વોશિંગ્ટન, તા. 3 : આર્ટેમિસ-2 મિશન હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.
અંતરિક્ષ તરફ છોડાયાના એક દિવસ બાદ આજે વહેલી સવારે 5.19 કલાકે ઓરિયન કેપ્સ્યૂલે થ્રસ્ટર્સ
ફાયર કર્યા હતા અને પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી હતી. હવે તે આવનારા ચાર દિવસ અંતરિક્ષમાં
પ્રવાસ કરશે અને ત્યાં પહોંચશે જ્યાં આજ સુધીમાં માત્ર 24 માનવ જ પહોંચી શક્યા છે. પૃથ્વીની
ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ ગતિ કરવા માટેના એન્જિન શરૂ કરવાની આ પ્રક્રિયાને `ટ્રાન્સલૂનાર ઈન્જેક્શન બર્ન' કહેવાય છે. તે આશરે છ મિનિટ ચાલી હતી તેણે યાનની
ગતિ વધારીને 22000 માઈલ પ્રતિ
કલાક એટલે કે આશરે 34 હજાર કિ.મી.
પ્રતિ કલાક કરી દીધી હતી. આર્ટેમિસ-2 હવે `ફ્રી-રિટર્ન
ટ્રેજેક્ટરી' પર છે એટલે કે આ યાન હવે
ન્યૂટનના ગતિના પહેલા નિયમ `જે વસ્તુ ચાલી રહી છે તે ચાલતી રહેશે'ની જેમ સમગ્ર પ્રવાસ દરમ્યાન એન્જિન માત્ર નાના-મોટા
સુધારા માટે જ ચાલુ કરવામાં આવશે. આ હિસ્સો બેહદ સંવેદનશીલ છે. માર્ગમાં જરા જેટલી
ચૂક યાનને ચંદ્રથી ટકરાવી શકે છે અથવા તેને અનંત અંતરીક્ષમાં ભટકાવી શકે છે.