ગાંધીધામ, તા. 2 : ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા
બાદ આઠ મહિના સુધી મંથરગતિએ થતી કામગીરી એ સપ્ટેમ્બર મહિનાથી ગતિ પકડી છે અને બે મહિના
દરમિયાન 120 કરોડથી વધુના વિકાસનાં કામો
માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે. ઘણા કામો થોડા દિવસમાં જ શરૂ થશે, તો અન્ય કામો નવેમ્બર મહિનાના અંતમાં શરૂ થાય
તેવી સંભાવના છે. ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર તરીકે મનીષ ગુરુવાણીએ લગભગ બે સપ્ટેમ્બરના
ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કર્યા પછી નડતરરૂપ
દબાણો હટાવવાનો અને મુખ્ય બધા સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ્યાં હતાં અને હજુ પણ કામગીરી
યથાવત્ છે. અત્યાર સુધીમાં 1000થી વધુ અભિક્રમણ દૂર થયાં છે,
જે નગરપાલિકાના ઇતિહાસમાં પણ ક્યારેક કામગીરી થઈ નથી, તે મહાનગરપાલિકા બન્યા પછી કમિશનર બદલાયા બાદ બે મહિના દરમિયાન આ કામગીરી થઈ
છે. આ ઉપરાંત 56 કરોડના ખર્ચે
ગોપાલપુરીથી સર્વોદય ગ્રાઉન્ડ, હીરાલાલ
પારખ સર્કલથી ઓમ મંદિર, એરપોર્ટ રોડ સહિતના માર્ગોને આઇકોનિક
બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થાય તેવી
સંભાવનાઓ છે. સાડા પાંચ કરોડના ખર્ચે લગભગ 30થી વધુ માર્ગોનું નવીનીકરણ કરીને પેવરબ્લોક રોડ બનાવવામાં આવશે, જેનો વર્કઓર્ડર પણ લગભગ કોન્ટ્રાક્ટરને અપાઈ
ચૂક્યો છે. ચાર કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ નાળાં બનાવવામાં આવશે,
સાડા છ કરોડથી વધુના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલથી લઈને મહાત્મા
ગાંધી માર્કેટ સુધી આધુનિક માર્ગ બનાવવાની સાથે વ્યવસ્થાઓ ઊભી કરાશે અને આ માર્ગનું
બ્યૂટીફિકેશન એટલે કે સુંદરતા વધારવા માટેની કામગીરી કરાશે, ચાર
કરોડના ખર્ચે ક્રોમાથી પોલીસ સ્ટેશન થઈને જતો માર્ગ બનાવવા છે, તો પાંચ કરોડના ખર્ચે રિલાયન્સ પમ્પ પાસેના માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે.
આ માર્ગો ને એક આધુનિક સ્વરૂપ અપાશે અને તેના માટેની ડિઝાઇન પણ જાહેર કરી દેવામાં આવી
છે. આ ઉપરાંત 3.29 કરોડના ખર્ચે
શિવાજી પાર્ક, ટાગોર પાર્ક અને આદિપુર
બસ સ્ટેન્ડ પાસેના પાર્કનું નવીનીકરણ કરાશે, ત્રણ કરોડ રૂપિયાના
ખર્ચે બે પાણીના ટાંકા અને ચાર કરોડ રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા અને મશીનરીના ઓપરેશન
સહિતની કામગીરી થઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર તરીકે મનીષ ગુરુવાણી આવ્યા પછી કામગીરીમાં
ગતિશીલતા આવી છે. જો કે, તે આવ્યા બાદ જ વિકાસનાં કામોનું આયોજન
અને સફાઈ તેમજ ગટર સહિતની સમસ્યાઓ હલ કરવાની દિશામાં પગલાં ભરાયા છે. બીજી સપ્ટેમ્બરથી
લઈને બીજી નવેમ્બર દરમિયાન 120 કરોડથી વધુના ખર્ચે વિકાસનાં કામો કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા
કરી નાખી છે અને થોડાક સમયમાં બાકી રહેતા કામોની પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં
આવશે અને ટૂંક સમયમાં જ માર્ગોના કામ શરૂ કરાશે. હાલના સમયે એમ્પાયર હોટલથી લઈને ઇમર્જન્સી
રિસ્પોન્સ સેન્ટર સુધીના માર્ગનું નવીનીકરણનું કામ ચાલુ છે ને તે લગભગ સાત કરોડના અલગ
અલગ નવ માર્ગો બનાવવાના હતા અને તેમાં ઘણી જગ્યાઓ પર કામ પૂર્ણ થઈ ગયા છે અને અન્ય
જગ્યા ઉપર કામ ચાલુ છે, પરંતુ હવે
ઝડપથી આ કામો શરૂ થાય અને લોકોને માર્ગો ઉપર પડેલા ખાડાઓમાંથી રાહત મળે તે દિશામાં
કાર્યવાહી થાય તે અતિ આવશ્યક છે. - અઢી કરોડના ખર્ચે સ્મશાન, 40 લાખના
ખર્ચે શેડ બનશે : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકા
વિસ્તારમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા છે, તેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલના સમયે રખડતા ઢોરને
પકડીને રામલીલા મેદાનમાં રાખવામાં આવી રહ્યા છે, પરંતુ આ સમસ્યાના
કાયમી હોટેલ માટે રખડતા ઢોરને પકડીને ડીસી-5ની પાછળ ડમ્પિંગ સાઈટની બાજુમાં રાખવા માટે 40 લાખ રૂપિયાના ખર્ચે શેડ બનાવવાનું
કામ શરૂ થશે અને અઢી કરોડ રૂપિયાના ખર્ચે નવું સ્મશાન બનાવવામાં આવી રહ્યું છે.