ભુજ, તા. 2 : ડો. બાબાસાહેબ આંબેડકર ભવન
ખાતે મેગા જાગૃતિ કેમ્પ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય
સંસ્થાઓમાં રહેલાં અપ્રાપ્ત નાણાં અંગે માહિતી આપવી અને તેનો દાવો કેવી રીતે કરવો તે
સમજાવવુંનો હતો. આ કાર્યક્રમ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા
ભારતીય રિઝર્વ બેંકના સહયોગથી શરૂ કરાયેલા રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાયો હતો, જેમાં કચ્છને વિશેષપણે મેગા કેમ્પ માટે પસંદ
કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન લીડ
બેંક કચ્છ - બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું હતું લીડ બેંક મેનેજર મિતેશ ગામિતે
જણાવ્યું કે આ કાર્યક્રમ `તમારા પૈસા, તમારો અધિકાર' અભિયાનનો
ભાગ છે, જે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ગાંધીનગરમાં લોન્ચ
કરાયું હતું. મુખ્ય અતિથિ દેવરાજભાઈ ગઢવી (ચેરમેન), કચ્છ ડિસ્ટ્રિક્ટ
કો-ઓપરેટીવ બેન્ક-ભુજ રહ્યા હતા તથા લલિતકુમાર અદલખા (રિજનલ મેનેજર, બેંક ઓફ બરોડા- ભુજ ક્ષેત્ર), દિનેશકુમાર પરમાર,
(રિજનલ મેનેજર, ગુજરાત ગ્રામીણ બેંક-ભુજ), લતાબેન (એરિયા ડેવલપમેન્ટ મેનેજર-રાજકોટ),
જ્ઞાનેશ્વરપ્રસાદ, (રિજનલ મેનેજર, ભારતીય સ્ટેટ બેંક- ભુજ રિજિયન),નીરજકુમાર સિંહ,
(જિલ્લા વિકાસ અધિકારી-નાબાર્ડ- કચ્છ) વિવિધ નાણાકીય સંસ્થાનના પ્રતિનિધિઓ
અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન 200 નાગરિક હાજર રહ્યા હતા અને
31 દાવેદારને 70 લાખના દાવાઓનાં પ્રમાણપત્ર
મંચસ્થ મહાનુભાવોના હાથે એનાયત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમ દરમ્યાન દાવો ન કરાયેલી
થાપણો અંગેનાં અભિયાન પુસ્તકનું વિમોચન, જાગૃતિ વીડિયો પ્રદર્શન, જેમાં દાવા કરવાની પ્રક્રિયા
અને સાઈબર સુરક્ષા અંગે સત્ર, જેમાં ઠગાઈથી બચવાના ઉપાયો જણાવવામાં
આવ્યા હતા. સ્મિત અજાણી, નિતેશ તથા રવિરાજસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી
હતી.