નવી દિલ્હી, તા.2 : યુક્રેને
રવિવારની રાત્રે રૂસના કાળા સમુદ્ર વિસ્તારમાં સ્થિત તુઆપ્સે બંદર પર અચાનક ડ્રોન હુમલો
કરતાં ભારે ધડાકા બાદ બંદર પર આગ લાગી હતી. આ હુમલામાં તેલ રિફાઈનરી અને ટર્મિનલને
ગંભીર નુકસાન પહોંચ્યું હતું. અધિકારી અનુસાર આ હુમલો રૂસની સૈન્ય આપુર્તિ પ્રણાલીને
ધ્વસ્ત કરવાના હેતુથી કરવામાં આવ્યો હતો. રૂસી મીડિયા અહેવાલો અનુસાર, દેશની વાયુ સુરક્ષા ઉપકરણોએ યુક્રેનના 164 ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા
હતા. જોકે અંતરરાષ્ટ્રીય સ્તરે આ દાવાને સમર્થન મળતું નથી. રૂસે દાવો કર્યો હતો કે
તેના સૈનિકોએ હુમલાની દિશાથી આવી રહેલા મોટાભાગના ડ્રોનને હવામાં જ નષ્ટ કર્યા હતા.
તુઆપ્સે બંદર પર ડ્રોનનો કાટમાળ પડવાથી ત્યાં
આવેલી રોસનેફ્ટ તેલ રિફાઈનરી સળગી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આ જ રિફાઈનરીને
યુક્રેને નિશાન બનાવી હતી. સ્થાનિક તંત્રે જણાવ્યું હતું કે આગ બુઝાવવાના પ્રયાસ હાથ
ધરવામાં આવ્યા છે અને બચાવ ટુકડી સ્થળ પર છે. આરંભિક અહેવાલો અનુસાર કોઈ જાનહાનિની
માહિતી નથી. જોકે આર્થિક નુકસાન ઘણું મોટું બતાવાઈ રહ્યું છે. વિશ્લેષકોના મતાનુસાર
યુકક્રેન હવે માત્ર પોતાની સુરક્ષા સુધી સીમિત રહેવા માગતું નથી. તે રૂસની અંદર મોજૂદ
વ્યુહાત્મક અને ઊર્જા માળખાંને નુકસાન પહોંચાડી રૂસની યુદ્ધક્ષમતાને નબળી પાડવાના પ્રયાસમાં
છે. રૂસની પાઈપલાઈનો, ઈંધણ ડેપો
અને વીજળી ગ્રીડ પર હાલના મહિનાઓમાં અનેક હુમલા કરવામાં આવ્યા છે.