નવી દિલ્હી, તા. 2: ભારતે રવિવારે
અવકાશ જગતમાં ઈતિહાસ રચી નાખ્યો હતો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ આજે સાંજે
પાંચ અને 26 મિનિટે દેશનો સૌથી વજનદાર
- બાહુબલી - 4410 કિલોગ્રામ વજન ધરાવતો સંદેશાવ્યવહાર
ઉપગ્રહ સીએમએસ-03 (જીસેટ-7આર) જિઓ સ્ટેશનરી ઓર્બિટ (જીઈઓ) તરફ છોડીને
નેત્રદીપક સફળતા મેળવી હતી. આ ઉપગ્રહની મદદથી સમુદ્રી ક્ષેત્રમાં દુશ્મનની દરેક હરકત
પર ભારતીય નૌકાદળની નજર રહેશે. જિઓ સ્ટેશનરી ઓર્બિટ (જીઈઓ) એટલે કે, ધરતીથી 36 હજાર કિલોમીટર ઉપરની ગોળ કક્ષા.
આ ઊંચાઈની કક્ષા પરથી ઉપગ્રહ 24 કલાક સતત
પૃથ્વી પર નજર રાખી શકશે. કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાની સૈનિકોની ગતિવિધિઓને પકડી પાડવા, નજર રાખવા માટે ભારતીય સેનાને ગ્લોબલ પોઝિશનિંગ
સિસ્ટમની જરૂર હતી. ભારતે મદદ માગી, પરંતુ અમેરિકાએ ઈન્કાર કરી
દેતાં તે વખતે જ ભારતે સંકલ્પ કરી લીધો હતો કે, આવી સુવિધાવાળો
ઉપગ્રહ જાતે બનાવીશું. આજે એ સંકલ્પ સિદ્ધ કરી બતાવીને સંપૂર્ણપણે ભારતમાં જ નિર્મિત
નૌકાદળ માટેનો સૌથી વજનદાર ઉપગ્રહ અવકાશમાં છોડતાં ભારતે સીમાચિહ્નરૂપ સફળતા મેળવી
છે. આ `સમુદ્રની આંખ' સમાન અને ઈસરોએ જેને `બાહુબલી' નામ આપ્યું
છે, તેવા ઉપગ્રહનું નિર્માણ 1589 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.
આજના સમયમાં સમુદ્રી સુરક્ષા સામેના પડકાર ઘણા વધી ગયા છે. ચીન અને પાકિસ્તાન જેવા
`ભારત વિરોધી' વલણ માટે કુખ્યાત પાડોશી દેશોની હરકતોનાં કારણે
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તાણ વધી ગઈ છે, ત્યારે આ ઉપગ્રહ અવકાશમાં
`ભારતની આંખ'ની ભૂમિકા ભજવશે. ઈસરોના જીસેટ-7આર ભારતનાં નૌકાદળને અવકાશ પરથી દુશ્મન
દેશોની હરકતો પર નજર રાખવા અને તરત કાર્યવાહી કરવાની તાકાત આપશે. ભારતીય નૌકાદળના વડા
એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ ઉપગ્રહ દેશનાં સમુદ્રી હિતોની રક્ષા કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે.
આ ઉપગ્રહથી અવકાશમાં ભારતીય નૌકાદળની તાકાત વધી જશે. `સમુદ્રની આંખ' સમાન આ સંચાર ઉપગ્રહ સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર
કરાયો હોવાથી આત્મનિર્ભર ભારતનું મોટું ઉદાહરણ છે. આ ઉપગ્રહ નૌકાદળનાં જહાજો,
હવાઈ જહાજો, સબમરીનો તેમજ સમુદ્રી અભિયાનોનાં મથકો
વચ્ચે ગતિભેર અને સુરક્ષિત સંદેશા વ્યવહારની સુવિધા આપશે. સતીશધવન સ્પેશ સેન્ટર,
શ્રીહરિકોટાનાં બીજા લોન્ચ પેડ પરથી રવિવારની સાંજે લોન્ચ કરીને ભારતે
મોટી સફળતા મેળવી છે.આ ઉપગ્રહ ભારતીય મહાસાગર ક્ષેત્રમાં મજબૂત ટેલિકોમ્યુનિકેશન કવરેજ
આપશે. નૌકાદળના જવાનો જહાજ પર હોય કે હવામાં, સરળતાથી વાતચીત
કરી શકશે. જીસેટ-7આર ઉપગ્રહની
મદદથી દુશ્મન તરફથી કોઈ ખતરો હશે, તો સરળતાથી
જાણકારી મળી જશે. ચીન, પાક જેવા પાડોશી દેશોથી હિન્દ મહાસાગરમાં
તાણ વચ્ચે આ ઉપગ્રહ મહત્ત્વનો બની રહેશે. - ઇસરોએ નૌકાદળ ઉપગ્રહને કેમ
આપ્યું બાહુબલી નામ ? : નવી દિલ્હી, ત. 2 : ભારતીય અવકાશ
સંશોધન સંસ્થાન (ઇસરો)એ રવિવારે નૌકાદળ માટે સી.એમ.એસ.-03 (જી સેટ-7 આર) ઉપગ્રહ અવકાશમાં છોડયો હતો. આ ઉપગ્રહને
ઇસરો તરફથી `બાહુબલી'
નામ અપાયું છે... આવું નામ શા માટે એ જાણવું રસપ્રદ છે. વાત જાણે એમ
છે કે, આ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું વજન 4400 કિલો છે અને દેશનો સૌથી ભારે
વજનવાળો ઉપગ્રહ બન્યો છે. દેશનો સૌથી વજનવાળો ઉપગ્રહ હોવાથી આ સંદેશાવ્યવહાર ઉપગ્રહને
બાહુબલી નામ અપાયું છે. આ ઉપગ્રહ સંપૂર્ણપણે ભારતમાં વિકસિત કરાયો છે.