દિવાળીની ઉજવણીનો ઉમંગ-ઉત્સાહ ઓસરે એ પછી શિયાળાનાં ધીમી ગતિએ
પગરણ થાય ને ખેડૂતો રવી સિઝનમાં વ્યસ્ત બને, પણ આ વખતે ચોમાસાએ કાળો કેર વર્તાવ્યો છે. માવઠાંરૂપી ધોધમાર વરસાદે ઊભા પાકની
સાથે ધરતીપુત્રોની મહેનત ધોઇ નાખી. ખેડૂતોને અને દેશને મોટું નુકસાન પહોંચ્યું છે.
આ લખાય છે ત્યારે પણ દબાણની અસર હેઠળ કચ્છ-ગુજરાતમાં વરસાદ છે અને આગાહી પણ મંડરાઇ
રહી છે. લોકો ત્રસ્ત અને વ્યાકુળ છે કે કુદરતને થયું છે શું ? રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પરિસ્થિતિની સમીક્ષા કરીને જુદા-જુદા
જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા તાકીદ
કરી છે. ઊભો પાક વરસાદ કે પૂરમાં નષ્ટ થાય, ખેતરો ધોવાઇ જાય એ
નુકસાન માત્ર જે-તે ખેડૂતોનું અંગત નથી. અનાજ, શાકભાજી-બાગાયત
આપણા રોજિંદા જીવનની આવશ્યકતા છે. કિસાનો બારેમાસ મહેનત કરીને અનાજ પકવે છે,
તેમના ઉત્પાદનોથી દેશની સમૃદ્ધિ વધે છે. મેઘરાજાની પ્રલંબિત મહેરે આ
વખતે સૌની ધીરજની કસોટી કરી છે. સત્તાવાર રીતે તો ચોમાસાએ વિદાય લીધી છે, છતાં રાજ્ય અને દેશના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ રોજ ડોકિયું
કરી જાય છે. સામાન્યપણે જૂનના પહેલાં અઠવાડિયે શરૂ થતું ચોમાસું આ વખતે મે મહિનામાં
જ બેસી ગયું અને દિવાળી પતી ગઈ છતાં વણગમતા મહેમાનની જેમ વરસાદ જવાનું નામ લઈ રહ્યો
નથી. અરબી સમુદ્રમાં નિર્માણ થયેલો ઓછા દબાણનો પટ્ટો, અરબી સમુદ્રના
મધ્ય પૂર્વથી મધ્યપ્રદેશના પશ્ચિમ સુધી સર્જાયેલી વાદળોની સ્થિતિ અને બંગાળના ઉપસાગરમાં
ઓછા દબાણના પટ્ટાનું વાવાઝોડાંમાં થયેલું રૂપાંતર, ચોમાસા બાદ
પણ વરસી રહેલા વરસાદનાં મુખ્ય કારણો છે. ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆત સુધી મુંબઈ,
પશ્ચિમ મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ
કરી છે. આ ઓછું હોય તેમ આંધ્રપ્રદેશ અને ઓડિશા જેવાં તટીય રાજ્યોમાં મોંથા વાવાઝોડાંને
કારણે ધોધમાર વરસાદ ખાબક્યો, સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રના ખેડૂતોને
મોસમ બાદના આ વરસાદનો માર સહેવાનો આવ્યો છે, તો મોન્સૂનના બદલાતા
મિજાજે દેશનાં ઉત્તરનાં રાજ્યોમાં પણ ખાનાખરાબી સર્જી છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં
મોન્સૂનનું સ્વરૂપ બદલાયું છે અને તેના માટે નિષ્ણાતો એક અવાજે હવામાન બદલાવને જવાબદાર
ઠેરવી રહ્યા છે. અનિયમિત વરસાદથી લઈને દુકાળ-પૂર અને વાવાઝોડાં, ટૂંકા ગાળામાં વરસતો જોરદાર વરસાદ અને વાદળ ફાટવાં જેવી ઘટનાઓ સામાન્ય થતી
જોવા મળે છે. ખેડૂતોને વરસાદના આ બદલાતા મિજાજનો માર સૌથી વધુ પડ્યો છે. વિકાસનાં નામે
અંધાધૂંધ થતાં બાંધકામે ઉત્તરાખંડ અને હિમાલયમાં વિનાશ વેર્યો છે. આવામાં, દુર્ઘટનાઓ પછી રાહતકાર્યો અને મદદની સરવાણી વહેતી હોવાનું પણ ચિત્ર જોવા મળે
છે, પણ આવી ઘટનાઓ અટકાવવાની દિશામાં આવશ્યક પગલાં લેવાનું ચૂકાઈ
જાય છે. કુદરતી આપદાઓ રોકી શકાતી નથી, પણ પ્રતિબંધક ઉપાયો-ઉકેલો
પર ધ્યાન અપાય તો તેના પ્રભાવની તીવ્રતા ચોક્કસપણે ઘટાડી શકાય છે અને અત્યારે એની જ
તાતી જરૂર છે. આ સાથે ક્લાયમેટ ચેન્જની અસર ઓછી કરવાની દિશામાં સંશોધન પર ભાર આપવાનો
તથા શહેરોમાં પૂર જેવી સ્થિતિ ટાળવા માટે શું કરવું જોઈએ એ અંગે પણ વિચાર થવો જોઈએ.
રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે યુદ્ધની ઝડપે સંપન્ન કરાવીને યોગ્ય રાહત
પહોંચાડે એ જરૂરી છે. ઋજુ હૃદયના મુખ્યમંત્રી
પર ખેડૂતોની નજર મંડાયેલી રહેશે.