ગાંધીધામ, તા. 3 : અંજાર તાલુકાના મોટી ખેડોઇ
ગામની સીમમાં મુંદરા-અંજાર ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલમાંથી પોલીસે રૂા. 7,15,000ના હેરોઇન સાથે શખ્સની ધરપકડ
કરી હતી.અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની સીમમાં ગઇકાલે રાત્રે પોલીસે કાર્યવાહી હાથ
ધરી હતી. મુંદરાથી અંજાર બાજુ આવતા ધોરીમાર્ગ પાસે માન કંપની સામે આવેલી મઝૈલ 38 વાલે નામની હોટેલમાં પૂર્વ
કચ્છ એસ.ઓ.જી.એ પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. અહીં છેલ્લા દશેક દિવસથી આ ભાડાંની
હોટેલ ચલાવતા મૂળ તરનતારન પંજાબના શમશેરસિંઘ ઉર્ફે લવપ્રીતસિંઘ બવાસિંઘ ઉર્ફે કવલસિંઘ
જાટ નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. અહીં પહોંચેલી પોલીસે આ શખ્સની તપાસ કરતાં
તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીમાં તપાસ કરાતાં
આછા ક્રીમ રંગના જુદા-જુદા આકારના ગાંગડા સ્વરૂપનો પદાર્થ મળી આવ્યો હતો. તીવ્ર વાસ
મારતો આ પદાર્થ ડ્રગ્સ-હેરોઇન હોવાનું શમશેરસિંઘએ જણાવ્યું હતું. દરમ્યાન એફ.એસ.એલ.
અધિકારીને બોલાવાતાં અધિકારીએ અહીં આવીને પ્રાથમિક પૃથક્કરણ કરતાં આ પદાર્થ હેરોઇન
જ હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા આ પંજાબી શખ્સ પાસેથી રૂા. 7,15,000નું 14.30 ગ્રામ હેરોઇન તથા રોકડ રકમ, ત્રણ મોબાઇલ, ડિજિટલ વજનકાંટો
વગેરે મળીને રૂા. 7,49,700નો
મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સે દશેક દિવસથી હોટેલ ખેડોઇના રવીન્દ્રસિંઘ
રાજેન્દ્રસિંઘ જાડેજા પાસેથી ભાડે લીધી હતી. તેની હોટેલે આવતા-જતા પોતાના ગ્રાહકોને
ડિજિટલ વજનકાંટાથી માદક પદાર્થ જોખી આપીને તેનું વેચાણ કરતો હતો. આ શખ્સ પંજાબ તરનતારનના
શેરવીર નામના શખ્સ પાસેથી માદક પદાર્થ લઇ આવ્યો હતો. ધોરીમાર્ગ આસપાસ આવેલી અમુક હોટેલોમાં
મળતા માદક પદાર્થોનું સેવન કરીને અનેક લોકો પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે ત્યારે
પોલીસની આવી કાર્યવાહીથી આવા તત્ત્વોમાં ફફડાટ પ્રસર્યો હતો. પકડાયેલા શખ્સને રિમાન્ડની
માંગ સાથે આજે સાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પી.આઇ. ડી. ડી. ઝાલા
સાથે સ્ટાફના વીરેન્દ્ર પુરોહિત, વનરાજસિંહ
જાડેજા, ભરતસિંહ જાડેજા, ઇન્દ્રાબેન જોશી,
હેમુભાઇ પઢેરિયા, સુનીલકુમાર માતંગ, અશોકભાઇ સોંધરા, વિશ્વજિતસિંહ જાડેજા, હરપાલસિંહ હનુભા જાડેજા, આશિષકુમાર ભટ્ટ વિગેરે જોડાયા
હતા.