ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લો આખો
ઝોન - પાંચમાં સૌથી સંવેદનશીલ છે. આ ક્ષેત્રમાં ધરતીની અંદર ઈન્ડિયન પ્લેટ યુરેશિયન
પ્લેટ સાથે વધુ વાર ટકરાય છે. રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તાર ઝોન - ચારમાં સમાવિષ્ટ
છે. વિજ્ઞાનીઓ એક અરસાથી ભૂકંપની ભવિષ્યવાણી થઇ શકે એ માટે પ્રયત્નશીલ છે, પરંતુ કોઇ સચોટ ઉપાય શોધી શકાયો નથી. એ સંજોગોમાં ભૂકંપ પ્રતિરોધક ઇમારતોનું
નિર્માણ અને જાગૃતિ એકમાત્ર ઉપાય છે.