પશ્ચિમ એશિયામાં લડાઈ બંધ થાય કે નહીં - તેની અસરથી ભારતમાં
સામાન્ય જનતાની પરેશાની વધે નહીં તેની તકેદારી વડા પ્રધાન મોદી રાખી રહ્યા છે. વિશેષ
કરીને રાંધણગૅસ, અનાજ તથા કૃષિ પેદાશો અને
ખાતરના ભાવ વધે નહીં અને સંગ્રહખોરી તથા કાળાબજાર થાય નહીં તે માટે સતત નજર રાખવા કન્ટ્રોલરૂમ
શરૂ કરવાની સૂચના રાજ્ય સરકારોને આપવામાં આવી છે. લડાઈ શરૂ થઈ અને હોર્મુઝની ખાડી મારફત
પસાર થતાં માલવાહક જહાજો ઉપર પ્રતિબંધ - નિયંત્રણ મૂકવામાં આવ્યાં ત્યારે જ વડા પ્રધાને
સંસદમાં કહ્યું હતું કે વિકટ સમય લાંબો ચાલશે અને જનતાની પરેશાની વધે નહીં તે માટે
સરકાર જરૂરી પગલાં ભરી રહી છે. આ પછી પણ ઘણાં રાજ્યોમાં ગૅસનાં સિલિન્ડરની અછત,
ચોરી અને સંગ્રહખોરીના રિપોર્ટ આવવા લાગ્યા અને દેશના હિતશત્રુઓ અફવાઓ
ફેલાવવા લાગ્યા છે. આવી સમાજ વિરોધી પ્રવૃત્તિ અને પ્રચાર ડામવા માટે આવશ્યક ચીજવસ્તુ
ધારાનો અમલ લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સલામતી અંગેની વિશેષ સમિતિ નીમી
છે જેમાં સંબંધિત પ્રધાનો - ગૃહપ્રધાન, સંરક્ષણપ્રધાન,
વિદેશપ્રધાન તથા નાણાપ્રધાન ઉપરાંત કૃષિ અને ખાતર ઉત્પાદન ખાતાના પ્રધાનો
સમાવિષ્ટ છે. આ સમિતિની પ્રથમ બેઠક મળ્યા પછી વડા પ્રધાને બે સપ્તાહમાં બીજી વખત બેઠક
બોલાવીને સમીક્ષા કરી છે. અછત અને ભાવવધારાની અફવા પાછળ ચૂંટણીનું રાજકારણ છે તે સૌ
કોઈ જાણે છે. તેથી જ વડા પ્રધાને તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને અનુરોધ કર્યો છે કે
લડાઈના કારણે લોકોની પરેશાની વધે નહીં તે માટે એમણે સહકાર આપવો જોઈએ. હકીકતમાં લડાઈ
બંધ થાય અને હોર્મુઝ ખાડીમાં જળવ્યવહાર શરૂ થાય તો પણ ખાડીના દેશોમાં જે નુકસાન - ખાનાખરાબી
થઈ છે તેના કારણે આપણા પુરવઠા ઉપર વિપરીત અસર થઈ છે જે લાંબા સમય સુધી રહેશે. આ જોતાં
જનતાને અછત અને ભાવવધારા સામે રક્ષણ આપવા પગલાં લેવાઈ રહ્યાં છે. ગૅસનો પુરવઠો જાળવી
રાખવા માટે આપણે અન્ય ઘણાં દેશોનો સંપર્ક કરીને વધારાના પુરવઠાની વ્યવસ્થા કરી છે.
સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે રોજિંદી સ્થિતિનો તાગ મેળવવા માટે કન્ટ્રોલરૂમ
શરૂ કરવામાં આવ્યા છે. અનાજ ઉપરાંત કૃષિ ક્ષેત્રને ખાતરની તંગી નડે નહીં તેની પણ સાવધાની
છે. મોદી સરકાર તો સક્રિય છે અને પગલાં લઈ રહી છે પણ ચૂંટણીના રાજકારણમાં વિપક્ષો સહકાર
આપે છે ખરા? સંગ્રહખોરો પકડાય - તાત્કાલિક સજા થાય - જાહેર જનતાને
ખાતરી થાય કે અછત નથી અને કાળાબજારિયાઓને, અફવાખોરો વગેરેને સખત
સજા થાય તો જ સરકારનાં પગલાં સફળ થશે. સરકારને આ જંગ જીતવા માટે જનતાનો સહકાર અનિવાર્ય
છે.