`ભારત હવે નક્સલમુક્ત દેશ છે...' વાંચવું-સાંભળવું ગમે તેવું આ વિધાન છે. 1960ના દાયકાના ઉત્તરાર્ધથી દેશના
કેટલાક હિસ્સાને અને સરકાર-સેનાને જંપવા ન દેનાર આ પ્રવૃત્તિનો અંત આવ્યો હોવાનું કેન્દ્ર
સરકારે એલાન કર્યું છે. માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ
નાબૂદ થશે તેવો નિર્ધાર નરેન્દ્ર મોદી સરકારના ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો. સામાન્ય
રીતે કોઈ યુદ્ધ કે કોઈ શત્ર કાર્યવાહી શરૂ અને પૂર્ણ થવાની તારીખ હોય, દેશના ઈતિહાસમાં પ્રથમ વાર નક્સલવાદના ખાતમાની
અંતિમ તારીખ અપાઈ હતી. બે દિવસ પૂર્વે સંસદના લોકસભા ગૃહમાં ગૃહમંત્રીએ કહ્યું કે આપણે
હવે નક્સલમુક્ત છીએ. ઈન્દિરાજીએ 1971માં રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે ડાબેરી વિચારને પ્રોત્સાહન આપ્યું
તેને લીધે નક્સલવિચારને વેગ મળ્યો હોવાનો આક્ષેપ ગૃહમંત્રીએ ગૃહમાં પણ કર્યો. રાજકીય
ઇચ્છાશક્તિ હોય તો કશું અશક્ય નથી એનો આ સબળ પુરાવો છે. દેશના 12 રાજ્યો,126 જિલ્લા નક્સલવાદથી
ત્રસ્ત હતા અને આ ગાળો ટૂંકો નહોતો. સમય જતાં તો આ આગ પીપલ્સ વોર ગ્રુપના માધ્યમથી
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા,
ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ,
આંધ્ર, તેલંગણ સુધી ફેલાઈ ગઈ. આ વિસ્તારો રેડ કોરિડોર
બની ગયા. વર્ષો સુધી 12 કરોડથી વધારે
લોકોએ જીવન ગરીબીમાં કાઢ્યું , બન્ને
તરફ થઈને 20000 યુવાનો મૃત્યુ
પામ્યા તેના માટે જવાબદાર કોણ? તેવો
સવાલ ગૃહમંત્રીએ કોંગ્રેસના સદસ્યો બેઠા હતા તે તરફ જોઈને કર્યો. મોદી સરકારના 12 વર્ષ ભારત માટે શુભ છે તેવું
કહીને ગૃહમંત્રીએ કહ્યું કે હવે ડાબેરી ઉગ્રવાદ પણ ખતમ થવામાં છે. ભોળા આદિવાસીઓમાં
વૈચારિક ઝેર ફેલાવવાનું કામ આ લોકોએ કર્યું હતું. હવે જે હથિયાર ઉઠાવશે તે ગોળી ખાશે.
2014થી કેન્દ્ર સરકારે નક્સલવાદને
નિર્મૂળ કરવા રીતસર દંડો ઊગામ્યો, અમિત
શાહે તેની વિગતો પણ ગૃહમાં પેશ કરી. દંડકારણ્યમાં નકસલીઓનું મુખ્ય જૂથ સમાપ્ત થઈ ગયું.
ગૃહમંત્રીએ વિભિન્ન સુરક્ષાદળોનો પણ ઉલ્લેખ કર્યો. સ્વતંત્ર ભારત માટે આ ખરેખર એક મોટી
સિદ્ધિ છે. 1967માં બંગાળના
દાર્જિrિલંગ જિલ્લાના નક્સલવાડી ગામાં જમીનદારોની
દાદાગીરી અને દમનની સામે આદિવાસીઓ-ખેડૂતોએ વિદ્રોહ કર્યો અને તે વિચાર આખા પશ્ચિમ બંગાળમાં
ફેલાયો. નકસલવાદ કે કાશ્મિરને હજીય કનડતો આતંકવાદ,
તેનો ક્યારેય પક્ષ લઈ શકાય નહીં, તેને ક્યારેય
યથાર્થ ગણાવી શકાય નહીં પરંતુ જો તેને સંપૂર્ણ નિર્મૂળ કરવો હોય તો તેના કારણોમાં ઉતરવું
પડે. નક્સલવાદના મૂળમાં આર્થિક અસમાનતા, જમીનનો માલિકી હક્ક,
સામાજિક અન્યાય જેવી બાબતો પડેલી છે. પાયાના વિકાસનો અભાવ, રાજનૈતિક અલિપ્તતા જેવા અનેક કારણ હતાં જેને લીધે નક્સલવાદ શરૂ થયો અને વિકસ્યો.
અગાઉ 2009-2010માં પણ નક્સલવાદ વિરુદ્ધ અભિયાન
ચાલ્યું, ઓપરેશન ગ્રીન હન્ટના નામે કાર્યવાહી થઈ હતી.
કેન્દ્રીય બળો સતત નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડે પગે રહ્યા. સરકારે આત્મસમર્પણનો
વિકલ્પ પણ આ વિઘાતક તત્વોને આપ્યો પરંતુ તેમાં જે લોકો સક્રિય હતા તેઓ બધા જ આ પ્રેમની
ભાષા સમજે તેવું નહોતું. કોઈ પણ સમસ્યાનો ઉદ્ભવ
કદાચ આપણા નિયંત્રણની બહાર હોય પરંતુ તે વકરે નહીં, વિસ્તરે નહીં
તે તો જોવું જોઈએ. જે થયું તે પુન: ન થાય, સમાજનો કોઈ એક વર્ગ
શોષિત હોય અને આવી પ્રવૃત્તિમાં જોડાય તો પછી તેને મુખ્યપ્રવાહમાં વાળવાનું કામ પણ
અગત્યનું છે. ત્યાં ફક્ત સરકાર નહીં સામાજિક ભૂમિકા પણ અગત્યની છે. વિદ્રોહીઓને મુખ્યધારામાં
પાછા ફરવાની તક સાથે રોજગાર અને કૌશલ્યથી સજ્જ કરવાની વ્યૂહરચના કારગત નીવડી છે. છેલ્લા
કેટલાક વર્ષોમાં સરકારે નક્સલી વિસ્તારો માટે વિશેષ લક્ષ્ય નક્કી કર્યું અને તેનો અમલ
કર્યો. હવે તમામ સ્તરે એ જ જોવાનું છે કે નક્સલવાદના મૂળમાં જે કારણો હતાં તે ફરી ઉભાં
ન થાય, ગરીબી, આર્થિક અસમાનતા જેવા પરિબળો
સદંતર નાબૂદ થઈ જવા જોઈએ. સામાજિક ઉત્કર્ષ, જાતિય ભેદભાવથી મુક્તિ
જેવા તમામ પાસાઓને ધ્યાને રાખવા પડશે.