ગાંધીધામ, તા. 3 : અંજાર તાલુકાનાં વરસામેડીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ સામજી મગા મ્યાત્રા (ઉં.વ.22)એ આયખું ટૂંકાવ્યું હતું, ભચાઉ તાલુકામાં લુણવા કેનાલમાં ડૂબી જવાથી ઝવેરબેન મનુભાઈ કોળી (ઉં.વ 28)નું મૃત્યુ થયું હતું, તો રાપર તાલુકાનાં બામણસરમાં મામદ મયનુદ્દીન અબ્દુલ કલામ (ઉં.વ.29)એ કોઈ કારણે ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભરત બાબુભાઈ ડાંગર (આહીર) (ઉં.વ.30)નું મૃત્યુ થયુ હતું. વરસામેડીમાં સામજી નામના યુવાને ગત તા. 27/3ના 3:45 વાગ્યાના અરસામાં પોતાનાં ઘરે કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેમને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે ભુજ લઈ જવાયો હતો. અહીં તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. પોલીસે અકસ્માત નોંધના આધારે બનાવ પાછળનુ કારણ જાણવા માટે વધુ તપાસ આરંભી છે. અંજાર તાલુકાના ભીમાસરમાં ગોપાલનગર વાડીમાં રહેતી યુવતી ગઈકાલે બપોરે 2 વાગ્યાના અરસામાં કોઈ પ્રકારે લુણવા કેનાલમાં પડી હતી અને જોત-જોતામાં આ યુવતી પાણીમાં ઘરકાવ થઈ હતી તેમને ભચાઉ સરકારી દવાખાનામાં લવાતા ફરજ ઉપરના ડોક્ટર સુજય દત્તે તેમને મૃત જાહેર કરી હતી. આ બનાવને પગલે પરિવારમાં ગમગીની પ્રસરી હતી. પોલીસે આ અંગે વધુ છાનબીન આરંભી છે. અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ એકતા હોટેલ બામણસર પંચરની દુકાનમાં ગઈકાલે 6:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાધો હતો. બિહારના વતની એવા મૃતકે કયા કારણોસર આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા પોલીસે વિવિધ દિશામાં તપાસ આરંભી છે. માર્ગ અકસ્માતનો બનાવ એ.વી. જોષી પુલિયા પહેલાં કટ પાસે અને અંબિકા ટ્રાન્સપોર્ટનગર સામે ગત તા. 1/4ના 7.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. ટેઈલર નં. જીજે-12-બીઝેડ-7558 વાળાએ બેદરકારીપૂર્વક વાહન ચલાવી સર્વિસ રોડ ઉપરથી એકદમ નેશનલ હાઈવે ઉપર ચડાવી દેતાં નેશનલ હાઈવે બ્લોક થયો હતો, જેને કારણે અલ્ટો ગાડી નં. જીજે-12-સીપી-3219 આ વાહનમાં અથડાઈ હતી, જેથી ગાડીમાં બેઠલા ભરતભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ચાલુ સારવારે ગત તા. 2/3 ના રાત્રિના બે વાગ્યે તેમણે આંખો મીંચી લીધી હતી. મૃતકના ભાઈ ચેતનભાઈ બાબુભાઈ ડાંગરની ફરિયાદના આધારે પોલીસે આગામી તપાસ હાથ ધરી છે.