• સોમવાર, 03 નવેમ્બર, 2025

ઓસી સામે ભારતનો પાંચ વિકેટે વિજય

હોબાર્ટ, તા.2 : પ્લેયર ઓફ ધ મેચ અર્શદીપ સિંઘની 3 વિકેટ અને બાદમાં બોલરના બદલે બેટરની ભૂમિકા બખૂબી નિભાવનાર વોશિંગ્ટન સુંદરના અણનમ 49 રનની મદદથી ત્રીજી  ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 9 દડા બાકી રહેતા પ વિકેટે શાનદાર વિજય થયો હતો. આથી પ મેચની શ્રેણી હવે 1-1ની બરાબરી પર આવી ગઇ છે. શ્રેણીની ચોથી મેચ ગુરુવારે ગોલ્ડ કોસ્ટમાં રમાશે. ભારતે આજે ત્રીજા મેચમાં 187 રનનો વિજય લક્ષ્ય 18.3 ઓવરમાં પ વિકેટે હાંસલ કરી લીધું હતું. વોશિંગ્ટન સુંદરે એક પરિપકવ બેટધર બનીને 23 દડામાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 49 રનની અણનમ-વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની સાથે વિકેટકીપર જિતેશ શર્મા 13 દડામાં 3 ચોગ્ગા સાથે 22 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 2પ દડામાં 43 રનની મેચ વિનિંગ ભાગીદારી થઇ હતી. ભારત તરફથી અભિષેક શર્માએ 16 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ઝડપી 2પ રન કરી ભારતને સારી શરૂઆત અપાવી હતી. શુભમન ગિલ 1પ રન જ કરી શકયો હતો જ્યારે કપ્તાન સૂર્યકુમાર યાદવ સેટ થયા પછી 24 રને આઉટ થયો હતો. તેણે 11 દડાની ઇનિંગમાં 1 ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યાં હતા. તિલક વર્મા 26 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગા સાથે 29 રને અક્ષર પટેલ 17 રને આઉટ થયા હતા. ભારતે 18.3 ઓવરમાં પ વિકેટે 188 રન કરી જીત નોંધાવી હતી. આ પહેલા ભારતે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે ટિમ ડેવિડ અને માર્કસ સ્ટોઇનિસે આતશી અર્ધસદી કરી હતી. ડેવિડે 38 દડામાં 8 ચોગ્ગા અને પ છગ્ગા સાથે 74  અને સ્ટોઇનિસે 39 દડામાં 8 ચોગ્ગા-2 છગ્ગા સાથે 64 રન કર્યાં હતા. મેથ્યૂ શોર્ટે 1પ દડામાં 26 રનનું યોગદાન આપ્યું હતું અને સ્ટોઇનિસ સાથે છઠ્ઠી વિકેટમાં 39 દડામાં 64 રનની ભાગીદારી કરી હતી. આથી ઓસ્ટ્રેલિયાના 20 ઓવરમાં 6 વિકેટે 186 રન થયા હતા. ભારત તરફથી અર્શદીપે 3પ રનમાં 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 2 અને શિવમ દૂબેને 1 વિકેટ મળી હતી.  ભારતની ઇલેવનમાં 3 ફેરફાર થયા હતા. સંજૂ સેમસન, હર્ષિત રાણા અને કુલદીપ યાદવના સ્થાને જિતેશ શર્મા, અર્શદીપ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થયો હતો. 

Panchang

dd