• સોમવાર, 03 નવેમ્બર, 2025

સરદાર પટેલની સિદ્ધિ `ભારત જોડો'

રાહુલ ગાંધીએ `ભારત જોડો' યાત્રા કરી, પણ એમણે ઇતિહાસ જાણવો જોઈએ. આઝાદી પછી `ભારત જોડવા'નું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું અને આજે જે અખંડ ભારત છે, તે એમને આભારી છે. સરદાર પટેલે વોટ - સત્તા મેળવવા માટે નહીં, પણ અખંડ ભારતનાં નિર્માણ કરવા રાષ્ટ્રહિતની ભાવના હતી. 562 રજવાડાં એક ભારતમાં વિલીન કર્યાં. આ માટે કળ અને બળ વાપર્યાં, ત્યારે પણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરમાં પણ ભારતીય સેના મોકલવાનો વિરોધ કર્યો હતો ! આજે બંગાળ, તામિલનાડુ જેવાં રાજ્યોમાં હિન્દીભાષાથી હિન્દુત્વનાં નામે અલગતાવાદ જગાવાય છે, ત્યારે `ભારત જોડો' યાત્રા અખંડ ભારત માટે કે માત્ર સત્તા માટે ? એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ શા માટે ? બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં મતદારયાદીઓની ઘનિષ્ઠ ચકાસણી કરવાનો નિર્ણય લેવાયો, કારણ કે મતદારયાદીમાં મૃત મતદારોનાં નામ હોય, ડબલ નામ હોય તથા બાંગલાદેશથી ભારતમાં આવેલા ઘૂસણખોરો મતદાર બની ગયા હોય - આ નામ રદ થવાં જોઈએ. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ વિરોધ કર્યો, બેફામ આક્ષેપ કર્યા, પણ આખરે મતદારોની નામાવલિને `ગંગાસ્નાન' કરાવીને શુદ્ધ કરવામાં આવી. હવે અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા શરૂ થઈ રહી છે, જે લોકતંત્રને સાર્થક બનાવવા માટે અનિવાર્ય છે. વિપક્ષોનો વિરોધ છે - બંગાળ અને તામિલનાડુ ઉપરાંત કર્ણાટક પણ વિરોધ કરે છે, કારણ કે એમને ડર છે કે `વોટ બેન્ક' `ઊઠી' જશે તો એમને સત્તા નહીં મળે ! વિરોધપક્ષોને બીજો ડર છે - મોદી `એક રાષ્ટ્ર એક ચૂંટણી' કરાવવા માગે છે, પણ મોદીની લોકપ્રિયતા જોતાં આખાં રાષ્ટ્રમાં `એકચક્રી' શાસન સ્થપાઈ જાય. અલબત્ત, 1967 સુધી દેશભરમાં એકસાથે ચૂંટણી થતી હતી, પણ ઈન્દિરા ગાંધીએ આ પ્રથા તોડી અને દેશભરમાં ચૂંટણી ઉત્સવ શરૂ થયા ! પરિણામે નાણાં - ભ્રષ્ટાચાર અને જાતિવાદ શરૂ થયો. રાજકીય દૃષ્ટિએ અખંડ ભારતની ભાવના રહી નહીં. હવે નરેન્દ્ર મોદી ભારત એક રાષ્ટ્રની ભાવના જગાવી રહ્યા છે : રાજકીય હિત નહીં, રાષ્ટ્રહિત છે, ત્યારે આજે આપણે અખંડ ભારતના નિર્માતા - ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા અને યાદ રાખવા જોઈએ. આઝાદી પછી એમણે દેશભરમાં જે 562 રજવાડાં હતાં, તેમને કળ અને બળથી સમજાવીને ભારતમાં વિલીન કર્યાં, તે ઇતિહાસ આપણી નવી, યુવાપેઢીએ જાણવો જોઈએ. આ ભગીરથ કાર્યમાં સરદાર પટેલ સામે વડાપ્રધાન નેહરુને વિરોધ હતો તે હકીકત છે. આમ છતાં, સરદાર સફળ થયા. ઇતિહાસનાં આ પાનાં ફરીથી વાંચીએ : આ સમય છે : જો સરદાર સફળ થયા હોત નહીં તો ભારત છિન્નભિન્ન થઈ ગયું હોત...! સ્વાતંત્ર્ય મળી રહ્યું હતું ત્યારે દક્ષિણ ભારતમાં ત્રાવણકોર, હૈદરાબાદ, ભોપાલ, જૂનાગઢ અને છેલ્લે કાશ્મીર ઉપર પાકિસ્તાનની નજર અને દખલ હતી, પણ આ રાજ્યોના મુસ્લિમ શાસકોને કેવી રીતે સમજાવવા તે અંગે કોંગ્રેસના નેતાઓમાં મતભેદ હતા. `આઝાદ' ત્રાવણકોરના દીવાને તો આવી જાહેરાત કરી દીધી હતી ત્યારે ગાંધીજીએ કહ્યું, `સ્વતંત્ર ભારતના કરોડો લોકો સામે આ જંગની જાહેરાત છે.' નેહરુએ કહ્યું, `આ રાજ્ય ભૂખે મરશે.' આવી ધમકી કારણસર હતી, વાજબી હતી, કારણ કે અન્ય રાજ્યો પણ `આઝાદી' માગે એવી શક્યતા હતી. હકીકતમાં પાકિસ્તાનથી મહમ્મદ અલી ઝિણાએ તો ત્રાવણકોરના દીવાન ઐય્યરને તારસંદેશ મોકલીને ખાતરી આપી હતી કે અમે ત્રાવણકોરને `માન્યતા' આપીશું. આ પછી સરદાર પટેલે એમના સચિવ વી. પી. મેનનને મોકલ્યા અને દીવાનને સમજાવ્યા કે તમારાં રાજ્યમાં સામ્યવાદીઓ પેદા થાય છે, તૈયાર થાય છે અને 15મી ઓગસ્ટ પછી જો સામ્યવાદી વિદ્રોહ થશે તો નવી દિલ્હીથી કોઈ મદદ નહીં મળે. શેઠ દાલમિયા નામના ઉદ્યોગપતિએ સ્થાનિક કોંગ્રેસીઓને પાંચ લાખ રૂપિયા ગરબડ શરૂ કરવા માટે આપ્યા છે અને ઐય્યર જો જીદ નહીં છોડે તો એમના જાનનું જોખમ છે. સામ્યવાદીઓ તૈયાર થતા હોવાની સરદાર પટેલની ચેતવણી કેટલી સાચી હતી ! ભારતમાં ચૂંટણી થઈ ત્યારે સામ્યવાદી સરકાર સર્વપ્રથમ કેરળમાં ચૂંટાઈ હતી અને તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ ઈન્દિરા ગાંધીએ નેહરુને સલાહ આપીને નાંબુદ્રીપાદની સરકાર બરતરફ કરાવી હતી ! રાજવીઓ સામે નેહરુને તીવ્ર તિરસ્કાર હતો, ત્યારે ઘણા નેતાઓ રાજવીઓને મનાવી લેવાના મતના હતા. સરદાર પટેલે મધ્યમ માર્ગ અપનાવ્યો. રાજવીઓના અત્યાચારને સમર્થન આપવાનો પ્રશ્ન જ નથી, પણ પટિયાલા, ગ્વાલિયર જેવાં રાજ્યોને ભવ્ય ભૂતકાળની યાદ આપીને દેશપ્રેમ જગાવવા ઉપર ભાર