નલિયા, તા. 2 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
નલિયા છેલ્લા કેટલાક સમયથી પાણી અને ગટરની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. આ સમસ્યાઓના નિરાકરણ
માટે નલિયા ગ્રામ પંચાયતમાં તાલુકા ભાજપ પ્રમુખ જયદીપાસિંહ જાડેજા અને તાલુકા વિકાસ
અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ગામના વિકાસના
કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજના અંતર્ગત
નલિયા ગામમાં રૂા. 15 કરોડના ખર્ચે
વિવિધ વિકાસકાર્યો હાથ ધરાશે. આ યોજના હેઠળ, ગામની વર્તમાન પાણીની સમસ્યાને દૂર કરવા માટે નવી મોટર બોર, પાણીનો નવો ટાંકો અને સંપ બનાવાશે. ગટર માટે નવા જેટિંગ મશીન આ ઉપરાંત,
હોથીવાંઢ ગામે પાણીની નવી લાઈન નખાશે. ગામના તળાવનું સંરક્ષણ કરવા માટે
દીવાલ બનાવાશે અને સુરક્ષા માટે વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન
છે. ગામમાં બગીચા, રોડ લાઈટ અને જ્યાં ગટર લાઈન નથી ત્યાં નવી
ગટર લાઈન નાખવા જેવાં કામો પણ હાથ ધરાશે. આ સાથે, જે વિસ્તારોમાં
પેવરબ્લોક અને સીસીરોડ નથી ત્યાં પણ આ કામો કરાશે. પાણીની સમસ્યાના તાત્કાલિક નિવારણ
માટે જયદીપાસિંહ જાડેજા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક નવી મોટર
અને હોથીવાંઢ ગામની નવી લાઈન નાખવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં આ વિકાસકાર્યો
તબક્કાવાર કરાશે અને નલિયાને એક નમૂનારૂપ નગર બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આ
બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના શ્રી સાણજા, પાણી પુરવઠાના વિજયભાઈ
મહેશ્વરી, વાસમોના ડિમ્પલબેન શાહ, સરપંચ
રામજી કોલી, પરેશભાઈ ભાનુશાલી, તારાચંદ
ઠક્કર, અબ્દુલ્લા કુંભાર સહિત અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.