• શનિવાર, 04 એપ્રિલ, 2026

દિલ્હી સહિત ઉ. ભારત ભૂકંપથી ધ્રૂજ્યું

નવી દિલ્હી, તા. 3 : દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શુક્રવારે રાત્રે 9.42 વાગ્યે ભૂકંપથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. દિલ્હી-એનસીઆર, ચંડીગઢ તેમજ જમ્મુ કાશ્મીરના ઘણા હિસ્સામાં પણ જમીન ધ્રુજી ઊઠતાં લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. અલબત્ત, જાનમાલનાં નુકસાનના પ્રાથમિક અહેવાલ નથી. ભૂકંપ અફઘાનિસ્તાન - તાજિકિસ્તાન બોર્ડર ક્ષેત્રમાં હિન્દુકુશ પર્વત પાસે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.9ની માપવામાં આવી હતી. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પંજાબ અને પેશાવર સહિત ઘણા વિસ્તારમાં પણ ધરતીકંપનો અનુભવ થયો હતો. દિલ્હીમાં બહુમાળી ઇમારતોમાં જોરદાર ઝટકા અનુભવાયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ભૂકંપને લીધે પંખો અને ફર્નિચર હાલક-ડોલક થતાં દેખાયા હતા. એનસીઆર, ચંડીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ડરના માર્યા પોતાનાં ઘર છોડીના ભાગી ગયા હતા. પંજાબ, ચંડીગઢ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઇ નુકસાન થયું નથી.જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં આશરે 10થી 15 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. ગભરાયેલા લોકો પોતાનાં ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. અહેવાલો અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 71.01 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 36.52 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર હતું, જ્યારે તેની ઊંડાઇ 175 કિલોમીટર નોંધાઇ હતી. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમોં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. અગાઉ, તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 8.12 વાગ્યે, તિબેટમાં ધરતી ધ્રુજી ઊઠી હતી, જેની તીવ્રતા 3.2 હતી. 

Panchang

dd