ગાંધીધામ, તા. 3 : અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનાં
યુદ્ધમાં મિડલ ઈસ્ટમાં ઘણા દેશોની સ્થિતિ અત્યંત ખરાબ થતી જાય છે, પરંતુ આ યુદ્ધની અસર હવે ભારતમાં પણ ઘણી વર્તાઈ
રહી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જલમાર્ગ
ઈરાને બંધ કર્યો હોવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના ફાયરનાં સાધનોના પંપ સહિતની મશીનરી
ફસાઈ છે, હજુ સુધી નવા ફાયરનાં સાધનો આવ્યાં નથી, તદુપરાંત આ યુદ્ધની અસર ગાંધીધામની બજારમાં પણ જોવા મળી છે. નવું ફર્નિચર,
ગાદલા સહિતની વસ્તુમાં ભાવ વધારો થયો છે. યુદ્ધની અસર ભારતીય બજાર ઉપર ગંભીર રીતે જોવા મળી
રહી છે. હોર્મુઝ જળમાર્ગ ઈરાને બંધ કર્યો હોવાથી જે વિદેશથી માલ આયાત કરવામાં આવતો
હતો, તે હાલના સમયે આવતો નથી. તેના કારણે જરૂરિયાતની ચીજવસ્તુઓ
ઉપર વ્યાપક ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ યુદ્ધની અસર ગાંધીધામના 20 કરોડનાં ખર્ચે બની રહેલાં ફાયર
સ્ટેશન ઉપર પડી છે. નવા ફાયર સ્ટેશનમાં વોટર
બ્રાઉઝર, એક મિની રેસ્ક્યુ, એક
ફોમ વ્હીકલ, એક ડી વોટરિંગ પંપ સહિતની જે મશીનરી છે તેના પંપ
ઈટાલીથી આવે છે. જળમાર્ગ બંધ હોવાથી આ ફાયરનાં
સાધનો ફસાયાં છે. પંપ સહિતની મશીનરી ભારત આવ્યા પછી અહીં સ્થાનિકેથી ફાયરની ગાડીઓ તૈયાર
કરવામાં આવે છે, પરંતુ યુદ્ધના કારણે પંપ સહિતની મશીનરી વિદેશથી
આવી નથી અને જે એજન્સી પાસેથી આ સાધનો આવવાના છે તેમણે જર્મનીથી મગાવ્યા હોવાનું સામે
આવી રહ્યું છે. આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈનો સંપર્ક સાધતા તેમણે જ્યાંથી
આ ફાયરનાં સાધનો આવવાના છે, તેનો પંપ સહિતનો સામાન વિદેશથી આવે
છે અને યુદ્ધની અસરના કારણે થોડું મોડું થયું છે, પરંતુ દોઢ મહિના
દરમિયાન લગભગ સાધનો આવી જશે તેમ જણાવ્યું હતું. - મિની ફાયર
ટેન્ડર સહિતનાં સાધનો આવ્યાં : આધુનિક સુવિધાઓ સાથેનાં ફાયર સ્ટેશનનું
નિર્માણ થઈ રહ્યું છે, નવા સાધનો
મગાવવામાં આવ્યાં છે, જે યુદ્ધનાં કારણે ફસાયાં છે, પરંતુ ઘણા સાધનો આવી ગયાં છે તેમાં એક મિની ફાયર ટેન્ડર, કોનવે વ્હીકલ, રેસ્ક્યુ બોટ, બોલેરો
અને ત્રણ ટ્રેક્ટર લોડર સહિતનાં સાધનો આવ્યાં છે. આગામી સમયમાં અન્ય સાધનો પણ આવવાના
છે તેમ તંત્રએ જણાવ્યું હતું.