ભુજ, તા. 2 : અહીં પેટીયું રળવા આવેલી શ્રમિક
મહિલાના પરિવાર પર કાળમુખો કાળ એક સામટો ત્રાટક્યો હોય તેવી હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેમાં પ્રસવ પીડા બાદ આ મહિલા બે જોડિયા બાળકને
જન્મ આપીને મૃત્યુ પામી હતી. આ મૃત્યુનો આઘાત પરિવારમાં શમ્યો ન હતો, ત્યાં જ બે નવજાત બાળકનાં પણ મોત નીપજતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે. ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં આ કરુણ બનાવની જાહેર કરેલી વિગતો મુજબ મૂળ પંચમહાલ
જિલ્લાની અને હાલ શિવપારસ મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી શ્રમજીવી પરિવારની 22 વર્ષીય યુવા પરિણીતા નાયક વર્ષાબેન
ગત તા. 27/10ના પ્રસૂતિની પીડા ઉપડતાં તેને
ડિલિવરી અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં તા. 29/10ના નોર્મલ ડિલિવરી થઈ હતી અને
બે જોડિયા બાળકને જન્મ આપ્યાના બીજા દિવસે વર્ષાનું મૃત્યુ થતાં પરિવાર શોકમગ્ન બન્યો
હતો. આ દરમ્યાન આ બંને જોડિયા બાળકને આઈસીયુમાં દાખલ કરાયાં હતાં. હજુ વર્ષાબેનનાં
મોતના આઘાતમાંથી પરિવાર બહાર નીકળે તે પહેલાં જ માતા વર્ષાબેનનાં મોતના બીજા દિવસે
એક બાળકે અને તેના બીજા દિવસે બીજા બાળકે પણ દમ તોડી દેતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો
છે.