હજી થોડા સમય અગાઉ કેન્દ્રના નાગરિક ઉડ્ડયન વિભાગે હવાઈ પ્રવાસીઓ
માટે ટિકિટને રદ કરવાના નિમયો સરળ બનાવી રાહતરૂપ પગલું અમલી બનાવ્યું છે, પણ
ભારતીય રેલવેએ તેના કરોડો મુસાફરોની યાત્રાને રદ કરવાના નિયમને વધુ કડક બનાવીને સૌ
કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રેલવેએ તેની
ટિકિટ રદ કરવાની અંતિમ સમયમર્યાદા ચાર કલાકથી બદલીને આઠ કલાક કરી નાખી છે. સ્પષ્ટ છે કે, હવે ઉતારુઓને
તેમની ટિકિટના રિફન્ડને મેળવવા ચારને બદલે આઠ કલાક અગાઉ તેને રદ કરાવવી પડશે. થોડા મહિના અગાઉ રેલવેએ તેની લાંબા અંતરની ટ્રેનોનાં
ભાડાં વધાર્યાં હતાં. તે સમયે સેવાઓમાં વધારો થશે એવી આશા જાગી હતી, પણ સેવા સુધરવાનું તો દૂર રેલવેએ હવે ટિકિટ રદ કરવાના નિયમોને વધુ કડક બનાવીને
ઉતારુઓની સમસ્યામાં વધારો કર્યો છે. સરકાર જો કે, આ પગલાંને યોગ્ય
ઠેરવતાં એવો દાવો કરે છે કે, ટિકિટ રદ કરવાના નવાં ધોરણથી વેઈટિંગમાં
રહેલા ઉતારુઓને સીટ મેળવવામાં વધુ સરળતા થશે અને કાળાબજારિયાઓને રોકી શકાશે,
પણ સવાલ એ છે કે, કાળાબજારિયાઓને રોકવા માટે ઉતારુઓ
પર વધુ આર્થિક બોજો નાખવાનું કેટલી હદે યોગ્ય ગણાય ? સરકાર પાસે આ માટે કોઈ બીજો વિકલ્પ
હોવો જોઈએ. એમાં કોઈ શંકા નથી કે, લાંબા અંતરની ટ્રેનો દેશની જીવનરેખા ગણાય છે, પણ નિરાશાજનક
બાબત એ છે કે, ટ્રેનના સંચાલન અને સુવિધાઓના મામલે સાચા ઉતારુઓના
મતને ધ્યાને લેવાની કોઈ નક્કર વ્યવસ્થા નથી.
પરિણામે ઉતારુઓની હાલાકી સતત વધતી જાય છે. હાલમાં ટ્રેનોને સલામત અને સ્વચ્છ
રાખવાની સાથોસાથ કિફાયતી રાખવાની જરૂરતો સતત વધી રહી છે. આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ શોધવાની પરવા કર્યા વગર
ઉતારુઓ પર આર્થિક બોજો વધારવાનાં પગલાંને કોઈપણ હિસાબે યોગ્ય ગણી શકાય તેમ નથી. એમાં કોઈ સવાલ હોઈ શકે નહીં કે રેલવેને તેની આર્થિક
હાલત સુધરવા માટે પગલાં લેવાની જરૂરત છે, પણ તેનો અર્થ એ નથી
કે ઉતારુઓની સુવિધાઓ વધારવાનાં પગલાં લેવાને બદલે આવી રીતે આવક ઊભી કરવાનાં પગલાં લેવાતાં
રહે.