વેલિંગ્ટન, તા. 1 : ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે શનિવારે ઈતિહાસ રચતાં ઈંગ્લેન્ડને ત્રણ મેચની
વન-ડે શ્રેણીમાં 3-0થી
ક્લીન સ્વીપ કર્યું હતું. વેલિંગ્ટનના સ્કાઈ સ્ટેડિયમમાં અંતિમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે
બે વિકેટે રોમાંચક જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના વન-ડે ફોર્મેટના ઈતિહાસમાં
બીજી વખત ઈંગ્લેન્ડને કોઈ દ્વિપક્ષીય શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. આ અગાઉ 42 વર્ષ પહેલાં પણ ક્લીન સ્વીપ કર્યું હતું. ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડને 222ના સ્કોરે રોકી દીધું હતું અને 44.4 ઓવરમાં આઠ વિકેટે 226 રન કરીને મેચ પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડની
ટીમે 1983માં જ્યોફ હોવર્થની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ
સામે 3.0થી ક્લીન સ્વીપ કર્યું હતું. ન્યૂઝીલેન્ડે બે
ઓવલમાં પ્રથમ વન-ડે ચાર વિકેટે જીતી હતી. જ્યારે
બીજો મુકાબલો હેમિલ્ટનમાં પાંચ વિકેટે નામે કર્યો હતો. હવે ત્રીજી મેચમાં બે વિકેટે બાજી મારી છે. ન્યૂઝીલેન્ડે ત્રણેય
મેચ સફળતાપૂર્વક જીતી છે. જ્યારે વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ માટે આ શરમજનક હાર છે અને
વન-ડે ફોર્મ ઉપર સવાલ ઊઠી રહ્યા છે. ન્યૂઝીલેન્ડે 223ના લક્ષ્યનો પીછો કરતાં સારી શરૂઆત કરી હતી. ઓપનિંગ
બેટ્સમેન ડેવોન કોનવે અને રચિન રવીન્દ્ર વચ્ચે પહેલી વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી. કોનવે 34 રને અને રચિન 46 રને આઉટ થયો હતો. પછીની ઓવરમાં વિલ યંગ પણ એક
રને આઉટ થયો હતો. ટોમ લેથમ 10, માઈકલ
બ્રેસવેલ 13 અને કેપ્ટન મિચેલ સેંટનર 27 રને આઉટ થયા હતા. નાથન સ્મિથે બે રન કર્યા હતા.
આ દરમિયાન ડેરિલ મિચેલે 44 રનની
ઈનિંગ્સ રમી હતી. આ પહેલાં ઈંગ્લેન્ડની ટીમ પૂરી 50 ઓવર રમી શકી નહોતી. ઈંગ્લેન્ડની ટીમ 40.2 ઓવરમાં 222 રન જ કરી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેમી ઓવર્ટને
સૌથી વધારે 68 રન કર્યા હતા જ્યારે જોસ બટલરે 38 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી
ટિકનરે ચાર અને ડફીએ ત્રણ વિકેટ લીધી હતી.