• સોમવાર, 03 નવેમ્બર, 2025

...ને સરદાર બોલ્યા, કંડલા ઇઝ સિલેક્ટેડ

સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું છે, એકતા વિના મનુષ્યબળની કોઇ શક્તિ નથી... તેનો યોગ્ય રીતે સમન્વય અને સંગઠન થતાં એ આધ્યાત્મિક શક્તિ બની જાય છે. હજુ બે દિવસ પહેલાં (31મી ઓક્ટોબરે) રાષ્ટ્રે સરદારને 150મી જન્મજયંતીએ ભાવભેર શ્રદ્ધાંજલિ આપી. સરદાર અને ભારતવર્ષનું ગૌરવ, રાષ્ટ્રની મહાનતા, ઐક્ય, સમૃદ્ધિ, સંસ્કૃતિ જતનના સ્વપ્નદૃષ્ટા. લોખંડી પુરુષનું કચ્છ પણ કૃતજ્ઞ છે. સરદાર સરોવર નર્મદા યોજનાના પાયામાં કચ્છ રહ્યું છે એ હકીકત ઇતિહાસનાં પાને નોંધાયેલી છે. એ કલ્પના સરદાર પટેલની હતી કે પાકિસ્તાન સાથેની કચ્છની ભૂમિસીમાએ નિવૃત્ત સૈનિકો અને ખડતલ ખેડૂતોને વસાવવા. એ માટે નર્મદાનું પાણી કચ્છનાં રણ સુધી પહોંચાડવું. ગાંધીધામની સ્થાપનામાં પણ સરદાર હતા. મહાત્મા ગાંધીનાં જીવનનો અણધાર્યો અંત ન આવ્યો હોત તો કચ્છનું પ્રથમ મહાનગર આજે સરદારગંજના નામે ઓળખાતું હોત. પહેલી જૂન, 1948ના કચ્છ ભારત સંઘમાં વિલીન થયું ત્યારે સરદાર પટેલે પત્રમાં લખેલું : કચ્છનું રાજકીય, ભૌગોલિક અને આર્થિક મહત્ત્વ ઘણું છે. તે હિંદનું એક અગત્યનું સરહદી થાણું છે. વિકાસમાં તે પછાત છે, છતાં તેની કુદરતી સંપત્તિ વિશાળ શક્યતાથી ભરેલી છે. ઘરબારથી વિખૂટા થઇ ગયેલા નિરાશ્રિતો જેમને મદદ, રાહત અને પુનર્વસવાટની ઘણી જરૂર છે, તેમણે વસાવવા સારુ કચ્છમાં ઘણો અવકાશ છે. કચ્છની પ્રજામાં તાકાત, ધૈર્ય, સંપત્તિ અને સાહસિકતા ઘણી છે. વેપાર અને ઉદ્યોગમાં કચ્છીઓએ સમસ્ત હિન્દમાં જે ફતેહ મેળવી છે, તે તેમના આ ગુણોની સાબિતી છે. 20મી એપ્રિલ, 1949ના રામાસિંહજી રાઠોડ પર લખેલા પત્રમાં કચ્છ પ્રત્યેની એમની લાગણી અને નિસબત છતી થાય છે : `અનેક સદીઓ પહેલાંની પુરાણી દુનિયાનું કોઈ સ્થાન આજની દુનિયામાં જોવું હોય, તો તે `કચ્છ' છે, જ્યાં આધુનિક દુનિયાની કોઈ હવા લાગી જ નથી અને જેમનું તેમ પડી રહ્યું છે. ત્યાં અત્યારે તો દુકાળ છે. ઢોર અને માણસને બચાવવાનો મોટો પ્રશ્ન છે. તેમાં મધ્યસ્થ સરકાર લાખો રૂપિયા ખર્ચી રહી છે. સાથે સાથે, કંડલાને કરાચી બનાવવાની યોજના તૈયાર થઇ રહી છે. તેની સાથે બે રેલવે જોડવાનો પ્રયત્ન છે. સિંધીઓ બંદરની પાસે એક મોટું નગર વસાવવાના છે. તેની તૈયારી થઇ રહી છે. પાણી અને રસ્તાની વ્યવસ્થા માટે યોજનાઓ રચાઈ રહી છે. મોટું એરોડ્રોમ બનાવવાનું છે. આમ, ચારે તરફથી કચ્છની શિકલ બદલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે અને તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના છે. ઉમ્મીદ તો છે કે પાંચ વર્ષમાં કચ્છ હિન્દુસ્તાનના નકશામાં બંધબેસતું થઇ જાય... પછી તો ઈશ્વરની ઈચ્છા.' કંડલા - આજે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટનાં નામે કચ્છ - ગુજરાત અને દેશના વિકાસમાં સિંહફાળો આપી રહ્યું છે. વર્તમાન ચેરમેન સુશીલકુમાર સિંઘનાં નેતૃત્વમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. વિકાસની બીજી યોજનાઓ પણ કાર્યાન્વિત છે. 