• સોમવાર, 03 નવેમ્બર, 2025

આદિપુરની ભાગોળે સ્વામી લીલાશાહ આશ્રમ ખાતે ત્રિદિવસી કાર્યક્રમો સંપન્ન

આદિપુર, તા. 2 : સમાજ સુધારક સંત સ્વામી લીલાશાહ મહારાજની બાવનમી પુણ્યતિથિ નિમિત્તે સ્વામી લાલાશા ટ્રસ્ટ યોજિત ત્રિદિવસીય સામાજિક-ધાર્મિક ઉત્સવો આજે સંપન્ન થયા હતા, જેમાં 12 જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. મેઘપર બોરીચી સ્થિત લીલાશા આશ્રમ ખાતે રવિવારે સવારે પૂજન, આરતી બાદ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. આ ઉત્સવ દરમ્યાન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મુલાકાત લઇ સમગ્ર આયોજન બિરદાવ્યું હતું. તેમની સાથે સુધરાઇના પૂર્વ પ્રમુખ તેજસ શેઠ, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, પૂર્વ નગરસેવક મનોજ મુલચંદાણી વિ. જોડાયા હતા. મહેમાનોનું ટ્રસ્ટીઓએ સન્માન કર્યું હતું. અતિથિઓ પ્રત્યે ટ્રસ્ટી દિલીપ ઠરીયાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. લગ્નવિધિ દરમ્યાન કલાકાર વિશ્નીબેન ઇસરાનીએ લાડા અને ગીતોની રંગત જમાવી હતી. તમામ નવદંપતિ યુગલને વિવિધ દાતાઓના સહયોગથી સુવર્ણ-રજત આભૂષણ સહિત 108 જેટલી વિવિધ ભેટ અપાઇ હતી, જેમાં ટી.વી., વોશિંગ મશીન, કૂલરનો પણ સમાવેશ થતો હતો. સમગ્ર ઉત્સવોમાં ભારતના વિવિધ રાજ્યો, ગુજરાતના જુદા જુદા શહેરો ઉપરાંત દુબઇ, સીંગાપુર, જાકાર્તા, ઇન્ડોનેશિયા વિ. પણ ભાવિકજનોએ હાજરી આપી હતી. ત્રણ દિવસ સુધી કુટિયા વિસ્તારમાં વિશાળ જગા પર મેળો, ભોજન, ચા-પાણી, નાસ્તા વિ.ની સેવાઓમાં વિવિધ સંસ્થાઓ તેમજ સેવાધારીઓએ પોતાની સેવા આપી હતી. 

Panchang

dd