લંડન, તા. 2 : નાઈટ વોચમેન આકાશદીપ સહિત ચાર
ખેલાડીની અર્ધસદી તેમજ યશસ્વી જયસ્વાલની શાનદાર સદીની મદદથી પ્રવાસી ટીમ ઈન્ડિયાએ ઓવલ
ટેસ્ટ પર પકડ વધુ મજબૂત બનાવી હતી. બીજા દાવમાં ભારતે 396 રનનો મોટો સ્કોર ખડકીને અંગ્રેજોને
374નું લક્ષ્ય આપ્યું હતું. આજની
રમતના અંતે ઈંગ્લેન્ડે એક વિકેટ ખોઈને પ0 રન કર્યા હતા. પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે પણ ઓવલના મેદાન પર
ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ સરિયામ જોવા મળ્યું હતું. પ્રભાવશાળી પ્રદર્શન કરનાર યશસ્વી
જયસ્વાલ (118), આકાશદીપ (66)ની રન રમઝટ બાદ રવીન્દ્ર જાડેજા
અને વોશિંગ્ટન સુંદરે પણ 53-53 રન કરીને
સ્કોરબોર્ડને ગતિ આપી હતી. યશસ્વી જયસ્વાલે
શાનદાર સદી ફટકારી હતી. જ્યારે નાઈટ વોચમેન આકાશદીપે અત્યંત મહત્વની અર્ધસદી કરીને
રંગ રાખ્યો હતો. આ ઉપરાંત જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પણ અર્ધસદી કરીને ભારતને 396ના સ્કોર સુધી પહોંચાડયું હતું. ભારતે ત્રીજા દિવસની શરૂઆત બે વિકેટે 75 રનથી કરી હતી. જેમાં યશસ્વી
જયસ્વાલ અને નાઈટ વોચમેન આકાશદીપ મેદાનમાં ઉતર્યા હતા. બન્ને ખેલાડીઓ વચ્ચે સદીની ભાગીદારી
થઈ હતી. આકાશદીપ 94 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 66 રન કરીને આઉટ થયો હતો. બીજી
તરફ કેપ્ટન શુભમન ગિલ અને કરુણ નાયર કમાલ કરી શક્યા નહોતા અને ક્રમશ: 11 અને 17 રને પેવેલિયન પરત ફર્યા હતા.
આ દરમિયાન યશસ્વી જયસ્વાલે સદી પુરી કરી હતી. જયસ્વાલ 164 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી
118 રન કરીને આઉટ થયો હતો. મેચમં
રવીન્દ્ર જાડેજાએ ફરી એક વખત બેટથી કમાલ કરતા 77 બોલમાં 55 રન કર્યા
હતા. આ ઉપરાંત ધ્રુવ જુરેલે 46 બોલમાં 34 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં
વોશિંગ્ટન સુંદરે તાબડતોડ ઈનિંગ રમી હતી અને માત્ર 39 બોલમાં અર્ધસદી ફટકારી દીધી હતી. સુંદરના રૂપમાં અંતિમ વિકેટ
પડી હતી. તે 46 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર
છગ્ગાની મદદથી 53 રન કરીને પેવેલિયન પરત ફર્યો
હતો. ઈંગ્લેન્ડને મેચમાં એક બોલરની કમી રહી
હતી. ઈંગ્લેન્ડ તરફથી ગસ એટકિંસને 3 વિકેટ લીધી હતી. જ્યારે જોશ ટંગે પાંચ વિકેટ હોલ મેળવ્યો હતો.
આ ઉપરાંત જેમી ઓવરટને બે વિકેટ લીધી હતી. મેચમાં ઈંગ્લેન્ડે 26 રન એકસ્ટ્રા તરીકે આપ્યા હતા.
મેચમાં ભારતી ટીમે પહેલી ઈનિંગમાં 224 રન કર્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 247 રનમાં સમેટાઈ હતી અને ઈંગ્લેન્ડને
પહેલી ઈનિંગના આધારે 23 રનની બઢત
મળી હતી.