હાલમાં
જ દક્ષિણ આસામની બારાક ખીણના શ્રીભૂમિ જિલ્લાના કોંગ્રેસ સેવા દળના એક કાર્યકર્તા બિધુ
ભૂષણ દાસે એક બેઠકમાં કથિતપણે પાડોશી દેશ બાંગલાદેશનું રાષ્ટ્રગાન આમાર સોનાર બાંગલા, આમી તોમાય ભાલોબાસી ગાઈ વિવાદનો
મધપૂડો છંછેડયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે વિરોધ કરતાં આખો મામલો ગરમાયો છે.
રાષ્ટ્રગીત વંદે માતરમ્ નહીં ગાઈએ એવું છાતી કાઢીને કહેનારાઓ પણ કોંગ્રેસી નેતાએ બાંગલાદેશનું
રાષ્ટ્રગાન ગાયું એમાં કશું જ અજુગતું નથી, એવી દલીલો કરે છે.
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, શ્રીભૂમિમાં કોંગ્રેસના નેતાએ
ગાયું એ પાડોશી દેશનું રાષ્ટ્રગાન નહોતું રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્ર સંગીત હતું.
1905માં બ્રિટિશરોએ બંગાળના ભાગલા પાડયા એ વખતે
રવીન્દ્રનાથ ટાગોરે આમાર સોનાર બાંગલા ગીત લખ્યું હતું, જે 1971માં પૂર્વ પાકિસ્તાન અલગ રાષ્ટ્ર બાંગલાદેશ
બન્યું ત્યારે તેનો સ્વીકાર રાષ્ટ્રગાન તરીકે કર્યો હતો. ગત સોમવારે આસામમાં કોંગ્રેસ
સેવા દળની બેઠકમાં આ ગીત ગવાયું એનો વિરોધ કરતાં ભાજપે ટીકા કરી છે કે, કોંગ્રેસમાં બધું જ વિચિત્ર
છે. ક્યાં અને ક્યારે શું ગાવું જોઈએ એનું પણ તેમના નેતાઓને ભાન નથી. કોંગ્રેસે દેખીતી
રીતે જ પોતાના નેતાનો બચાવ કરતા કહ્યું છે કે, ભાજપ દ્વારા થઈ
રહેલી ટીકા રાજકારણથી પ્રેરિત છે અને તેમનો આશય તોડીમરોડીને માત્ર વિવાદ ઊભો કરવાનો
છે. તો, કેટલાક લોકોની દલીલ છે કે, વહીવટી
સહુલિયતનું કારણ આગળ કરી બ્રિટિશરોએ 1905માં બંગાળના ભાગલા કર્યા એનો વિરોધ કરવા ટાગોરે આ ગીત લખ્યું હતું. બંગાળના
ભાગલાના વિરોધમાં ફાટી નીકળેલા લોકજુવાળને પગલે બ્રિટિશરોને આ નિર્ણય પાછો ખેંચવાની
ફરજ પડી હતી. આ ગીત લખાયું એના સાડા છ દાયકા બાદ બાંગલાદેશની સ્થાપના થઈ ત્યારે આ ગીતને
રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું. આ ગીતમાં ટાગોરે બંગાળના પ્રાકૃતિક સૌંદર્યના
વખાણ કર્યાં છે અને આ ભૂમિ સાથે બંગાળીઓ જે ઊંડાણભરી લાગણી ધરાવે છે, એના વિશેનો ઉલ્લેખ આવે છે.
પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશ બંને જગ્યાએ આ ગીત એટલા જ પ્રેમથી ગવાય છે, આથી કોંગ્રેસના નેતાએ આ ગીત ગાયું એમાં હોબાળો મચાવવા જેવું શું છે?
આ લોકો એ ભૂલી જાય છે કે, કોંગ્રેસના નેતાઓએ વંદે
માતરમ્ રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત નથી, એવો અભિગમ લીધો હતો. યાદ
રહે, દેશની સ્વતંત્રતા ચળવળ વખતે વંદે માતરમ્ના નારાએ દેશને એક
કરવાનું કામ કર્યું હતું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 1875માં આવેલી નવલકથા આનંદમઠમાંના વંદે માતરમ્ મૂળ
ગીતમાં પાંચ કડીઓ હતી,
પણ કોંગ્રેસે પહેલી બે કડી જ સ્વીકારી. માતૃભૂમિને વંદન કરવાની ભાવના
વ્યક્ત કરતા આ ગીતથી ધાર્મિક લાગણી દુભાતી હોય તો એનું સમર્થન કરનાર કોંગ્રેસને અન્ય
દેશના રાષ્ટ્રગાન માટે એકાએક પ્રેમ ઊમટે એ વિચિત્ર જ કહી શકાય, ખાસ કરીને આસામ જેવા સીમાવર્તી રાજ્યમાં જ્યાં બાંગલાદેશમાંથી બેફામ ઘૂસણખોરી
થાય છે.