મૂક્યો. કોંગ્રેસનાં નાગપુર અધિવેશનમાં ઠરાવ પસાર થયો કે રજવાડાંમાં આપણે દખલ કરવી નહીં. રાજકીય પ્રવૃત્તિ કરવી નહીં, પણ આ પછી ડાબેરી કોંગ્રેસ નેતા એન. વી. ગાડગિલે જબલપુરમાં ઠરાવ મૂક્યો કે દેશી રજવાડાંની રૈયતની આઝાદી લડતને ટેકો આપવો. ભોપાલના રાજવી હમીદુલ્લા ખાન મુસ્લિમ લીગ સાથે હતા અને હિન્દુ પ્રજાની બહુમતી હોવાથી ભવિષ્ય જોખમમાં હતું. એમણે જોધપુર અને ઇન્દોરને પાકિસ્તાન નજીક ખેંચવાના પ્રયાસ કર્યા. જૂન - 1947માં ત્રાવણકોર અને હૈદરાબાદ સાથે હાથ મિલાવીને આઝાદી જાહેર કરી. આ દરમિયાન જૂનાગઢના નવાબે પણ પાકિસ્તાનમાં ભળવાની જાહેરાત કરી. હૈદરાબાદ અને કાશ્મીરમાં પણ આઝાદીનાં નામે ભારત સામે `બળવો' થયો. સરદાર પટેલ ભારતીય સેના મોકલવા માગતા હતા, પણ નેહરુ નામંજૂર હતા અને સરદાર પટેલને `હાડોહાડ કોમવાદી' કહેતા હતા. 1947ના સપ્ટેમ્બરમાં નેહરુએ નાયબ વડાપ્રધાન પટેલને કહ્યું કે આ ભરતપુર અને અલ્વરના હિન્દુ મહારાજાઓને અંકુશમાં રાખો. અલ્વરમાં મિયાં મુસ્લિમ કોમની સમસ્યા હતી અને નેહરુ એમનો બચાવ કરતા હતા. નેહરુએ મુસ્લિમ ફરિયાદોની તપાસ કરવા માટે પોતાના ખાનગી સચિવ એચવીઆર આયંગરને મોકલ્યા ત્યારે પટેલે વિરોધ દર્શાવ્યો ખાનગી તપાસ થાય નહીં. હવે નેહરુ ગિન્નાયા અને મારી સ્વતંત્રતા ઉપર તમે નિયંત્રણ મૂકો છો એમ કહીને રાજીનામાંની ધમકી આપી, પણ પટેલે અલ્વરના મુસ્લિમોને પાકિસ્તાન મોકલવાની વ્યવસ્થા કરી. આ દરમિયાન જૂનાગઢના નવાબ મોહબ્બત ખાને પાકિસ્તાનમાં જોડાઈ જવાની, હૈદરાબાદના નિઝામે સ્વાતંત્ર્ય - આઝાદીની જાહેરાત કરી અને કાશ્મીર ઉપર પાકિસ્તાની તાયફાવાળાઓએ આક્રમણ કર્યું. આપણું લશ્કર મોકલવા નેહરુ તૈયાર નહોતા, તેથી સરદાર પટેલ ધૂંઆપૂંઆ હતા તો પણ નેહરુએ એમને કોમવાદી કહ્યા. હૈદરાબાદના નિઝામને પદભ્રષ્ટ કરવા સરદારે લશ્કર મોકલ્યું એટલે સરદાર `કોમવાદી' બની ગયા ! સરદાર પટેલનું કહેવું હતું કે જો જૂનાગઢના નવાબ સામે પગલાં નહીં લેવાય તો જે રાજ્યોમાં હિન્દુ બહુમતી છે અને મુસ્લિમ શાસન છે તે રાજ્યો પણ આપમેળે પાકિસ્તાનમાં ભળવાની હિંમત કરશે, પાકિસ્તાન કાશ્મીરના હિન્દુ રાજા સામે મુસ્લિમ બહુમતીની દલીલ અને દાવો કરશે. સરદાર પટેલે સેના મોકલવાનો આગ્રહ રાખ્યો અને નેહરુને મંજૂર હોય નહીં તો પોતે રાજીનામું આપવા તૈયારી બતાવી. નેહરુએ અગાઉ આવી ધમકી આપી હતી. નોંધપાત્ર બાબત એ છે કે ભારતની સેનાના બ્રિટિશ કમાન્ડરોએ ડર બતાવ્યો કે લશ્કરી પગલાં લેવાય તો લડાઈ ફાટી નીકળશે - નેહરુ આવી રજૂઆત સાંભળીને ડગી ગયા, બ્રિટિશ કમાન્ડરોની વાત સ્વીકારવાની જરૂર નહોતી. નેહરુએ તો જૂનાગઢમાં `લોકમત' લેવાનું સૂચન કર્યું, જેને સરદાર પટેલે તદ્દન વાહિયાત ગણાવ્યું હતું. જૂનાગઢમાં લશ્કરી પગલાં પછી નવાબ `શ્વાન પરિવાર સેના' સાથે કરાચી ભાગી ગયો અને આ બાજુ કાશ્મીરમાં પાકિસ્તાની આક્રમણ થયું, પણ રાજા હરિસિંહ હિન્દુસ્તાન અથવા પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર ન હતા. હજારો પાકિસ્તાની સૈનિકો શ્રીનગર ભણી ધસી રહ્યા હતા, ત્યારે નવી દિલ્હીમાં ભારતની `િડફેન્સ કમિટી'ની બેઠક મળી. પાકિસ્તાની આક્રમણનો જવાબ આપવો કે નહીં તેની ચર્ચા - વિચારણા થઈ રહી હતી. કર્નલ સામ માણેકશા તો સરદાર સાહેબનાં ઉગ્ર સ્વરૂપના સાક્ષી હતા. `કાશ્મીરને બચાવવું છે કે જવા દેવું છે - નેહરુ, જવાબ આપો તો નેહરુ કહે : ઓફ કોર્સ, મારે કાશ્મીર જોઈએ.' - તો મંજૂરી ઓર્ડર આપો - એમ સરદારે કહ્યું - અને નેહરુની હા મળતાં વાર લાગી તેથી મારી સામે (માણેકશા સામે) જોઈને સરદાર પટેલે કહ્યું - તમને તમારા ઓર્ડર મળી ગયા છે. હૈદરાબાદના કિસ્સામાં સરદાર ચૂપ રહ્યા. નેહરુને નિર્ણય લેવા દો ! નિઝામનો ફેંસલો કરવામાં વિલંબ થયો અને સ્થિતિ વણસતી ગઈ તેથી સરદાર આગળ આવ્યા અને લશ્કરને - `પોલો ઓપરેશનની' વ્યૂહ - સૂચના આપી. આ મામલામાં પણ નેહરુએ લશ્કરી પગલાંનો વિરોધ કર્યો અને પટેલને `પૂરા - હાડોહાડ કોમવાદી' કહ્યા. નેહરુનો ઊભરો પટેલ મૌન રહીને સાંભળી રહ્યા, પણ એમને આઘાત લાગ્યો. ધબકારા વધી ગયા અને ઓક્સિજન લેવો પડયો... સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદ અને કાશ્મીરને બચાવ્યું. નેહરુના વિલંબનાં કારણે કાશ્મીરનો કેટલોક વિસ્તાર આજે પણ પાકિસ્તાનમાં છે. હિન્દુસ્તાનનાં 562 રજવાડાંને કળ - બળથી ભારતમાં જોડયાં સરદાર વલ્લભભાઈ પટેલે. અને માજી રાજવીઓને સાલિયાણાં અને માન - મોભા જાળવી રાખવા સંવિધાનમાં ખાતરી આપતી જોગવાઈ કરી, પણ દાયકાઓ પછી કોંગ્રેસના - સત્તાનાં રાજકારણમાં ઈન્દિરા ગાંધીએ સંવિધાનમાં સુધારો કરીને સાલિયાણાં - વિશિષ્ટ દરજ્જા નાબૂદ કરીને નેહરુની ઇચ્છા પણ પૂરી કરી ! 

Panchang

dd