નવી
દિલ્હી, તા.
1 : ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ સંન્યાસનું
એલાન કરી દીધું છે. બોપન્નાએ શનિવારે એક ભાવુક પોસ્ટ શેર કરીને બે દશકથી વધારે સમય
ચાલેલી પોતાની ટેનિસ કારકિર્દી ઉપર વિરામ મુક્યો છે. 45 વર્ષિય બોપન્નાની અંતિમ ટૂર્નામેન્ટ પેરિસ માસ્ટર્સ
રહી છે. જેમાં એલેક્ઝાન્ડર બુબ્લિક સાથે જોડી બનાવી હતી. આ ટૂર્નામેન્ટમાં બોપન્ના-બુબ્લિકને
રાઉનડ ઓફ 32મા જોન પિયર્સ અને જેમ્સ ટ્રેસીની જોડીએ હરાવ્યા
હતા. રોહન બોપન્નાએ ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે એક અલવીદા.....પણ અંત નહીં. એવી
વસ્તુને અલવીદા કહેવી મુશ્કેલ હોય છે જેણે તમારા જીવનને અર્થ આપ્યો હોય. 20 અવિસ્મરણીય વર્ષ બદા આ સમય આવી ગયો છે. પોતે
સત્તાવાર રીતે પોતાનું રેકેટ હવે ટાંગી રહ્યો છે. પોસ્ટ લખતા સમયે હૃદય ભારે છે અને
આભારી પણ છે. કૂર્ગ જેવા નાનકડા શહેરથી યાત્રાની શરૂઆત કરી હતી અને લાકડાના બ્લોક કાપીને
સર્વ મજબૂત કરી હતી. કોફીના બગીચામાં દોડીને સ્ટેમિના વધારી અને ટુટેલા કોર્ટસ ઉપર
સપના જોઈને મોટા મંચ સુધી પોતે પહોંચ્યો છે. આ યાત્રા સપના જેવી લાગી રહી છે. રોહન બોપન્નાએ આગળ કહ્યું હતું કે ટેનિસ તેના માટે
એક રમત નથી પણ જીવનનો ઉદેશ્ય છે. જ્યારે પોતે ખોવાયો હતો ત્યારે ટેનિસે શક્તિ આપી હતી.
વિશ્વાસ આપ્યો હતો. કોર્ટમાં ઉતરતા ધૈર્ય, જુસ્સો અને બીજી વખત ઉઠવાની હિંમત શીખવી છે. ટેનિસે લડતા
શીખવ્યું છે. રોહન બોપન્નાએ પોસ્ટમાં માતા પિતાને પોતાના હીરો ગણાવ્યા હતા. આ સાથે
પોતાના પરિવાર, સાથી ખેલાડીઓ અને ચાહકોનો આભાર માન્યો હતો.