• શનિવાર, 04 એપ્રિલ, 2026

અંજાર બાયપાસ થતાં કોટડા (ચ)-કુકમા ચોકડી જોખમી

કોટડા (ચ), તા. 3 : ભુજ-અંજાર બાયપાસ હાઈવેનાં નિર્માણ બાદ કોટડા (ચ), ચકાર અને કુકમા ચોકડી આજે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની રહી છે. અહીં ત્રણ માર્ગ એકસાથે મળતા હોવા છતાં કોઈ પણ પ્રકારના સ્પીડ બ્રેકર, ટ્રાફિક સિગ્નલ અથવા ચેતવણી સૂચક બોર્ડની સુવિધા ઉપલબ્ધ નથી, જેનાં કારણે અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભુજ-અંજાર બાયપાસ હાઈવે શરૂ થયા બાદ અહીં વાહનોની અવરજવર દિવસે ને દિવસે વધી રહી છે. ખાસ કરીને, ભારે વાહનોટ્રકો તેમજ ખાનગી મોટાં વાહનો ઝડપથી પસાર થતા હોવાથી નાનાં ટુ-વ્હીલરચાલકો અને રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવો મુશ્કેલ બની રહ્યો છે. અનેક વખત વાહનો અચાનક સામસામે આવી જતા અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે, જેનાં કારણે લોકોમાં ચિંતા વ્યાપી રહી છે. કોટડા (ચ) અને કુકમા ચોકડી ત્રણ તાલુકાના અંદાજે પચાસથી વધુ ગામોને જોડતી મહત્ત્વપૂર્ણ ચોકડી છે. આ માર્ગ દ્વારા રોજબરોજ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો ભુજ અને અંજાર તરફ આવનજાવન કરે છે. ઉપરાંત વેપાર-ધંધા તેમજ શૈક્ષણિક કામો માટે પણ આ માર્ગ મહત્ત્વપૂર્ણ હોવાથી 24 કલાક વાહનોની અવરજવર ચાલુ રહે છે.  નાગરિકોએ જણાવ્યું હતું કે, આ ચોકડી પર સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ, ચેતવણી બોર્ડ અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. રાત્રિના સમયે પ્રકાશની અછતને કારણે અકસ્માતની શક્યતાઓ વધુ વધી જાય છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, વડીલો અને ગ્રામ્ય વિસ્તારનાં લોકો માટે રોડ પાર કરવો અત્યંત જોખમી બની રહ્યો છે.  વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, કોટડા (ચ) અને કુકમા ચોકડી ખાતે તાત્કાલિક સ્પીડ બ્રેકર, ટ્રાફિક ચિહ્નો, ચેતવણી બોર્ડ તેમજ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઊભી કરવામાં આવે. સાથે સાથે ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવાય તો અકસ્માતની સંભાવનાઓમાં ઘટાડો થઈ શકે. હાઈવે પરની નાની-મોટી સમસ્યાઓને તંત્ર ગંભીરતાથી લઈને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે, તેવી લોક માંગ ઊઠી રહી છે, તેવું ભાજપ લઘુમતી મોરચાનાં કુકમાના પ્રમુખ  સતારભાઈ મિયાજીએ જણાવ્યું હતું. 

Panchang

dd