• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

હવે ટેરિફ આતંક ?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પરસ્પર વિરોધેતુ વયમ્ પંચૈવ, તે શતમ્ પરિભવે પ્રાપ્તે વયમ્ પંચાધિકમ શતમ્ પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે દુર્યોધન એમની દુર્દશા જોવા અને ખુશ થવા માટે આવ્યો, પણ વનમાં ગાંધર્વ રાજા ચિત્રરથે દુર્યોધનને માત કરીને કેદ પકડયો. આ માહિતી મળતાં અને જોતાં ભીમને ખૂબ ખુશી થઈ ત્યારે યુધિષ્ઠિરે ભીમને ટોકીને ઉપરોક્ત શિખામણ આપી હતી કે આપસના ઝઘડા - વિવાદમાં ભલે આપણે પાંચ અને કૌરવો એકસો હોય, આપણે સામસામે હોઈએ, પણ જ્યારે બહારના વિદેશી દુશ્મન આક્રમણ કરે ત્યારે આપણે એકસો પાંચ છીએ. એકતા રાખવી જોઇએ. આજનાં મહાભારતમાં પણ `દુર્યોધન' છે ! આતંકીઓ સામેનાં ઓપરેશન સફળ થયાં, છતાં અવિશ્વાસની અફવા - હવા ફેલાવે છે. પાકિસ્તાની આતંકનો બદલો લેવાયો અને `િહન્દુ આતંકવાદ'ના કુપ્રચારનો ફુગ્ગો - ભાંડો પણ ફૂટી ગયો છે, ત્યારે હવે `ટેરિફ આતંકવાદ' શરૂ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ - સામાન ઉપર ટેરિફમાં વધારો કર્યો છે અને ભારતીય અર્થતંત્ર ડૂબી રહ્યું હોવાની `આગાહી' કરી છે, ત્યારે આપણા વિરોધીનેતા ખુશ થઈને નાચી રહ્યા છે ! આ વિદેશી આતંકમાં વિપક્ષી `આનંદ' ભળ્યો છે ! ઓપરેશન મહાદેવમાં પહેલગામના હત્યારા ઠાર થયા તો કોંગ્રેસી નેતા - પૂર્વ ગૃહપ્રધાન  પી. ચિદમ્બરમ્ આતંકીઓની ઓળખના પુરાવા માગે છે ! ભારતીય સેના ઉપર આટલો અવિશ્વાસ ? પણ ભારતનો - રાષ્ટ્રદ્રોહ આ નેતાઓનાં ડીએનએ - નસોમાં છે ! કારગિલ વખતે વાજપેયીજી અને જ્યોર્જ સામે પણ `જેહાદ' જગાવી હતી !  મહાભારતનો પ્રસંગ અને સંદેશ આજે પણ એટલો જ મહત્ત્વનો અને પ્રાસંગિક છે. આજના ભારતમાં `દુર્યોધન' છે અને `પાંડવો' ધારે અને કહે તો પણ `એકસો પાંચ'ની એકતા મળતી નથી ! આ અનુભવ નવો નથી. કારગિલમાં પાકિસ્તાને ઘૂસણખોરી કરી અને વાજપેયી સરકારે પ્રતિકાર - સામનો કર્યો ત્યારે પાકિસ્તાને કાગારોળ મચાવી હતી. ભારતીય વાયુસેના ભારતીય પ્રદેશમાં જ રહીને ઘૂસણખોરોને ખતમ કરે, પણ પાકિસ્તાની પ્રદેશમાં પ્રવેશ કરવો નહીં એવી સૂચના હતી. પાકિસ્તાને આપણાં મિગ વિમાનને તોડી પાડયું અને પછી કાગારોળ મચાવી - યુનાઇટેડ નેશન્સના મહામંત્રી કોફી અન્નાનને પત્ર લખીને યુએન પ્રતિનિધિને - નિરીક્ષકને મોકલવા માગણી કરી, પણ વાજપેયીજીએ સ્પષ્ટ અને મક્કમ નન્નો સુણાવ્યો. પાકિસ્તાનનો વ્યૂહ ફરીથી યુએનમાં જઈને ભારતના હાથ બાંધવાનો હતો, પણ વાજપેયીજી નેહરુની