અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતના
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 14મી એપ્રિલના ગુજરાતના મહેમાન બનશે. છેલ્લા
છ મહિનાની અંદર તેઓ બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ 13મી એપ્રિલે રાત્રે ગાંધીનગર ખાતે આવી પહોંચશે
અને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. રાષ્ટ્રપતિ 14મી એપ્રિલે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતીએ રાજભવનમાં યોજાનારા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત
રહેશે, તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જો કે રાષ્ટ્રપતિ
દ્રોપદી મુર્મૂના ગુજરાત પ્રવાસની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર થઇ નથી. મહત્વનું છે કે, તાજેતરમાં
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના 25 જિલ્લાઓનો પ્રાવાસ કર્યો હતો અને પ્રાકૃતિક ખેતી સહિતનો પ્રચાર
કર્યો હતો. રાજ્યપાલે અનુસૂચિત જાતિના લોકો સાથે મુલાકાત પણ કરી હતી. બિનસત્તાવાર માહિતી
મુજબ રાજભવન ખાતે રાજ્યના અનુસૂચિત જાતિના લોકોનું 14મી એપ્રિલે ડા.બાબા સાહેબ આંબેડકર જ્યંતીએ રાષ્ટ્રપતિના હાથે
સન્માન કરવામાં આવી શકે છે.