• સોમવાર, 03 નવેમ્બર, 2025

વિકસિત દેશોની સાથે બરોબરી

વૈશ્વિક અર્થતંત્રની નકારાત્મક્તા વચ્ચે ભારતમાં ઘરઆંગણાની માંગના સથવારે 6.6 ટકાનો વિકાસ દર હાંસલ થયો હોવાના આંકડાએ ભારે ઉત્સાહ જગાવ્યો છે. દુનિયામાં વિકસી રહેલાં અર્થતંત્રોમાં ભારતે સૌથી વધુ વિકાસની શક્યતા સાબિત કરી આપી છે. ભારતનો વિકાસ દર ચીન કરતાં પણ વધુ રહેશે, એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યંy છે. આમ તો વૈશ્વિક અર્થતંત્રોની સામે આર્થિક અનિશ્ચિતતા અને વેપારી તંગદિલીની અસર ચોમેર વર્તાઈ રહી છે, તો ભારતની સામે અમેરિકાના પ0 ટકા ટેરિફનો પડકાર નડતરરૂપ બની રહ્યો છે. જો કે, આ બધી નકારાત્મક્તા છતાં ભારતે જે રીતે વિકાસ દર હાંસલ કર્યો છે તેનાથી દુનિયા ભારે પ્રભાવિત થઈ છે. ભારતે બીજા છ માસિક સમયગાળામાં નોંધપાત્ર વિકાસ દર જાળવી રાખવામાં કમર કસી હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યંy છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિક સમયગાળામાં ઓક્ટોબરથી માર્ચ વચ્ચે સરકારનો પોતાનો ખર્ચ અને ઘરેલુ માંગમાં ભારે ઉછાળાના સંગાથે અર્થતંત્ર વિકાસનાં લક્ષ્યોને પાર પાડી શકશે. ખાસ તો દિવાળીના સમયગાળા દરમ્યાન જીએસટીના કાપે બજારોમાં ભારે ખરીદી રહી હતી. આમ જીએસટીના દર ઘટવાની સાથે મોંઘવારી પણ ઘટી છે, જેની હકારાત્મક અસર દેશની બજારોમાં અનુભવાઈ રહી છે.   રાષ્ટ્રીય આંકડાકીય વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ સપ્ટેમ્બર 202પમાં છૂટક મોંઘવારી ઘટીને 1.4 ટકા રહી ગઈ છે. તેના આગલા મહિને ઓગસ્ટમાં તેનો દર 2.07 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં લક્ષ્ય કરતાં મોંઘવારીનો દર નીચલી સપાટીએ પહોંચી ગયો છે. આની સાથોસાથ સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઝડપભેર ઘટીને 0.13 ટકાનાં સ્તરે પહોંચી ગયો છે. ગૌરવ લેવા જેવી બીજી બાબત એ છે કે, વિશ્વમાં આર્થિક સુખાકારીના આંકની સરેરાશ 103.6 છે, ત્યારે ભારતે આ આંકમાં 110.3નો આંક હાંસલ કર્યો છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે આ આંક ખરા અર્થમાં યુરોપના નાના દેશોનાં અર્થતંત્રને પાછા પાડી દે તેવો છે. સાથોસાથ ભારતનો વિદેશી હૂંડિયામણનો ભંડાર 700 અબજ ડોલરને આંબી ગયો છે. દેશમાં તમામ સ્તરોએ આર્થિક  વિકાસનો ઉત્સાહ અનુભવાઈ રહ્યો છે.   ખરેખર તો હવે ભારતે અમેરિકાના ટેરિફના અંતરાયને બેઅસર કરવા પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે. આમ તો ભારત અન્ય દેશો સાથે વેપારને વધારવા પર ધ્યાન આપી રહ્યું છે, પણ વધુ ને વધુ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરીને આર્થિક વિકાસને વેગ આપી શકાય તેમ છે. ઘરઆંગણાના ઉત્સાહમાં વિદેશી વેપારનો વધારો ભળે તો ભારતનો આર્થિક વિકાસ વિકસિત દેશોની તુલનાએ પહોંચી શકે તેમ છે. 

Panchang

dd