• સોમવાર, 03 નવેમ્બર, 2025

ગાંધીધામ મનપા દ્વારા પાંચ મોટા બાકીદારને મિલકત જપ્તીનાં વોરંટ ઇસ્યૂ કરાયાં

ગાંધીધામ, તા. 2 : ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા એક એપ્રિલ 2025થી લઈને અત્યાર સુધીમાં 50 કરોડના માગણા સામે 16 કરોડની વેરા વસૂલાત કરવામાં આવી છે. લગભગ 33 કરોડથી વધુની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રૂા. 50 હજારથી વધુના ટેક્સ બાકી હોય તેવા પાંચ મોટા બાકીદારોને મિલકત જપ્તી માટેના વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. વેરો ભરપાઈ નહીં કરે તો મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્સ છે અને તેની વસૂલાત માટે હવે તંત્ર ઊંધે માથે થયું છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા પાંચ મોટા પાટીદારને વોરંટ ઇસ્યૂ કરીને અત્યાર સુધીમાં વેરો ભરવામાં આવ્યો નથી, જેથી સદર મિલકત ટાંચ-જપ્તી કરવા માટે વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું છે અને મિલકતમાં રહેલો કિંમતી માલ-સામાન પાંચ દિવસમાં ખસેડી લેવા કહેવામાં આવ્યું છે અને જો તેમ કરવામાં નિષ્ફળ જશો, તો મિલકત જપ્તી સમયે જે સર-સામાન મિલકતમાં રહેશે, તેની તમામ જવાબદારી મિલકતધારકની રહેશે. મહાનગરપાલિકાના ચોપડા ઉપર 60 હજારથી વધુ કરદાતા છે, તેમાંથી લગભગ 32 હજારની આસપાસના કરતા હોય છે. મહાનગરપાલિકાને વેરો ભરપાઈ કર્યો છે. 3000થી વધુ બાકીદારોને વેરો ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે. વહીવટી તંત્ર દ્વારા 28000ની આસપાસના કરદાતાઓ પાસેથી 33 કરોડની આસપાસની વેરા વસૂલાત કરવાની છે. જો કે, ડિમાન્ડ ઘણી છે, સમીક્ષા કરીને ટેક્સના સાચા આંકડા બહાર આવવા જરૂરી છે. હાલના સમયે 50 કરોડથી વધુનું માગણું ચોપડા ઉપર બોલે છે, તેમાં ડિમાન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. મિલકત આકારણી થયા બાદ આખું ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે અને આવકનો મુખ્ય સ્ત્રોત વેરા છે, એટલે આકારણી પણ ઝડપથી કરવી જરૂરી છે. હાલના સમયે તો કચેરીનો તેમજ સ્વભંડોળમાંથી જે સફાઈ સહિતની કામગીરી કરવાની હોય છે, તેના માટે વસૂલાત અત્યંત જરૂરી છે, એટલે જ પાંચ મોટા બાકીદારને મિલકત જપ્તી માટેની નોટિસ આપવામાં આવી છે. પાંચ મહિના દરમિયાન 33 કરોડની વસૂલાતમાં પડકાર છે, તેના માટે વહીવટી તંત્ર પગલાં ભરી રહ્યું છે અને કડક કાર્યવાહી કરી રહ્યું છે અને આગામી સમયમાં મિલકત જપ્તી કરીને પણ વસૂલાત કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. 

Panchang

dd