ભૂલનું પુનરાવર્તન કરવા માગતા નહોતા. કારગિલમાં ઘૂસણખોરોને ખદેડવા માટે લડાઈ ચાલુ હતી ત્યારે કોંગ્રેસના નેતાઓએ રાજ્યસભાની વિશેષ બેઠક બોલાવવાની માગણી કરી અને મળીને વાજપેયી સરકારને બરતરફ કરીને સર્વપક્ષી સરકાર રચવાની હિલચાલ શરૂ કરી, પણ ફાવ્યા નહીં. પાકિસ્તાની પ્રદેશ - ઘરમાં ઘૂસીને ઘૂસણખોરોના અડ્ડા ખતમ કરવામાં આવ્યા. પહેલગામમાં હિન્દુઓના હત્યાકાંડનો બદલો લઈને એકસોથી વધુ આતંકીઓ ખતમ કર્યા. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવમાં પહેલગામના ત્રણે ત્રણ હત્યારાને ઠાર મારવામાં આવ્યા. આતંકીઓ હવે માથાં અથવા ટચલી આંગળી પણ ઊંચી કરે તો ઠાર મરશે - આ ભારતની સફળતા છે, પણ હવે વ્યાપાર ક્ષેત્રે આતંકી કાર્યવાહી શરૂ થઈ છે. અમેરિકી  પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ - સામાનની આયાત ઉપર પચ્ચીસ ટકા જકાત - ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. ભારત રશિયા પાસેથી ક્રૂડતેલ ખરીદે છે તે બદલ `સજા' કરવાની ધમકી પણ આપી છે ! ટ્રમ્પ માટે જો અમેરિકા ફર્સ્ટ હોય અને અમેરિકાને ફરીથી સમૃદ્ધ - સલામત બનાવવું છે - તો આપણા નરેન્દ્ર મોદી પણ `ભારત - પ્રથમ, આત્મનિર્ભર અને સલામત - સમૃદ્ધ બનાવવા માગે છે. આપણે અમેરિકાના ગુલામ નથી, મિત્ર છીએ. અમેરિકા અને રશિયા વચ્ચે આપણે સમતુલા જાળવી છે. આપણાં અર્થતંત્ર અને લોકતંત્રનાં હિતમાં હોય એવી આપણી વિદેશનીતિ છે. અમેરિકાના `તુઘલક' કહે છે કે ભારત અને રશિયાનાં અર્થતંત્ર ડૂબી રહ્યાં છે - ભલે ડૂબે, મારે શું ?' ટ્રમ્પ કદાચ એમ જ માની રહ્યા છે કે અમેરિકા જ ધરતી ઉપરનું સ્વર્ગ છે, પણ ચીને અમેરિકાની સમૃદ્ધિ ઉપર અંકુશ જમાવ્યો છે તેમાંથી છૂટવાના પ્રયાસ થઈ રહ્યા છે - સૌ જાણે છે! ભારતીય અર્થતંત્રની ટીકા અને ચિંતા ટ્રમ્પે કરવાની જરૂર નથી. ભારતીય અર્થતંત્ર વિશ્વનાં ત્રીજાં શ્રેષ્ઠ અર્થતંત્રનું સ્થાન મેળવનારું છે - ટ્રમ્પને યાદ અપાવવું જોઇએ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડ દ્વારા ભારતીય અર્થતંત્રમાં ગણનાપાત્ર સુધારો થયો હોવાનો અહેવાલ જાહેર થયો છે અને વર્ષ 2027માં 6.4 ટકાના વિકાસ દરની આગાહી કરી છે ! ભારતીય મૂળના નિષ્ણાતો આજે અમેરિકી અર્થતંત્રના પાયામાં અને શિખર ઉપર બિરાજમાન છે - શું ટ્રમ્પ નથી જાણતા ? પણ ટ્રમ્પનો અહમ્ ઘવાય છે કે ભારત અને મોદીને ડરાવી - ઝૂકાવી શકાતા નથી. ટ્રમ્પે અમેરિકાની ધરતી ઉપર `મોદી મોદી'નાં ગગનભેદી સૂત્રો સાંભળ્યાં છે અને મોદીનાં નામે ચૂંટણીમાં લાભ પણ લીધો છે. પ્રશ્ન એ છે