1947માં ભારતનું વિભાજન થયું અને સિંધ - કરાચી સાથે પશ્ચિમ કાંઠાનું ચાવીરૂપ બંદર પણ પાકિસ્તાનના ફાળે ગયું. વેસ્ટ કોસ્ટ પર દૂરસુદૂરના દેશો સાથેના જળમાર્ગે પરિવહન માટે એક મોટો ખાલીપો સર્જાયો... ને સરદારનાં મનમાં કંડલા બંદરની યોજનાએ જન્મ લીધો... ભારત માટે આ મોટો વિચાર હતો... અને દેખીતી રીતે જ બીજા વિકલ્પોએ હતા... આ આખો પ્રસંગ ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચૂકેલા પ્રખર ગાંધીવાદી કુંદનલાલ ધોળકિયાએ તેમનાં પુસ્તક `શ્રુતિ અને સ્મૃતિ કચ્છ'માં ઉલ્લેખ્યો છે. કુંદનભાઇએ `કેન્દ્ર સરકારનાં સીમાચિહ્નો' પ્રકરણમાં લખેલું અહીં શબ્દસહ મૂક્યું છે... એ વખતની સ્થિતિ, પરિદૃશ્ય આજની પેઢીએ જાણવા જેવું છે. કોઈ કોઈ પ્રસંગ એવા બને છે કે જ્યારે માનવ ભૂતકાળની યાદમાં ડૂબી જાય છે. કોલેજમાં હતો ત્યારે કંડલા ઊતરતો ને લોંચ કે સ્ટીમરમાંથી ઊતરી એક નાની નેરોગેજ રેલવેમાં બેસતો. ત્યારે ત્યાં પતરાંનાં છાપરાંનાં થોડાં ઘરો હતાં, પરબમાં પાણી પાનારી એક ડોશી હતી, એ સિવાય મુસાફર માટે કોઈ સુવિધા નહોતી. એક નાનો ક્યાંક તૂટેલો ફુડદો હતો. ચડતાં - ઊતરતાં ક્યારેક અકસ્માત થતા. પેસેન્જરો લોંચમાંથી આવે કે બેસે તે સમય બાદ આખો દિવસ અહીં સ્મશાનવત્ શાંતિ હતી. આજે મહાબંદર બ્રોડગેજથી જોડાયું છે. લિફ્ટવાળાં આલીશાન મકાનો, વિશાળ કારગો જેટી, માલ ચડઉતાર કરતી રશિયા - અમેરિકાની પ્રચંડ સ્ટીમરો જોવા મળે છે. જ્યાં વર્ષો પહેલાં ફાનસના ઝાંખા દીવા હતા, ત્યાં રોશનીનો ઝળહળાટ છે. આ બધું કેમ થયું ? કોને પહેલો વિચાર આવ્યો ? બીજ ક્યારે રોપાયું? કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજથી સવા સદી પહેલાં સને 1851માં રોયલ નેવીએ કંડલાનો પહેલો દરિયાઈ સરવે કરેલો. કંડલા ભવિષ્યમાં સારું બંદર થઈ શકે તેવા અભ્યાસી વિચારનું બીજ રોપનારા એક અંગ્રેજ કેપ્ટન બેરી હતા. 1921 - 22માં તેમણે વિગતવાર સરવે કર્યો. મહારાઓ ખેંગારજીને પણ યશ છે કે 1930માં તેમણે કંડલાને બંદર તરીકે ખીલવવા પસંદગી આપી. 