• સોમવાર, 03 નવેમ્બર, 2025

ભુજમાં બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

ભુજ, તા. 2 : કચ્છમાં યુવાનોમાં માદક પદાર્થનું વ્યસન વધી ગયું છે. આ નશાની બદીને નાબૂદ કરવા પોલીસ સચોટ કાર્યવાહી કરી રહી છે. આમ છતાં માંગનાં પગલે યેનકેન પ્રકારે વિવિધ માદક પદાર્થો કચ્છમાં ઘૂસી આવે છે. ગાંજાના ગ્રાહક શોધવા નીકળેલા બે યુવાનને એસ.ઓ.જી.એ બાતમીના આધારે ડમી ગ્રાહકનું છટકું ગોઠવી 1.95 કિ.ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બન્ને યુવાનને ઝડપી પાડયા હતા. માલ આપનારનું નામ ખુલ્યું છે. એસ.ઓ.જી.ની ટીમને બે-ત્રણ દિવસ પહેલાં ખાનગી બાતમી મળી હતી કે, આરોપી આફતાબ રમજુ મમણ (રહે. સંજયનગરી, જીઆઇડીસી રોડ ભુજ) પાસે ગાંજાનો જથ્થો છે અને તે તેનો ગ્રાહક શોધી રહ્યો છે. આમ એસ.ઓ.જી.ની ટીમે ડમી ગ્રાહક તૈયાર કરી આરોપીનો મોબાઇલ પર સંપર્ક કરાવતાં માલ વેચવા તૈયાર થતાં છટકું ગોઠવ્યું હતું. ગઇકાલે રેજન્ટા હોટેલથી નળ સર્કલ માર્ગે ગણેશ કાંટા સામે, ચાની લારીની બાજુમાંથી આરોપી આફતાબ તથા તેની સાથે મુસ્તાક ઉર્ફે બિટ્ટુ અબ્દુલ સુમરા (રહે. ગીતા માર્કેટની  બાજુમાં, આત્મારામ રોડ, ભુજ)ને માદક પદાર્થ ગાંજો 1.957 કિ. ગ્રામ કિં. રૂા. 97,850, બે મોબાઇલ કિં. રૂા. 5,500, રોકડા રૂા. 50 એમ કુલ્લે રૂા. 1,03,400ના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધા હતા. આફતાબને ગાંજા અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, આ ગાંજો મુસ્તાક ઉર્ફે બિટ્ટુનો છે અને આ ગાંજો વેચી આપે તો એક હજાર કમિશન આપીશ તેવું જણાવ્યું હતું. મુસ્તાકને પૂછતાં આફતાબની વાતને સમર્થન આપ્યું હતું. આ ગાંજો તેણે તેના મિત્ર સરફરાજ ટાંક (રહે. સંજોગનગર, ભુજ) પાસેથી 15 હજારમાં ખરીદ્યો હતો. બી-ડિવિઝન પોલીસ મથકે માદક પદાર્થ સાથે ઝડપાયેલા બે આરોપી અને હાજર ન મળેલો ત્રીજો આરોપી સરફરાજ એમ ત્રણે વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ તળે ગુનો દાખલ કરી કાર્યસરની કાર્યવાહી કરાઇ છે. આ કામગીરીમાં પ. કચ્છ એસ.ઓ.જી.ના પી.આઇ. કે. એમ. ગઢવી, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, મયૂરસિંહ ઝાલા, હે.કો. રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, કોન્સ. દિનેશભાઇ ચૌધરી જોડાયા હતા. 

Panchang

dd