• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

ટેરિફનાં એલાન બાદ અમેરિકાથી ક્રૂડ આયાત બમણી

નવી દિલ્હી, તા. 3 : અમેરિકાએ ભારત ઉપર 25 ટકા ટેરિફની જાહેરાત કરી દીધી છે અને સાતમી ઓગસ્ટથી નવો ટેરિફ લાગુ થઈ જવાનો છે. અમેરિકાને ભારત અને રશિયા વચ્ચે ક્રૂડ અને હથિયારના વેપારથી પણ વાંધો છે અને આ માટે પેનલ્ટી લાદવાની ધમકી ટ્રમ્પ આપી ચુક્યા છે. જો કે એપ્રિલમાં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ટેરિફના એલાન બાદ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી બમણી કરી છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં વાર્ષિક આધારે ખરીદીમાં 114 ટકાની વૃદ્ધિ થઈ છતાં 25 ટકા ટેરિફ લગાવાયો છે. વર્ષ 2024માં એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે ભારતે અમેરિકા પાસેથી અંદાજીત 15 હજાર કરોડ રૂપિયાનું ક્રૂડ ખરીદ્યું હતું જ્યારે 2025ના સમાન ગાળામાંઆ આંકડો બમણો થઈને 32 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોતાના એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદીને લઈને જાણકારી જારી કરી હતી. ભારતે અમેરિકા પાસેથી જાન્યુઆરીથી જૂન 2025 વચ્ચે દરરોજ 2.71 લાખ બેરલ ક્રૂડ ખરીદ્યું છે. 2024મા જાન્યુઆરીથી જૂન વચ્ચે ખરીદીનો આ આંકડો 1.8 લાખ બેરલ પ્રતિદિવસ હતો. માત્ર જુલાઈ 2025મા જૂનની સરખામણીએ 23 ટકા વધારે ક્રૂડ અમેરિકાથી આયાત થયું છે. ભારતના કુલ આયાતમાં પણ અમેરિકાની ભાગીદારી 3 ટકાથી વધીને આઠ ટકા સુધી પહોંચી છે.આ અગાઉ જુલાઈના અંતમાં ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા જેવા સાથે તેવાનો ટેરિફની ઘોષણા કરતા કહ્યું હતું કે ભારત પોતાની મોટાભાગની સૈન્ય સામગ્રી રશિયા પાસેથી ખરીદે છે અને રશિયાનું સૌથી મોટું ક્રૂડ ખરીદદાર પણ ભારત છે. આ માટે ભારતને પેનલ્ટીની ધમકી પણ આપવામાં આવી હતી. જો કે ભારત હજી પણ રશિયા પાસેથી જરૂરિયાતના 40 ટકા ક્રૂડ ઈમ્પોર્ટ કરે છે. દરરોજ અંદાજીત 1.15 મિલિયન બેરલ ક્રૂડ તેલ દરરોજ રશિયા પાસેથી ખરીદવામાં આવે છે.  

Panchang

dd