કે ટ્રમ્પનો અહમ્ કેમ ઘવાયો ? એમણે યુદ્ધવિરામ કરવા માટે ભારત ઉપર દબાણ કર્યું - એવો દાવો વારંવાર કર્યો. શા માટે આવી બડાશ - ડંફાશ મારવી જોઇએ ? રશિયા અને ઇઝરાયેલ ઉપર દબાણ કરી શકતા નથી, ચાલતું નથી ત્યારે ભારત ઉપર દબાણ કર્યાની શેખી શા માટે? પાકિસ્તાનના મુનીરે શાંતિ માટે નોબેલ એવોર્ડનો ગોળ એમની કોણીએ ચોંટાડયો છે ! બીજીબાજુ, આપણા વિપક્ષી નેતા મોદીને પડકારે છે કે ટ્રમ્પનું નામ આપીને એમના દાવાને રદિયો આપો ! આવી માગણી પાછળ મેલી મુરાદ છે. મોદી ટ્રમ્પના દાવાને - નામ આપીને રદિયો આપે એટલે ટ્રમ્પનું અપમાન - અવમૂલ્યન થાય, જે ટ્રમ્પ સાંખી શકે નહીં. નોબેલ એવોર્ડ સામે પ્રશ્ન ઊભા થાય તો ભારત ઉપર વધુ જકાત નાખે - અલબત્ત, મોદીએ જનરલ રદિયો આપ્યો, તેથી પણ ટ્રમ્પ રોષે તો ભરાયા જ છે ! ભારતીય સંસદમાં આ પ્રકરણની ચર્ચા થનારી છે એવી ધારણા હતી અને રાહુલ ગાંધી મોદી ઉપર દબાણ કરશે એવી ગણતરી હતી - આ સંજોગોમાં ટ્રમ્પે પણ લાભ ઉઠાવ્યો અને ટેરિફ વધારા ઉપરાંત ભારતનું અર્થતંત્ર ડૂબી રહ્યું હોવાની `આગાહી' કરી! ટ્રમ્પના ટેરિફ હુમલા અને આગાહી સાંભળીને આપણા વિપક્ષી - વિરોધી નેતા નાચી ઊઠયા છે ! એમને રાષ્ટ્રહિતની પરવા નથી - રાષ્ટ્રહિતના ભોગે સત્તા જોઇએ છે! રાહુલ ગાંધી કહે છે ભારતની સંરક્ષણનીતિ, આર્થિકનીતિ અને વિદેશનીતિ `ફેલ' ગઈ છે ! દુનિયામાં ચીન -તુર્કી સિવાયના તમામ દેશોએ પાકિસ્તાની આતંકવાદની સખત ટીકા અને વિરોધ કર્યો છે, પણ એક રાહુલ ગાંધી છે, જેમને ભારતની ઘોર નિષ્ફળતા જ દેખાય છે ! નિષ્ફળતાના ઢોલ પીટવા માટે સંસદનું સત્ર બોલાવવાનો આગ્રહ હતો. ભારત સરકાર, ભારતીય સેના અને લોકોનો દેશપ્રેમ, જુસ્સો તોડવા માટે હંમેશાં તૈયાર હોય છે. કારગિલ વખતે પણ સરકારનું રાજીનામું માગ્યું હતું. સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ ઉપર કોફીન - ભ્રષ્ટાચારના જુઠ્ઠા આક્ષેપ કર્યા હતા. પાકિસ્તાનમાં આપણાં દળોની `એરસ્ટ્રાઇક' હોય કે પુલવામા હોય - હંમેશાં અવિશ્વાસ જગાવવાના પ્રયાસ જ થયા છે. આપણી સેના આતંકીઓને ખતમ કરે છે, કરી શકે છે. હિન્દુ -આતંકવાદનો કુપ્રચાર કરનારા નેતાઓનો પર્દાફાશ થઈ શકે છે ત્યારે હવે ટેરિફ આતંકના પ્રતિકાર માટે પણ ભારત તૈયાર છે. નિકાસ વ્યાપાર માટે યુરોપના વિકસિત દેશો સાથે દ્વિપક્ષી કરાર થયા છે. ભૂતકાળમાં પણ અમેરિકાએ પાકિસ્તાનને સાથ આપ્યો ત્યારે સોવિયેત રશિયા સાથે મૈત્રીકરાર કરીને ભારત સફળ થયું હતું. આર્થિક વ્યાપારી આતંકને નિષ્ફળ કરવા આપણે `એકસો પાંચ' છીએ એમ બતાવી શકાશે

Panchang

dd