1946માં પોર્ટ ટેકનિકલ કમિટીએ અભિપ્રાય આપ્યો કે મુંબઈ અને કરાચી વચ્ચે કચ્છના અખાતમાં એક બંદર જરૂરી છે અને તે માટે કંડલા જ યોગ્ય રથળ છે. પછી તો દેશના ભાગલા પડયા. કરાચી પાકિસ્તાનમાં જતાં ભારતના પશ્ચિમ કિનારે મહાબંદરની આવશ્યકતાને વેગ મળ્યો. આ અરસામાં જામનગરના જામસાહેબે કંડલા સામે જામનગર પાસે સિક્કા બંદરનો કેસ રજૂ કરી કંડલા કરતાં સિક્કા વધારે યોગ્ય છે તેમ જણાવી જોરદાર રજૂઆત કરી. કેન્દ્ર સરકારે અમદાવાદના પ્રતિભાશીલ ઉદ્યોગપતિ સ્વ. કસ્તૂરભાઈ લાલભાઈનાં અધ્યક્ષપદે વેસ્ટ કોસ્ટ મેજર પોર્ટ ડેવલપમેન્ટ કમિટી રચી. કંડલાને આખરી પસંદગીની ભલામણ કરતો આ રિપોર્ટ 1948ના અધવચમાં ભારત સરકાર સમક્ષ રજૂ થયો. પસંદગી કોના ઉપર ઊતરશે, કંડલા કે સિક્કા, એ પ્રશ્ન હતો. આ પ્રસંગ અંગે એક વજૂદવાળી વાત મેં સાંભળી છે, તે મારા કાનમાં ગૂંજે છે તેનો ઉલ્લેખ કરું. કંડલા માટે અથાગ શ્રમ લેનારા પહેલા ડેવલપમેન્ટ કમિશનર કે. કે. મીત્તરે કચ્છના એક સ્વ. અગ્રણીને કરેલી આ વાત છે. મીત્તરે કહ્યું, `વેસ્ટ કોસ્ટ સમિતિના રિપોર્ટ ઉપરથી મહાબંદર કંડલા કે સિક્કા એ બેમાંથી કયું પસંદ કરવું તેને આખરી નિર્ણય સરદાર વલ્લભભાઈ પટેલ પર છોડાયો. દિલ્હીમાં અમને બોલાવવામાં આવ્યા સરદારને બંગલે. મારાં મનમાં શંકા કે આ ધોતિયાંવાળા આવી ટેકનિકલ બાબત અંગે ઊંડા ઊતરી કેમ શકે ?' સરદાર પાસે સિક્કાની પસંદગી માટે જામસાહેબના નિષ્ણાત પ્રતિનિધિએ કેસ મૂક્યો. સરદારે પાંચ મિનિટ સાંભળ્યા. પાંચ મિનિટે પેલાને અટકાવીને સરદારે પૂછયું, `કંડલા માટે કોણ છે ?' મીત્તરે કહ્યું કે, `િનષ્ણાત તરીકે મેં કંડલાનો કેસ રજૂ કર્યો. હું ચાર મિનિટ બોલ્યો ને સરદારે ગૂઢ શાંતિ પછી મને એક પ્રશ્ન પૂછયો, એ પ્રશ્ન  કેટલો વેધક ! ત્રણ મહિનાથી મેં એક એન્જિનીયર વડા તરીકે અભ્યાસ કરેલો, પણ આ પ્રશ્ન કોઈને સૂઝી શકે તે મને કલ્પના નહીં. મેં જવાબ આપવો શરૂ કર્યો, બે મિનિટ મને સાંભળ્યો ને સરદારે કહ્યું, `સીટ ડાઉન.' આ પછી સરદારે પોતાના રૂમમાં બે આંટા માર્યા ને પછી એક વાક્ય બોલ્યા, `કંડલા ઈઝ સિલેક્ટેડ.' (કંડલા પસંદ કરું છું.) પછી તરત તેઓ ચાલ્યા ગયા. અમે સહુ સ્તબ્ધ બની ગયા. તેર કરોડ રૂપિયાનાં મહાબંદરની આ અટપટી દરખાસ્તનો નિકાલ ફક્ત દસ મિનિટમાં જ થયો. સરદાર પટેલને પગે પડવાનું મન થયું. એમની વિરાટ પ્રતિભા વધારે સમજાઇ.' કંડલા મહાબંદર તરીકે સુવર્ણાક્ષરે નોંધાય તેવા નિર્ણયની જાહેરાત 8 એપ્રિલ, 1955ના તે વખતના ટ્રાન્સપોર્ટ પ્રધાન સ્વ. લાલબહાદુર શાત્રીએ કરી. પંડિત નેહરુ પણ કંડલાને ભૂલ્યા નહીં. `' વર્ગનું રાજ્ય 1956ના ઓક્ટોબરના અંતમાં પૂરું થયું તે પહેલાં 18 ઓગસ્ટ, 1956ના કંડલાની પ્રગતિ જોવા આવ્યા હતા. આ સહુ પુનિત પ્રતિભાશીલ વ્યક્તિઓને કચ્છ સ્મરે છે.' (`શ્રુતિ અને સ્મૃતિ'ની પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ - 1980માં પ્રસિદ્ધ થઇ હતી.) 

Panchang

dd