મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 3 : નખત્રાણા
તાલુકાના નેત્રા ગામે જુથ ગ્રામ પંચાયત ખાતે કચ્છમિત્ર અખબારની 79મી વર્ષગાંઠ ઊજવાઈ હતી. લોકહિત, મૂલ્યનિષ્ઠા અને તટસ્થ પત્રકારત્વનાં 79 વર્ષ પૂર્ણ કરનારા કચ્છમિત્રના
આ પ્રસંગે ગ્રામજનો, સામાજિક આગેવાનો
અને અખબારના વાચકોના સ્નેહસભર અવલોકન મળ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં કચ્છમિત્રના
પ્રતિનિધિ વિજયભાઇ સીજુએ મહેમાનોનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. સરપંચ બહાદુરાસિંહ
જાડેજાએ કેક કાપી ઉત્સવની શરૂઆત કરી હતી.
લોકોએ કચ્છમિત્રના જન્મદિવસની શુભેચ્છાઓ આપી અખબારનાં યોગદાનને સરાહ્યાં હતાં.
સરપંચે કચ્છમિત્રનાં કાર્યની પ્રશંસા કરતા
જણાવ્યું હતું કે, અખબાર એક વફાદાર મિત્રની જેમ લોકહિતમાં સતત
કામ કરે છે અને રાજકીયથી લઈને ધાર્મિક તેમજ સામાજિક મુદ્દાઓ સુધી સમાચારોને લોકહૃદય
સુધી પહોંચાડે છે. ઉપસરપંચ રસિકભાઈ પટેલે પણ
સાચા મિત્રની ગરજ સારતા કચ્છમિત્રને સાચા અર્થમાં `પત્ર નહીં પણ મિત્ર' તરીકે બિરદાવ્યું હતું. કાર્યક્રમના સહઆયોજક
અને અખિલ કચ્છ કુંભાર સમાજના યુવા પ્રમુખ હારૂનભાઇ કુંભારે અખબારના આધુનિક યુગમાં પણ
અડીખમ રહેલાં વલણને વખાણતા જણાવ્યું હતું કે, કચ્છમિત્ર એ અંતરિયાળ
ગામડાંઓના પ્રશ્નો પણ મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે. કચ્છમિત્રમાં પ્રકાશિત થયેલા સમાચારોનો
કાયમ સકારાત્મક પડઘો પડયો છે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ
ચારણે કહ્યું હતું કે, `કચ્છમિત્ર
માત્ર અખબાર નહીં, લોકો માટે
માર્ગદર્શક બની ચુક્યું છે.' કચ્છમિત્રનું નિયમિત વાંચન કરતા હાજી ફકીરમામદ કુંભારે તો કચ્છમિત્રને પોતાના પરિવારજનો
સભ્ય ગણાવતા કહ્યું હતું કે, કચ્છમિત્ર છાપું ન વાંચ્યું તેં
સુધી મજા ન અચે. હાજી નુરમામદ ચાકી, સુમાર સીજુ, મુબારક ચાકી, સૈયદ હૈદરઅલી બાવા, સલીમ કુંભાર, પ્રિયાંગ સીજુ, દેવજીભાઇ
ગાડિયા, ઇસ્માઇલ કુંભાર, અભુ કુંભાર સહિતના
આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ
હારૂન કુંભારે કરી હતી.