વિથોણ (તા. નખત્રાણા), તા. 3 : ચોમાસામાં
શાકભાજીના ભાવ સસ્તા થઈ જાય છે, પરંતુ
આ વર્ષે ભાવ ઘટવાનું નામ જ લેતા નથી. તમામ શાકભાજીના ભાવ 60થી 120 કિલો વચ્ચે બોલાય છે અને ફળોના ભાવ પણ બમણા છે. આથી ગૃહિણીઓનું
બજેટ ખોરવાઈ ગયું છે. ગરીબ વર્ગ તો શાકભાજીના ભાવ પૂછીને ચાલ્યા જાય છે. બકાલી કહે
છે કે, ઉપરથી શાકભાજી મોંઘા ભાવે આવે છે અને બગાડ પણ
બહુ થાય છે અને અમારે પણ નફો રાખીને વેચવું પડે છે. રીંગણા અને દૂધીનો ભાવ 40 રૂા. પ્રતિ કિલો છે. બાકીની
શાકભાજી ગુવાર, ટમેટા, ચોળાફળી, કારેલા, કોબી,
મરચાં, ભીંડા અને ઘિલોડાં વિગેરેનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર બોલાય
છે, જ્યારે ડુંગળી અને બટેટા 50 રૂા. કિલોના ભાવે વેચાય છે.
શાકભાજીના વધતા ભાવે ગૃહિણીનું બજેટ બગાડી નાખ્યું છે અને વધતા ભાવથી ઘરખર્ચમાં વધારો
થાય છે. શાકભાજીના આસમાને પહોંચેલા ભાવને જોઈને સ્થાનિક ખેડૂતોએ શાકભાજીનું વાવેતર
કર્યું છે અને તેને બજારમાં આવતાં બે માસ જેટલો સમય લાગશે અને પછી કદાચ ભાવમાં ઘટાડો
આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. શાકભાજીની સાથે ફળોના ભાવ પણ બમણા થઈ ગયા છે.
કેળાનો ભાવ 25 રૂા.થી સીધો પચાસ થઈ ગયો છે
અને સફરજનનો ખાલી ભાવ પુછાય તેમ છે, જેનો ભાવ પ્રતિ કિલો 200થી ઉપર બોલાય છે. પપૈયાં અને નાસપાતી પણ 60થી 100 કિલો સુધી બોલાય છે. ગૃહિણીઓ કહે છે કે, અત્યારે ફળો અને શાકભાજીના ભાવ પુછાય,
ખરીદાય નહીં, અત્યારે દાળ-રોટી ખાઓ અને દિવસો વિતાવો
તેવું જણાવ્યું હતું. ચોમાસાની ઋતુમાં શાકભાજીના ઊંચકાયેલા ભાવથી સૌથી વધુ ગૃહિણીઓ
પરેશાન બની છે કારણ કે મર્યાદિત બજેટમાં ઘર ચલાવવું પડે છે.