દેશમાં બિહાર, આસામ અને તામિલનાડુ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીએ રાજકીય માહોલ ગરમ બનાવ્યો
છે એ વચ્ચે ગુજરાતમાં પણ ઉષ્ણતામાનનો પારો ઊંચકાયો છે. વૈશાખ હજુ આવવાનો બાકી છે,
પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાતે રાજકીય ઉત્તેજના
સર્જાઇ છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાએ બુધવારે કાર્યક્રમની
જાહેરાત કરી એ પ્રમાણે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત
અને 260 તાલુકા પંચાયતની 9992 બેઠક માટે જંગ જામશે. ઓબીસી
અનામત લાગુ પડયા પછી પ્રથમ જ વાર આ ચૂંટણી
યોજાઇ રહી છે. 26મી એપ્રિલે એકસાથે મતદાન થશે અને 28મીએ મતગણતરી યોજાશે. ચૂંટણીના એલાન સાથે
રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં લાગી ગયા છે, આચારસંહિતા તાત્કાલિક અસરથી લાગુ થઇ છે. કચ્છની
વાત કરીએ તો ગાંધીધામ પહેલી જ વાર મહાનગરપાલિકા માટે મતદાન કરશે. એ સિવાય પાંચ અન્ય
શહેર ભુજ, અંજાર, માંડવી, મુંદરા અને નખત્રાણા નવા સુધરાઇ સંચાલકોની ચૂંટણી કરશે. જિલ્લા પંચાયત અને
બાકીની નવ તાલુકા પંચાયત માટે પણ ચૂંટણી થવા જઇ રહી છે. ચૂંટણીના એલાન સાથે જ રાજ્યના રાજકારણમાં ચેતનાનો સંચાર થયો છે. વિવિધ
રાજકીય પક્ષોએ આ ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓનો ધમધમાટ ઘણા સમયથી શરૂ કરી દીધો છે,
પરંતુ હવે સત્તાવાર રીતે પ્રચાર જોરશોરથી શરૂ થશે. ગુજરાતમાં આખો એપ્રિલ
મહિનો વાતાવરણની ગરમી સાથે રાજકીય ગરમાવાનો પણ બની રહેશે. સામાન્ય માણસોની સ્થાનિક
સમસ્યાઓ કે, વિકાસલક્ષી બાબતોનો આધાર જેના પર છે તેવી લોકલ ઓથોરિટી
ગણાતી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે. મુખ્યત્વે તો ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો જ અહીં છે,
પરંતુ 2021ની ચૂંટણીમાં
આમ આદમી પાર્ટીએ પોતે કશું પ્રાપ્ત કર્યા વગર પણ કોંગ્રેસને અને થોડું ભાજપને નુક્સાન
કર્યું હતું. સ્થાનિક પ્રશ્નો આ ચૂંટણીમાં મુખ્ય હોય છે તે જોતાં પ્રચાર પણ તે પ્રકારે
થશે, પરંતુ ગુજરાતમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓમાં સત્તા સ્થાને રહેલા ભાજપ માટે તો કેન્દ્ર અને રાજ્ય સરકારનાં કામો પ્રચાર
માટે ઉપયોગી થઈ પડશે. પાંચ વર્ષ દરમિયાન બનેલી સ્થાનિક ઘટનાઓ અને પ્રશ્નોની અસર પણ
નહીં જ વર્તાય તેવું કહી શકાય નહીં. રાજકોટ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં બનેલી કુદરતી અને માનવસર્જિત હોનારતો પાંચ વર્ષ દરમિયાન
ચર્ચામાં હતી જેનો સીધો સંબંધ સ્થાનિક કક્ષાએ રહ્યો હતો. વરસાદ, વાવાઝોડાં સમયે જિલ્લા, તાલુકા સત્તાઓની કસોટી થઈ હતી.
જો કે, ચૂંટણી તો છેલ્લા કેટલાક સમયને ધ્યાને રાખીને લડાતી હોય
છે. નેતાઓ પણ એ સમજે છે કે, સામાન્ય માણસોની યાદશક્તિ ઓછી હોય
છે. એપ્રિલ મહિનાની 26મી તારીખે
યોજાનારી ચૂંટણી એટલા માટે અગત્યની છે કે, 2027ના અંતે એટલે કે પોણા બે વર્ષ
પછી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 156 બેઠકો સાથે સત્તામાં બેઠેલા ભાજપ માટે એપ્રિલની આ ચૂંટણીઓ સેમિફાઈનલ
છે એવું જ વિપક્ષો માટે પણ કહી શકાય.