ભુજ, તા. 20 : નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડ ભુજ, લાયન્સ ક્લબ ઓફ ભુજ કચ્છ સાઈટ ફર્સ્ટ, સ્મૃતિવન- ભુજ અને કચ્છમિત્ર મીડિયા પાર્ટનર -ભુજના સંયુક્ત ઉપક્રમે તા. 26/5/2024 રવિવારના સવારે 7.00 કલાકે અખિલ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલી લાયન્સ ક્લબ ઓફ ભુજને 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં યોજાવાની છે. આ કાર રેલીની શરૂઆત સ્મૃતિવન ભુજ ખાતેથી કરવામાં આવશે. એન.એ.બી. ભુજ પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી શક્તિઓ બહાર લાવવાનું કાર્ય કરી રહી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પપ જેટલા પ્રજ્ઞાચક્ષઅુ ભાઈ-બહેનો પોતાની આંગળીના ટેરવે પોતાની શક્તિનો ઉપયોગ કરી નેવિગેટરની ભૂમિકા ભજશવે. નોર્મલ વ્યક્તિ કાર ચલાવશે. આ કાર રેલીમાં ભાગ લેનાર નોર્મલ વ્યક્તિએ નેવિગેટર (પ્રજ્ઞાચક્ષુ)ની સૂચના મુજબ કાર ચલાવવાની રહેશે અને આ કાર રેલીમાં કારની ઝડપ વધારીને ચલાવવાની હોતી નથી, પણ સમયને ધ્યાનમાં રાખી કાર ચલાવવાની હોય છે. આ કાર રેલીમાં આપની કારનું રજિસ્ટ્રેશન કરાવી અને પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહન પૂરું પાડવા તમામ આયોજક સંસ્થાઓ તરફથી અપીલ કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન કરાવવા છેલ્લી તા. 24/5/2024 છે. ફી પુરુષો માટે રૂા. 2500, તો ત્રીના નામે રજિસ્ટ્રેશન કરાવવા માટેની ફી રૂા. 2000 રાખેલ છે. રજિસ્ટ્રેશન કરાવવા માટેના સંપર્ક નં. 99259 91515 પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવવાની રહેશે. આ કાર રેલીમાં ભાગ લેનાર પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહન ઈનામ તેમજ પ્રથમ નંબર મેળવનારને રૂા. 11,000, દ્વિતીય નંબર મેળવનારને રૂા. 7500 અને તૃતીય નંબર મેળવનારને રૂા. 5000, પ્રજ્ઞાચક્ષુ નેવિગેટર તેમજ તેની સાથે કાર ચલાવનારને પણ આ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ રેલીને લાયન્સના ડિસ્ટ્રીક્ટ ગર્વનર હીરલબા જાડેજા પ્રસ્થાન કરાવશે. કાર્યક્રમમાં વધુને વધુ યુવાવર્ગ જોડાય અને પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી શક્તિઓ વિશે જાણે અને સમાજમાં આવા વર્ગની જવાબદારી સમજીને તેમને મદદરૂપ થાય તેવી આ સંસ્થાઓ વતી અપીલ કરવામાં આવી છે.