ભુજ, તા. 2 : થોડા દિવસ પૂર્વે ખાવડા પંથકમાં
રણ સીમાડે બે યુવાનને બંધક બનાવી ઝાડમાં બાંધીને મૂંડન કરી અર્ધ મૂછો કાપી, નગ્ન કરી મળ માર્ગે મરચાંની ભૂકી નાખી અમાનુષી
અત્યાચાર ગુજારી આ અંગેના વીડિયો બનાવી અને આ વીડિયો વાયરલ થતાં ચકચાર પ્રસરતાં અંતે
આ બનાવ અંગે આજે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ચકચારી બનાવ અંગે આજે ખાવડા પોલીસ મથકે
ફજલવાંઢના નાના દિનારાના પરિણીત અને ત્રણ સંતાનના પિતા હકીમ લતીફ સમાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ ગત તા. 31/10ના બપોરે
તે તથા તેના માસીયાઈ ભાઈ સાધક સુલેમાન સમા ગાયને ગોતવા માટે ધોરાવરની સીમમાં ગયા હતા, જ્યાં ધોરાવરના નૂરમામદ જુણસ સમા, હનીફ જાકબ સમા, રફીક સિધિક સમાએ અમારી સાથે ઝઘડો કરી
ધમકાવ્યા અને કહ્યું કે, તમે અમારા ગામની સીમમાં ગાય ગોતવા નહીં
પણ બાઈઓની છેડતી કરવા માટે આવ્યા છો. આ બાદ
માર મારી દોરડાં વડે લીમડાના ઝાડ સાથે બાંધી દીધા હતા. એટલામાં ગામના ભીલાલ સુલેમાન
સમા તથા ગામના બીજા ઘણા માણસો આવી ગયા હતા અને મારવા લાગ્યા હતા. આ બાદ નૂરમામદે ફરિયાદી
તથા સાધકના માથામાંથી બ્લેડ વડે અડધા ભાગમાંથી વાળ કાપી અને અડધી મૂછો કાપી હતી. હનીફ
અને રફીકે ફરિયાદી તથા સાધકને નગ્ન કરી મળ માર્ગે મરચાંની ભૂકી નાખી અમાનુષી અત્યાચાર
ગુજાર્યો હતો અને આ અત્યાચારના વીડિયો ઉતાર્યા હતા. આ બાદ 10-15ના ટોળાંએ માર મારી ગાળા-ગાળી
કરી હતી. આ બાદ આરોપીઓએ ઉતારેલા બિભત્સ-નગ્ન હાલતવાળા વીડિયો અલગ-અલગ વોટ્સએપ ગ્રુપમાં
વાયરલ કર્યા હતા. ગામના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ફરિયાદ કરવાનું જણાવતાં
આજે ફરિયાદ કરવા આવ્યાનું ફરિયાદી હકીમે ફરિયાદમાં લખાવ્યું હતું. ખાવડા પોલીસે મારામારી
તેમજ આઈટી એક્ટ સહિતની વિવિધ કલમો તળે ચાર આરોપી નૂરમામદ, હનીફ, રફીક અને ભીલાલ
સામે નામજોગ તેમજ અન્ય તપાસમાં જે નીકળે તે તમામ ઈસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ
ધરી છે.