• મંગળવાર, 31 માર્ચ, 2026

કેન્સરને નાથવા પહેલું સુખ...

આધુનિક ભારતમાં લોકોની બદલાતી જતી જીવનશૈલી અને ખાદ્યપદાર્થોમાં રાસાયણિક  તત્ત્વોના બેલગામ ઉપયોગે કેન્સર જેવી બીમારીઓનાં પ્રમાણને ચિંતાજનક રીતે વધાર્યું છે. સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે, આધુનિક ચિકિત્સા વ્યવસ્થાના સમયમાં કેન્સરનો આ વધારો નાથી શકાતો નથી. છેલ્લા થોડા દિવસ અગાઉ રાજ્યસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડા મુજબ હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને હિમાચલ સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન કેન્સરથી થતાં મૃત્યુમાં સતત વધારો થયો છે. એક અનુમાન મુજબ આ વિસ્તારોમાં કેન્સરના લગભગ ચાર લાખથી વધુ દર્દી છે. રાષ્ટ્રીય કેન્સર નોંધણી કાર્યક્રમના આંકડા મુજબ ચંદીગઢમાં રોજના સરેરાશ બે જણ કેન્સરને લીધે મૃત્યુ પામે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન બે લાખ 4પ હજાર લોકોનો કેન્સરે ભોગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, દેશમાં દર વર્ષે કેન્સરના લગભગ 1પ લાખ નવા કેસ નોંધાય છે. આગામી 20 વર્ષમાં આ સંખ્યા 2પ લાખને આંબી જાય એવી ભીતિ છે. એક તરફ સરકાર કેન્સરની સારવાર માટેની ખાસ હોસ્પિટલો ખોલી રહી છે અને દવાઓને સોંઘી બનાવી રહી છે, પણ કેન્સરને રોકવા માટે આ ઉપાય પૂરતો નથી. દર્દીઓને સરળ અને સસ્તો ઉપચાર અનિવાર્ય છે, તે જ રીતે નાગરિકોને તેમના આરોગ્ય તરફ વધુ જાગૃત રાખવાની પણ એટલી જ જરૂરત છે, જો કેન્સરનું પ્રથમ સ્ટેજમાં નિદાન થઈ જાય, તો તેની સારવાર સરળતા સાથે આપી શકાય અને દર્દને જીવલેણ બનતું રોકી શકાય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આધુનિક સમયમાં ઉપજ વધારવા કૃષિ ક્ષેત્રમાં રાસાયણિક ખાતરો અને જોખમી રસાયણોનો ઉપયોગ બેફામ બન્યે છે. આવા રસાયણના માપસરના ઉપયોગની અનિવાર્યતા હવે વિસરાઈ ગઈ છે. પરિણામે ખેતપેદાશોમાં જીવલેણ રસાયણોનું પ્રમાણ વધી રહ્યંy છે. સરવાળે તેને આરોગતા લોકો કેન્સર જેવા જોખમી રોગોનો ભોગ બની રહ્યા છે. આ બાબત સૌ કોઈ જાણતા હોવા છતાં સરકારના જવાબદાર તંત્રો દ્વારા કૃષિ ક્ષેત્રને વધુ સાવચેત રહેવાનું ગળે ઉતારવા તરફ પણ ભાગ્યે જ કોઈ ધ્યાન અપાય છે. ખરેખર આ માટે યોગ્ય નિયમન વ્યવસ્થા ઊભી કરીને તેનો કડક અમલ થાય તો કેનસરને નાથવામાં ખરા અથમાં સફળતા મળી શકે. મહાનગરોમાં જંકફૂડનાં વધી રહેલાં ચલણની સામે પણ લોકોને જાગૃત કરવા તરફ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સતત ધ્યાન આપવાની જરૂરત છે. લોકો પહેલું સુખ જાતે નર્યાના સૂત્રને સમજીને અનુસરે તો જ કેન્સર અને અન્ય જોખમી બીમારીઓને નાથી શકાય.

Panchang

dd