કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : દેવાધિદેવ મહાદેવ અજન્મા
છે... પ્રાગટય થયું છે અને પાછા મહાકાલ... જન્મ જ નથી થયો તો મૃત્યુ હોય જ નહીં. શિવ
એટલે મહાશક્તિના સ્વામી. શાત્રો-પુરાણો કહે છે કે,
શિવ પાસે સંપૂર્ણ બ્રહ્માંડની રચના, પાલનપોષણ અને
વિનાશ કરવાની શક્તિ છે. એટલે જ બધા જ દેવતાઓમાં તેઓ સર્વોચ્ચ છે. આવી ઇશ્વરીય શક્તિ
ભારતના પશ્ચિમ છેવાડે અરબી સમુદ્રના કાંઠે બિરાજમાન છે. એક સમયનું બંદર કોટેશ્વર કોરીક્રીકના
મુખ પર હોવાના લીધે વિશિષ્ટ ભૌગોલિક મહત્ત્વ ધરાવે છે. અરબસાગર પરથી વાતા પવનમાં લહેરાતી
વિશાળ ધજા ભવ્ય ભૂતકાળ અનેક ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી છે. આજે મહાશિવરાત્રિએ આ તીર્થભૂમિનું
થોડું મહિમાગાન કરીએ. કોટેશ્વર સ્થાનકે વિભૂતિ-મહામાનવ, મહાનુભાવો
દર્શનાર્થે આવી ગયા છે. કચ્છનું સંસ્કૃતિ દર્શનમાં રામસિંહજી રાઠોડે નોંધ્યું છે કે,
ચીની પ્રવાસી હ્યુએનત્સંગે તેમની પ્રવાસપોથીમાં કોરીનાળને કાંઠે કોટેશ્વર
બંદરનો નિર્દેશ કરેલો છે. `િસંધુના મુખ પાસે મહાર્ણવને કાંઠે, આશરે પાંચ માઇલના ઘેરાવામાં આવેલું', ઉપરાંત પાંચ હજાર સાધુઓના એંસી મઠો
હોવાનું લખે છે. આ વસાહતના મધ્ય ભાગે શિલ્પસમૃદ્ધ મહેશ મંદિર અને બીજાં બાર દેવાલયો
હોવાનો નિર્દેશ છે અને કહે છે કે, ભભૂતી ચોળી રહેતા શૈવમાર્ગીઓ
પૂજન-અર્ચન કરતા. આ પ્રાચીન ઉલ્લેખ રોમાંચક છે. એક માન્યતા એવી પણ છે કે, પાંચ હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને તેમના ભકત પાંડવો પણ આ ભૂમિને પાવન કરી
ગયા છે. ગુજરાતના આધ્યાત્મ ગૌરવ સોમનાથનો ઇતિહાસ ભવ્ય છે. ગુજરાતના સ્વાભિમાન,
શૌર્ય અને ગૌરવનાં પ્રતીકરૂપ ધજા સોમનાથ મંદિર પર ફરફરી રહી છે. કોટેશ્વરનો
મહિમાએ અદકેરો છે. પ્રભાસ પાટણ અને સોમનાથે આક્રાંતાઓના આક્રમણ સહ્યાં છે. સમયાંતરે
કોટેશ્વરનોયે જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. સંજય ઠાકરે એક લેખમાં ટાંક્યું છે કે,
14મી સદીના સંક્રાંતિકાળમાં અલાઉદ્દીન ખીલજીએ
કોટેશ્વરના શિવલિંગને ખંડિત કર્યું હતું. 1819ના ધરતીકંપ વખતે આ મંદિર ખંડિત થયું હતું. તે સમયે કચ્છના મુત્સદ્દી
સપૂત સુંદરજી સોદાગર અને જેઠા શિવજીએ મહારાવ દેશળજીના સમયમાં બીડું ઝડપ્યું અને સને
1821માં અહીં નવેસરથી ભવ્ય શિવમંદિરનું
નવનિર્માણ થયું. અન્ય એક પ્રચલિત લોકકથા એવી છે કે,
સિંધથી આવેલા રા'લાખા ધુરારા જેવા પરાક્રમી પતિને
પામવા ગૌડરાણી ચંદ્રકૌરે પ્રતિજ્ઞા પૂરી થતાં કોટેશ્વરમાં નીલકંઠનું મંદિર ચણાવ્યું
હતું. 18મી સદીના પૂર્વાર્ધમાં રાવ દેશળજી મોટાના
રાણી મહાકુંવરબાએ નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કોટેશ્વરનું ધાર્મિક-આધ્યાત્મિક
મહત્ત્વ હોવાની સાથે પ્રવાસનની દૃષ્ટિએ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાત
સરકારના યાત્રાધામ બોર્ડે કોટેશ્વર પરિસરનો વિકાસ કર્યો છે. થોડી ઊંચાઇ પર ઊભેલાં મંદિરના
દર્શન ભૂમિ કે સમુદ્ર માર્ગે આઠ-દસ કિલોમીટર દૂરથી થાય છે. કોટેશ્વરની એક બીજી વિશિષ્ટતા
એ છે કે, સીમા સુરક્ષાની દૃષ્ટિએ તે અતિ સંવેદનશીલ અને
મહત્ત્વનું સ્થાન છે. મંદિરની સમીપે સીમા સુરક્ષા દળની સાગરપાંખનું થાણું છે. ફ્લોટિંગ
બીઓપી-તરતી ચોકી સમુદ્રમાં મૂકવામાં આવી છે. કોટેશ્વરની બરોબર સામે કિનારે પાકિસ્તાનનું કરાચી બંદર આવેલું
હોવાથી તે દેશની સુરક્ષાની દૃષ્ટિએ પણ વ્યૂહાત્મક ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અહીં કર્કવૃત્ત
પસાર થાય છે અને ભારતભરનો છેલ્લો સૂર્યાસ્ત
કોટેશ્વર ખાતે જ થાય છે તે તેની વિશેષતા છે. નારાયણ સરોવર અને કોટેશ્વર એકસાથે જોડાયેલાં
ધામો છે. ના. સરોવરથી બે કિલોમીટરનું અંતર. હવે કચ્છમાં પ્રવાસન ફુલ્યુંફાલ્યું હોવાથી
વર્ષે હજારો પ્રવાસીઓનું આવાગમન થતું રહ્યું છે. મહાપ્રભુજીની બેઠક, ત્રિવિક્રમરાય મંદિર સંકુલ, પવિત્ર સરોવર ઉપરાંત નવનિર્મિત
દરિયાલાલ મંદિર પરિસર, ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. ભુજ સ્વામિનારાયણ
મંદિર તરફથી નારાયણ સરોવર પાસે જ ઉતારાની અદ્યતન અને વિશાળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી
છે.