મુંબઈ, તા. 2 : બે મહિના કરતાં વધુ સમયગાળા
સુધી આઠ ટીમ વચ્ચે રોમાંચક મુકાબલાની ચરમસીમારૂપે રવિવારે રંગ રાખતાં ભારતીય ટીમે આઈસીસી
મહિલા વિશ્વકપ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને બાવન રને હાર આપીને બાવન વર્ષના ટૂર્નામેન્ટના
ઈતિહાસમાં પહેલીવાર વિજય મેળવીને ઈતિહાસ રચી નાખ્યો હતો. `નમસ્તસ્યૈ... નમસ્તસ્યૈ... નમસ્તસ્યૈ નમો
નમ:' કહીને જાણે ક્રિકેટ રસિક સમુદાયે હરમનપ્રીત
કૌરનાં વડપણવાળી મહિલા ટીમના વિજયને વધાવી લીધો હતો. શેફાલી વર્મા (87) અને દીપ્તિ શર્મા (પાંચ વિકેટ)
સીમાચિહ્ન સમાન વિજયનાં શિલ્પી બન્યાં હતાં. શેફાલી વર્મા ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ
અને દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની હતી. ઐતિહાસિક વિજય બાદ આખું મેદાન વંદે
માતરમ ના નારા સાથેઓથી ગુંજી ઊઠયું હતું. ભારતે 298 રન કરીને મહિલા વન-ડે વિશ્વકપના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર
ખડક્યા પછી સુકાની લૌરા વુલ્વાર્ટ (101) સિવાયની બેટધરો પાણીમાં બેસી જતાં 246 રનમાં સમેટાઈ ગયેલી આફ્રિકા
ટીમના વિજયની આશા પર પાણી ફરી વળ્યું હતું. બેટધરો માટે સાનુકૂળ ડી.વાય. પાટિલ સ્ટેડિયમની
પીચનો લાભ સુકાની લૌરા સિવાય કોઈ ઊઠાવી શક્યું નહોતું, પરંતુ પરાજય થતાં સદી કરનાર લૌરા વુલ્વાર્ટની
કેપ્ટન ઈનિંગ્સ એળે ગઈ હતી. ભારતીય ટીમના વિજય સાથે ટૂર્નામેન્ટને 25 વર્ષ બાદ નવી વિશ્વ વિજેતા
ટીમ મળી છે. શેફાલીએ શાનદાર 87 રન કર્યા
બાદ અર્ધસદી કરવા સાથે માત્ર 39 રનમાં પાંચ
વિકેટ ખેરવીને ઓલરાઉન્ડર પ્રદર્શન કરનાર દીપ્તિ શર્માએ ભારતના ઐતિહાસિક વિજયનું સ્વપ્ન
સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પડકારરૂપ લેખી શકાય તેવું 299 રનનું લક્ષ્ય પાર પાડવા મેદાન
પર ઊતરેલી આફ્રિકી ટીમ વતી સુકાની લૌરાએ 98 દડામાં 11 ચોગ્ગા, એક છગ્ગા સાથે 101 રન કરી જીતનો પ્રયાસ કર્યો
હતો. લૌરા સિવાયની તમામ બેટધરોએ કંગાળ પ્રદર્શન કરતાં ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડી
ગઈ હતી.અગાઉ, યુવા ઓપનર શેફાલી વર્માની
87 રનની ઝડપી ઇનિંગ્સ અને ઓલરાઉન્ડર
દીપ્તિ શર્માની અર્ધસદી (પ8 રન)ની મદદથી
ભારતે 7 વિકેટે 298 રન કર્યા હતા. ભારત તરફથી સ્ટાર બેટધર સ્મૃતિ મંધાનાએ 4પ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. જ્યારે
ઋચા ઘોષ 34 રનની કેમિયો ઇનિંગ્સ રમી પાછી
ફરી હતી. સેમિફાઇનલમાં ભારતની જીતની સૂત્રધાર જેમિમા રોડ્રિગ્સ 24 અને કપ્તાન હરમનપ્રીત કૌર 20 રન જ ફાઇનલમાં કરી શકી હતી.
એક સમયે ભારતનો સ્કોર 3પ0 રન આસપાસ પહોંચવાની સંભાવના હતી, પણ આફ્રિકી બોલરોએ વાપસી કરી ભારતીય મહિલા ટીમને300ની અંદર રોકી દીધી હતી. દ.
આફ્રિકા મહિલા ટીમ તરફથી અયાબોંગા ખાકાએ સર્વાધિક 3 વિકેટ લીધી હતી. અગાઉ વરસાદને લીધે ફાઇનલ મેચ બે કલાક મોડી પ-00 વાગ્યાથી શરૂ થઈ હતી. આફ્રિકી
કપ્તાન લોરા વુલફાર્ટે ફાઇનલમાં ટોસ જીતી ભારતને દાવ આપ્યો હતો. આક્રમક શરૂઆત બાદ વચ્ચેની
અને અંતિમ ઓવરોમાં રન રફતાર ધીમી પડી જવા છતાં ભારતે ફાઇનલમાં પ0 ઓવરમાં 7 વિકેટે 298 રનનો મજબૂત
સ્કોર નોંધાવ્યો હતો. આથી આફ્રિકાને જીત માટે તેનું સૌથી મોટું 299 રનનું વિજય લક્ષ્ય પાર પાડવાનો
પડકાર મળ્યો હતો.સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરૂઆત કરીને પહેલી વિકેટમાં
106 દડામાં 104 રનની સંગીન ભાગીદારી કરી હતી.
જો કે, સ્મૃતિ મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહી ન હતી
અને પ8 દડામાં 8 ચોગ્ગા સાથે 4પ રને વિકેટકીપરને કેચ આપી આઉટ થઇ હતી, જ્યારે આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહેલ શેફાલી
વર્મા સદીથી 13 રન દૂર રહીને
87 રને આઉટ થઇ હતી. તેણીએ 101 દડાની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા
સામે અણનમ 127 રન કરી ભારતને જીત અપાવનાર
જેમિમા રોડ્રિગ્સ ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમી શકી ન હતી અને 37 દડામાં 1 ચોગ્ગા સાથે 24 રને આઉટ થઇ હતી. કપ્તાન હરમનપ્રીત
કૌર 20 રને બોલ્ડ થઇ હતી. સમયાંતરે
પડતી વિકેટો વચ્ચે ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ એક છેડો સાચવી રાખ્યો હતો અને રન રફતાર
ટકાવી રાખી હતી. ડેથ ઓવર્સમાં વિકેટકીપર ઋચા
ઘોષે પાવર હિંટિંગ કર્યું હતું. ઋચા 24 દડામાં 3 ચોગ્ગા અને
2 છગ્ગા સાથે આક્રમક 34 રને આઉટ થઇ હતી, જ્યારે દીપ્તિ શર્માએ શાનદાર અર્ધસદી કરી હતી.
તેણી પ8 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગા સાથે
પ8 રન કરી ઇનિંગ્સના અંતિમ દડે રનઆઉટ થઇ હતી.
અમનજોત કૌર 12 રન કરી શકી હતી. રાધા યાદવ
3 રને નોટઆઉટ રહી હતી. આમ છતાં ભારત પ0 ઓવરમાં 7 વિકેટે 298 રનના મજબૂત
સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યંy હતું.