નવી દિલ્હી, તા.2 : સુપ્રીમ
કોર્ટે એક મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે વકીલની તેના અસીલના ગુનાઓ માટે પૂછપરછ
કરી શકાતી નથી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે અમેરિકાના એક ચુકાદાને ટાંકીને આ અવલોકન કર્યું
હતું. કોર્ટે જણાવ્યું હતું કે વકીલોને હેરાન કરવા એ સરકારના સર્વાધિકારવાદી સ્વરૂપ
તરફનું પગલું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ તપાસ એજન્સી વકીલને ફક્ત એટલા
માટે પૂછપરછ માટે બોલાવી શકતી નથી કારણ કે તેણે કાનૂની અભિપ્રાય, સલાહ આપી હોય અથવા ગંભીર ગુના અથવા મોટી નાણાકીય
અનિયમિતતાના આરોપી વ્યક્તિનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સીજેઆઈ બીઆર ગવઈ, જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે
વકીલને તેમના અસીલ અથવા કેસ ચલાવવા અથવા બચાવ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલા કેસ
સંબંધિત કોઈપણ માહિતી જાહેર કરવા માટે ફરજ પાડી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે
સમન્સથી મુક્તિ એવા વકીલોને લાગુ પડતી નથી જેમણે ગુના કરવામાં ક્લાયન્ટને મદદ કરી હોય
અથવા તેની સાથે કાવતરું રચ્યું હોય. આવા કિસ્સાઓમાં વકીલને સમન્સ મોકલતી વખતે તપાસ
અધિકારીએ પોલીસ અધિક્ષકના હોદ્દાથી નીચેના ન હોય તેવા વરિષ્ઠ અધિકારીની સંમતિ મેળવવી
આવશ્યક છે. આવા તમામ સમન્સને કોર્ટમાં પડકારી શકાય છે. આ વિશેષાધિકાર વ્યક્તિઓ,
કંપનીઓ, પેઢીઓ અને સંગઠનોને વકીલ દ્વારા આપવામાં
આવતી કાનૂની સલાહ પર લાગુ પડે છે. સુપ્રીમે તપાસ એજન્સીઓ અને પોલીસ દ્વારા વકીલોને
જારી કરાયેલા સમન્સનું સ્વયં સંજ્ઞાન લીધું હતું.