નવી
દિલ્હી, તા. 3 : બિહારમાં મતદારયાદી સુધારણાનો મુદ્દો સતત
ગાજી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા,
તે પછી ગૃહમંત્રી અમિત શાહે પણ રાષ્ટ્રપતિ
સાથે બેઠક યોજી હતી અને ચોમાસુ સત્રમાં નવાજૂનીની શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ વિપક્ષી
ઇન્ડિયા મોરચાએ સાતમી ઓગસ્ટે ડીનર બેઠક બોલાવ્યા
બાદ આઠમી ઓગસ્ટે ચૂંટણીપંચ તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન અને તે પછી કેન્દ્રીય
ગૃહમંત્રીની રાષ્ટ્રપતિ સાથે બેઠક કયા કારણોસર યોજાઇ હતી તે જાણવા મળ્યું નથી. બીજી
તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને ડીએમકેના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, તામિલનાડુમાં ચૂંટણીપંચે બિહારથી આવેલા મજૂરોના નામ પણ મતદારયાદીમાં સામેલ
કરી દીધાં છે. પંચે આક્ષેપ નકાર્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાને
ઈન્ડિયા ગઠબંધનની એક બેઠક બોલાવવામાં આવી છે. વિપક્ષના નેતાઓ 7 ઓગસ્ટ ને ગુરુવારે ડીનર પર મળશે. રાહુલ
ગાંધીએ ચૂંટણીમાં ગેરરીતિના આરોપમાં ચૂંટણીપંચને ઘેર્યા બાદ આ બેઠકનું એલાન કરાયું
છે. દરમ્યાન, વિપક્ષોએ આઠમી ઓગસ્ટે બિહાર મતદારયાદી સુધારણા
સામે વિરોધ પ્રદર્શિત કરવા ચૂંટણીપંચ સુધી કૂચ કરવા વિચારણા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું
હતું. ઈન્ડિયા ગઠબંધનની ડીનર ડિપ્લોમેસી વચ્ચે બિહારમાં એસઆઈઆર, મહારાષ્ટ્રમાં મતદારયાદીમાં હેરાફેરી, ઓપરેશન
સિંદૂર, ભારત-અમેરિકા વેપાર સંધિ,
ટ્રમ્પ ટેરિફ જેવા મુદ્દા આ બેઠકમાં ઊઠી
શકે છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થયા બાદ ઈન્ડિયા ગઠબંધનની આ બીજી બેઠક છે. 19 જૂલાઈની બેઠક વર્ચ્યુઅલ યોજાઈ હતી, જેમાં વિપક્ષના ર4 નેતા
હાજર રહ્યા હતા. સંસદ સત્રમાં વિપક્ષે અનેક મુદ્દા ઉઠાવ્યા છે જેમાં બિહારમાં ચાલી
રહેલા મતદારયાદી સુધારણાં કાર્યક્રમ (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન-એસઆઈઆર)નો વિપક્ષે
જોરશોરથી વિરોધ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અચાનક રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
હતા. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનના
સોશિયલ મીડિયા સાઈટ `એક્સ'ના હેન્ડલ ઉપર આ મામલે જાણકારી આપવામાં આવી હતી અને મુલાકાતથી તસવીર શેર
કરવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ
ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અલગ અલગ અટકળો
શરૂ થઈ છે. કહેવાય છે કે બિહારમાં એસઆઈઆરની કામગીરી ઉપર ચર્ચાની વિપક્ષની માગણી મુદ્દે સંસદમાં ચાલી રહેલા ગતિરોધની વાતચીત કરવામાં
આવી છે.